Monthly Archives: જાન્યુઆરી 2017

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૮

     aataa

      ત્રણેક વરસ પે’લા મુ.વ. કનુભાઈ રાવળ મારે ગામ આવ્યા ત્યારે અમે નાનો એવો ડાયરો કર્યો ને ઈ મને કે, “તમે આતાવાણીમાં લખો.” એને મને શ્રી. સુરેશભાઈનો ફોન નંબર આપ્યો, મેં એનો સંપર્ક સાંધ્યો અને બે-ચાર વાત્યું મારી (અને આતાની) ગામઠી બાનીમાં લખી. ત્યાર બાદ મેં “વેબગુર્જરી” ઉપર માસિક “સોરઠની સોડમ” લખવાનું શરુ કર્યું અને આતાનો વધુ પરિચય થ્યો, કારણ આતા સૌરાષ્ટ્રની જીવતી જાગતી રસધાર હતા. આતાનું વતન દેસીંગા અને વિદ્યા અને મસ્તી સ્થળ બીલખાનો આશ્રમ આ બેય મારે હાથવગાં ને હું ઘણીવાર યાં ગ્યો છ. પૂ. આતા હારે એકાદ મહિના પે’લાં વાત થઇ, એના સ્વાભાવગત અમે “હાકલા હિલોળા” કર્યા અને “રામરામ” કીધા. ત્યારે ક્યાં ખબર હતી કે આતા એ “રામરામ” “રામ નામ સત્ય છે” ઈ અરથમાં કીધુંતું.

     આતા, પીપળાના પાનથી શરુ થતી ઝીંદગી તુલસીના પાન પર અટકે છે અને છતાં આ બને વચ્ચેના સમયમાં જીવન કેટકેટલું ભટકે છે આ વાક્યનો તમે હાલતોચાલતો દાખલો હતા, નિરાશામાં આશા હતા, અંધારામાં અજવાળું હતા, નીરસ જીવનનો છપ્પનભોગનો રસથાળ હતા અને માયકાંગલાની છપ્પનની છાતી હતા. તમારું કુણું હૃદય એવી જ કૂણી કલમે ટપકતુતું. આતા, આમ તો હું તમારી વાણી બોલવા કે જીલવા સમર્થ નથી કારણ:

“…કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય

અને લેખણમાં બેઠી છે લૂ

આંગળીઉ ઓગળીને અટકળ થઇ જાય

અમે લખીયે તો લખીયે પણ શું?”
– વિનોદ જોશી

પણ તમે ઈ વક્તિ હતા કે…

“પગલાં એવા આગળ કોણ મુકતુ આવે કે

ગગન એની પાછળ આખું જુકતું આવે

અને સૂર એવા કોણ છેડી ગયું છે આ રસ્તે

કે હરણ હજીયે પાછળપાછળ દોડતું આવે

અને એનું ક્યાંક ખોવાયું હશે ને એટલે જ તો

એનું પાગલ નામ માણસેમાણસે પૂછતું આવે

જેનું જીર્ણવસ્ત્ર જેવું “દાદ” હોય મખમલી જીવન

કે તમે સાંધોસાંધો ને ઈ પાછળ તૂટતું આવે”

– કવિ દાદ

    … અને એટલે મારા જોગું તમે પ્રગટાવેલ સાદ અને વાણીના હવનમાં બીડું હોમતો રહીશ. બાકી મારુ આયુ પણ હવે ત્રણ ચાર આંગળીના વેઢે ગણાય એટલું જ છે એટલે આપણે મળશું, મોજે દરિયો ઉલેચસું ને મન પાંચમનો મેળો ભરસુ.

દિનેશ વૈષ્ણવ

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૭

aataa

સાભાર -શ્રી. ગોવિંદ પટેલ ( ‘સ્વપ્ન’ જેસરવાકર )

આતા હતા અમારા મિત્ર અલબેલા
આતા હતા એક નવલું માનવ ઘરેણું
નામ હતું એમનું  હિંમતલાલ જોશી
હતા જોશી પણ એક ટીપણા વિનાના
ગરવા ગીરનાર તણા હતા એ વાસી
બ્લોગ જગત કેરું હતા અણમોલ નાણું
જીવન સંઘર્ષની વાતો ને એ મૂલવતા
અનુભવનું તો એ હતા અનોખો ખજાનો
વહાલપ કેરી વાતોથી આપતા આશીર્વાદ
સૌ મિત્રોને મન તો  હતા મજાના માણસ 
જિંદગીના ઝંઝાવતો સામે એ ખુબ ઝઝુમ્યા
ખુદ્દારી અને ખુમારીનું જાણે વહેતું ઝરણું
એરિઝોનાના ફિનિક્સમાં વસ્યો એકલો બળીયો
છેલ્લે વસ્યો ટેનીસીમાં એની ચોથી પેઢી સાથે
શાંતિથી નિરાંતની ઊંઘમાં જ વિદાય થયા
જીવનને જીત્યું હતું એમ મોતને પણ જીતી ગયા
આતાની વિદાય એ નેટ મિત્રો માટે છે મોટી ખોટ
પ્રભુ ચિર શાંતિ આપજો સ્વર્ગમાં આ ભડવીરને

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૬

aataa   

સાભાર – શ્રી. વિનોદ પટેલ, સાન દિયેગો

  ૧૫મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ મારા ૮૧મા જન્મ દિવસે  સાંજે જ્યારે કોમ્પ્યુટર ખોલીને ઈ-મેલ વાંચતો હતો ત્યારે અનેક મિત્રોની મારા જન્મ દિવસની શુભેચ્છાઓ આપતી ઈ-મેલો વચ્ચે ન્યુ જર્શીથી ભાઈ શ્રી પ્રવીણ શાસ્ત્રીના ઈ-મેલમાંથી આતાજીના અચાનક અને અણધાર્યા દેહાંતના શોક  સમાચાર વાંચીને મારા જન્મ દિવસની એ સાંજનો આનંદ શોક અને દુખમાં પલટાઈ ગયો. કુટુંબનું જ કોઈ સ્વજન ગુમાવ્યું હોય એવી મનમાં લાગણી થઇ આવી.

family

ચાર પેઢી સાથે આતા

     શ્રી હિમતલાલ જોશી,જેમને એમના પ્રસંશકો આતા કે આતાઈ તરીકે ઓળખે છે એમનો પ્રથમ પરિચય ૨૦૧૧માં હાસ્ય દરબાર અને સૂર સાધના બ્લોગમાં સુરેશભાઈ જાનીએ એરિઝોનાના સાવજ તરીકે આતાજીનો કરાવેલ સચિત્ર પરિચય વાંચીને થયો હતો.ત્યારબાદ દિન પ્રતિ દિન એમની સાથેના ઈ-મેલ અને ફોનમાં વાતચીતથી એ પરિચય સમૃદ્ધ બનતો ગયો. આતાજીના પ્રેમાળ અને નિખાલસ વ્યક્તિત્વથી હું એમના તરફ આકર્ષાયો હતો.તેઓ મને અવાર નવાર એમના ઈ-મેલ મારફતે એમના અનુભવ અને જ્ઞાનનો લાભ આપતા હતા, જેમાં એમના હૃદયના પ્રેમનાં દર્શન થતાં રહેતાં.

    તારીખ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૨– મારા ૭૬ મા જન્મ દિવસ પ્રસંગે એમણે મને એમના ઈ-મેલમાં જે આશિષ વચનો લખ્યા હતા એમાં એમનો પ્રેમ અને એમના દિલની નિખાલસતા જોવા મળે છે.એમનો ઈ-મેલ આ પ્રમાણે હતો.

સ્નેહી ભાઈશ્રી વિનોદભાઈ પટેલ, 

     સૌ પ્રથમ તમને તમારા જન્મ દિવસની વધાઈ આપું છુંતમે તમારા કઠોર દિવસો ઠોકર મારીને દુર હડસેલી દીધા અને તમારા નામ પ્રમાણે વિનોદ વૃતિ ટકાવી રાખી.તમારી પાસેથી ઘણું શીખવા જેવું ,અને જીવનમાં ઉતારવા જેવું ઘણું બધું છે. – Ataai

      ૯૬ વર્ષના અનુભવી આતાજીને મારી પાસેથી શું શીખવાનું હોય! પણ એ શબ્દોમાં એમના દિલની પારદર્શક નિખાલસતા જોવા મળે છે. આતાજીની જીવન કહાણી ખુબ જ રસિક અને પ્રેરક છે.એમના જીવનના પ્રસંગો જ્યારે વાંચીએ છીએ ત્યારે  એક રસસ્પદ આત્મકથાનું પ્રકરણ વાંચતા હોઈએ એવી પ્રતીતિ અને અહેસાસ થયાં કરે છે

    આતાજી એમની ૯૬ વર્ષની જૈફ ઉંમરે પણ એમના બ્લોગ આતાવાણીમાં એમના જીવનના અનુભવો, લેખો, કાવ્યો, ગઝલો વિ. વિવિધ સાહિત્ય લખીને જે ઉત્સાહથી પોસ્ટ ઉપર પોસ્ટ મુકતા, એથી એમની યાદ શક્તિ લેખન કળા વિષે મને આશ્ચર્ય થતું હતું. એ બધું સાહિત્ય એમની જિંદાદીલી અને એમના સદા બહાર સ્વભાવનો પણ પરિચય કરાવે છે. આતાજીને ઘણા ચઢાવ અને ઉતરાવના કસોટીભર્યા બનાવોમાંથી પસાર થવું પડ્યું હતું.આમ છતાં બધી મુશ્કેલીઓને નજર અંદાઝ કરીને તેઓ ખુમારી ભેર છેવટ સુધી હસી ખુશીથી જીવ્યા હતા.આ બધા પ્રસંગો વિષે  એમણે અવાર નવાર એમના બ્લોગની પોસ્ટ અને મિત્રોની ઈ-મેલોમાં એમની આગવી ભાષામાં હૃદય ઠાલવીને લખ્યા છે. આતાજીના ભાતીગળ જીવનની સફરના અનુભવો વિશેના લેખો વાંચવાનો આનંદ અનેરો છે.આતાજી એમના બ્લોગ આતાવાણી ઉપરાંત મારા બ્લોગ વિનોદ વિહાર,હાસ્ય દરબાર બ્લોગ તથા અન્ય અનેક મિત્રોના બ્લોગમાં જઈને પોસ્ટ વાંચીને ઉમળકા થી કોમેન્ટ લખતા હતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ લખતા રહ્યા હતા.એટલા માટે જ હું આતાજીને નેટ જગતની એક અજાયબી કહું છું.એમના જીવનના અનુભવોની રસિક વાતોમાં એમના ખુશ મિજાજી રંગીલા મિજાજનો પરિચય મળે છે. એમના દીર્ઘાયુના કારણોમાં આ પણ એક અગત્યનું કારણ છે.

      ફિનિક્સ જેવા રણ વિસ્તારમાં એમનાં ધર્મપત્ની ભાનુમતીબેનના અવસાન પછી તેઓ એકલા પડી ગયા હતા અને માનસિક રીતે એકલતા અનુભવતા હતા.આમ છતાં એકલતા દુર કરવા મિત્રો સાથે સંપર્ક રાખવા ઉપરાંત તેઓ સીનીયર સીટીઝનો માટેના કેન્દ્રમાં જતા.ત્યાં જઈને એમણે ઘણા સ્ત્રી-પુરુષ મિત્રો બનાવ્યા હતા.એમના જીવનની સાદગી અને નિખાલસતા મને ખુબ ગમતી હતી.એમનું જીવન માત્ર દાઢી સાથેના દેખાવથી જ નહી પણ આચરણથી એક ઋષિ-મુનિ જેવું હતું. ખોરાકમાં પણ તેઓ નિયમિત હતા.તેલ મરચા વિનાનો સાદો ખોરાક લેતા.તેઓ ફિનિક્સમાં હતા, ત્યારે હૃદયની તકલીફને લીધે અને એમના પૌત્ર ડેવિડ સાથે રહેતા હતા ત્યારે પડી જવાથી હીપ રીપ્લેસમેન્ટની સર્જરી માટે હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.એમ છતાં ૯૦+ ઉમર હોવા છતાં એમના મજબુત મનોબળથી તેઓ થોડા દિવસોમાં જ ઊભા થઈને ફરી ઉત્સાહથી કાર્યરત બની મિત્રોને ઈ-મેલ અને બ્લોગ પોસ્ટમાં મનની તાજગીથી લખતા રહ્યા હતા.હોસ્પિટલના આ બે બનાવો સિવાય તેઓએ એમના જીવનમાં કદી દવાઓ લીધી નહોતી. તનનું  અને મનનું સ્વાસ્થ્ય જાળવવા માટે સૌએ આતાજીની સાદગીભરી જીવન ચર્યા પરથી ઘણું શીખવાનું છે.

     આતાજી ના દિલની ઉદારતા બેમિસાલ હતી.મજુરીની જોબ છોડ્યા પછી એમની એક માત્ર આવક એમને સોશિયલ સિક્યોરીટીમાંથી જે થોડી રકમ મળતી એ હતી.એમ છતાં એમની બચતની લગભગ બધી જ રકમ એ ઇન્ડિયા કે અમેરિકામાં રહેતાં નજીકનાં સગાઓને મદદ કરવામાં વાપરી હતી. એમના દીકરા જેવા સુરેશભાઈ જાનીને લખેલ અને મને કોપી મોકલેલ તારીખ ૧૮ મી જાન્યુઆરી ૨૦૧૫ ના ઈ-મેલમાં તેઓએ કરેલ આવી મદદ વિષે લખ્યું હતું કે :

પ્રિય સુરેશ ભાઈ,
       મેં તો ખાલી કરવાનું શરુ કરી દીધું છે.મને સો ટકા ખાતરી છે કે,

खर्च किया वो धन था तेरा धन
कमा लेनेके बाद बाकी धन खर्चेगा कोई,
तेरे मर जानेके बाद

     એટલે આઠ વરસ પહેલા મેં મારી દીકરીના દીકરાને સુરતમાં બે માળનું મકાન લઇ આપ્યું.હાલ એની કીમત 1 કરોડ રૂપિયાની આજુ બાજુ છે. એની બેનને ગાંધી નગરમાં મકાન ખરીદવા 9 લાખ રૂપિયા આપ્યા,તેણે ગાંધી નગરમાં મકાન ખરીદી લીધું .લોન લેવી પડી આ લોનના હપ્તા તેનો મિકેનિકલ એન્જી. દીકરો ભરતો જશે. મારી ભાણેજને કોઇમ્બતુરમાં વર્ષો પહેલાં મકાન લઇ આપ્યું.એનાથી નાની બેનને 7 હજાર બસો ડોલર મોકલ્યા છે, એમાંથી તેની કપૂત દીકરાની માના માટે ખર્ચો કરશે.(મારી બેન માટે)મારા ભાણેજને બે લાખથી વધુ રૂપિયા આપ્યા પણ તેની મા ને તે સારી રીતે ન રાખી શક્યો એટલે એની માને નીકળી જવું પડ્યું અને એની દીકરીને ઘરે કોઇમ્બતુર રહે છે, એનો ખર્ચ એની નાની બેન કે જે સેલમ તમિલનાડુમાં રહે છે તે ભોગવશે.

   જુનાગઢ, રાજકોટ અમારી જ્ઞાતિના મકાનો માટે લાખો રૂપિયા આપ્યા છે.હું અમેરિકાનો મજુરિયો માણસ. અહી મારા એક દીકરાને કે જે મારા પછી અમેરિકા આવ્યો તેને પણ ખુબ મદદ કરી. દેવ જોશીના બે દીકરાઓને 90 હજાર ડોલર આપ્યા. મારા નાના ભાઈને કે જેને લીધે હું અમેરિકા આવી શક્યો એને પણ ઘણી મદદ કરી. દેવ જોશીને એક પેનીની મદદ નથી કરી. દાન કર્યું એ કોઈને કહેવું ન જોઈએ પણ લોકોને ખબર પડે કે મારા મૃત્યુ પહેલાં મેં મારી ત્રેવડ પ્રમાણે ખુબ પૈસા વાપર્યા છે. હાલ મારી પાસે બચત નથી. સોશિયલ સિક્યોરીટીના પૈસા મળે છે એ વાપરું છું અને જે બચે એ દેશમાં મોકલી દઉં છું.

नाम रह जाएगा
इनसान गुजर जाएगा

   આતાજીમાં ઉદારતા, પરોપકારના જે ગુણો હતા એ એમની માતા પાસેથી મળ્યા હતા.આતાજી એમના એક બીજા ઈ-મેલમાં લખે છે કે :

    હું  મારી મા પાસેથી શીખ્યો છું.  માને અહીં અમેરિકા તેડાવ્યાં. અહીં  તેડાવવાનો વિચાર કરવો પડે તેમ ન હતો કેમ કે, મા દેશમાં  સુખી હતાં, પણ અમુક  સંજોગોને લીધે નછૂટકે તેડાવવા પડ્યાં.

    મારી માને એસ.એસ. ના પૈસા મળવાની વાત કરી ત્યારે મા બોલ્યાં: ”મારે અણ હક્કનું નથી ખાવું.અત્યાર સુધી મેં મારા ધણીની કમાણી ખાધી, પણ હું ઘરકામમાં ધણીને ઘણી  મદદ રૂપ હતી. હવે અહીં દીકરાઓની કમાણી ખાવા આવી છું કે, જેને મેં  જન્મ્યા ત્યારથી તે જુવાન થયા ત્યાં સુધી મદદ કરી છે. મહા મુશીબતે માને સમજાવ્યા કે, તારા દીકરાએ અને તેના  દીકરાએ   સરકારને ઘણો કર આપ્યો છે એમાંથી પૈસા સરકાર તુને આપે છે.સરકાર કંઈ ધર્માદો નથી  કરતી.”

    માએ પોતાના સાલ્લાના છેડે પૈસા-બે ક્વાર્ટર બાંધી રાખેલા એ મારી નાનકી  પૌત્રીને આપી દીધા અને બોલ્યાં કે ”હું  મરી  જાઉં ત્યારે મારી પાછળ  એક પૈસો પણ રહેવો ન  જોઈએ.”   

    મને એસ.એસ.ના પૈસા ઓછા મળે છે કેમ કે, હું  મારી  ઉમર જ્યારે 63  વરસની હતી ત્યારે રિટાયર થઇ ગયો છું. મેં જ્યારે નોકરી છોડી ત્યારે શેઠે મને કીધું, “શા માટે નોકરી છોડો છો, પગાર  ઓછો પડે છે ?” મેં કીધું, “બધું બરાબર છે, પગારથી મને સંતોષ છે પણ હવે મારે પૈસા વાપરવા છે.” શેઠ બોલ્યા, “તમારી ફિલોસોફી સમજવા જેવી છે.”  મેં વધુમાં કીધું “શેઠ  અમારા અભણ  વડીલો કહી ગયા છે કે પૈસા ઉપર વધુ પ્રેમ હોય એ ઘણી વખત ખરાબી સર્જે છે.”

     મને એસ.એસ. ના પૈસા ઓછા મળે છે. હું ધર્માદાના (વેલ્ફેર) પૈસા મેળવી શકું એમ છું, પણ મારે ધર્માદો ખાવો નથી.વળી એક  કવિતાની કડી યાદ આવી:

 मै मुफ़लिस हुँ मगर मिस्कीन नही हुँ
मिस्कीन नही हुँ हिम्मतसे रहने वाला हुँ
मूत मोव्वलकी  ईर्षा  कभी  करता नही हुँ 

 મુફલીસ =ગરીબ             મિસ્કીન = લાચાર, બિચારો         મુતમોવ્વલ = પૈસાદાર  

      એય સૌ ને આતાના રામ રામ

 Ataai 

       આતાજી આખરે સૌને છેલ્લા રામ રામ કરીને આપણને શોક કરતા મુકીને મોટી મુસાફરીએ ચાલી નીકળ્યા.આતા હવે નથી એ માની શકાતું નથી.કોમ્પ્યુટરમાં મિત્રોના મેઈલીંગ લીસ્ટમાં એમના નામ સામે હજુ ભૂલથી ટીક લાગી જાય છે! આતાજી જેવા ઉદાર દિલના અને પરોપકારી સ્વાભાવ ધરાવનાર માણસો દીવો લઈને શોધીએ તોય ભાગ્યે જ મળે.એમના નામ પ્રમાણે આતાજી એક હિંમતવાન અને ભડવીર માણસ હતા. એરીજોનાના સાવજ કોને કહ્યા ! આતાજી ૯૬ વર્ષનું એમનું દીર્ઘ અને ભાતીગર જીવન ખુમારીથી જીવી ગયા છે. એમણે જેમ જીવનને જીતી લીધું હતું એમ મોતને પણ જીતી લઇને પાકું ફળ ખરી પડે એમ શાંતિથી વિદાય થયા.

       પરમ કૃપાળુ પરમાત્મા આવા ઋષિ તુલ્ય આત્માને શાંતિ નહીં આપે તો કોને આપવાના છે ? આતાજી એમની પાછળ ઘણી યાદો છોડતા ગયા છે.એ બધાને યાદ કરીને જો લખીએ તો ઘણું લખી શકાય એમ છે પણ આટલેથી જ અટકું છું.

સ્વ. આતાને સ્મરણાંજલિ –૫

aataa

સાભાર – શ્રીમતિ દેવિકા ધ્રુવ

aata_devika

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૪

aataa

સાભાર – શ્રી. જુગલકિશોર વ્યાસ

જુન – ૨૦૧૩

    ગુજરાતી  નેટ જગતમાં સૌથી વધારે વંચાતી અને સહિયારા પ્રયત્નોથી ચાલતી વેબ સાઈટ ‘વેબ ગુર્જરી’ના સંચાલકોએ ગુજરાતી બ્લોગરોમાં સૌથી વૃદ્ધ આતાનું સન્માન કર્યું હતું. એકમેકથી હજારો માઈલ દૂર હોવા છતાં સહિયારા પ્રયત્નોથી આ શક્ય બન્યું હતું.  એ વખતની ઘટનાઓ રિયર વ્યૂ મિરરમાં ….

આતા પરીચય

       ગુજરાતી નેટજગતના ૯૨ વર્ષીય બ્લૉગર શ્રી હિંમતલાલ જોશીનું સન્માન કરવાનું સ્વપ્ન તો હતું જ. આદરણીય શ્રી રતિકાકાનું સન્માન થતાં જ આતાજી તરીકે ઓળખાતા ને “એરિઝોનાના સાવજ” તરીકે પણ જેઓ જાણીતા છે (અને કેમ ન હોય, ગિરનાર ને ગીર વિસ્તારનું ધાવણ ધાવેલાને માટે એનાથી બીજું કયું ઉપનામ શોભે ?!) એવા આ સૌથી વયોવૃદ્ધ ને છતાં યુવાન કહેવાતા આ બ્લૉગરશ્રીનું સન્માન કરવાની ઈચ્છા થઈ.

    આ માટે આતાજીના સૌથી નજીકના મિત્રોમાંના એક શ્રી સુરેશભાઈનો સંપર્ક કર્યો, તો એમણે તરત જ આતાજીની સાવ નજીક રહેતા શ્રી હિતેષભાઈ દેસાઈને લખ્યું –

    “આ અંગે હવે પછીની સૂચનાઓ શ્રી. જુગલકિશોર વ્યાસ આપશે. તમને આ યજ્ઞકાર્યમાં પૂરી સફળતા મળે, તેવી શુભેચ્છાઓ છે. બની શકે એટલા ફિનિક્સવાસી ગુજરાતીઓ આ પ્રસંગે ભેગા થાય તો સરસ.” એટલું જ નહીં પણ મુંબઈ ખાતે યોજાયેલા સન્માન સમારંભનો અહેવાલ પણ તેમણે હિતેષભાઈને મોકલીને કામ અંકે કરી આપ્યું હતું. (દરમિયાન શ્રી કનકભાઈ રાવળનો પણ કશેક ઉલ્લેખ હોઈ તેમને પણ આ કાર્યક્રમ નિમિત્તે યાદ કરાયા હતા જેઓ પણ આતાજીના શુભેચ્છક રહ્યા છે. તેમણે આતાજી વિષે બહુ જ ટૂંકમાં પણ સુંદર એવું આ નીચે મુજબનું લખાણ મોકલીને અમને પ્રોત્સાહિત કર્યાં :

    “હું તેમને માત્ર ઇ-મેઈલફોન અને તેમની બહુશ્રુતતા વડે જ જાણું છું. તેમના અંગત જીવનના પ્રસંગો તેમણે ખેલદિલીથી રજૂ કર્યાછે તે નિશંક છે. જે હિમ્મતથી મોટી ઉમ્મરે પરદેશમાં આવીને આમ જીવનમાં પોતાનું સ્થાન મેળવ્યું છે તે અનેક એકલવાયી વ્યક્તિઓ માટે ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. 

    તેમની પાસે તમને ક્યારેય રોદણાં કે ફરિયાદો ના સંભળાય. બધી ખાટીમીઠી સ્થિતીમાં પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખ્યું છે. મારો તેમની સાથેનો પરિચય ગુજરાત ટાઈમ્સનાં તેમનાં લખાણો માર્ફત. તે સાપ્તાહિકના તંત્રી પાસેથી તેમની ભાળ મેળવી ફોનથી સંસર્ગ કરેલો અને પછી તો ભાઈબંધી ગાઢી બની.”)

     શ્રી સુરેશભાઈએ તો આતાજીનાં કાર્યો તથા તેમના વ્યક્તિત્વનો પરિચય આપતો ડ્રાફ્ટ પણ મોકલી આપ્યો, જેનો લાભ લઈને એક સન્માનપત્ર નક્કી કર્યું હતું ને જેને સુરેશભાઈ દ્વારા મોકલાયેલી ડિઝાઈનમાં ગોઠવી દેવાયું હતું.

     પછી તો સન્માન કાર્યક્રમનો સીધો અહેવાલ જ આવ્યો.

     આપણે વિશ્વભરનાં સ્થળોનો વિચાર કરવાનો છે, ને નેટ પર તો જેતે કાર્યક્રમોમાં હાજર રહેનારા સભ્યો અન્ય દર્શકોથી જ આપણી પાસે પહોંચશે અથવા તો વીડિયો–કોન્ફરન્સના માધ્યમથી જ ઉપલબ્ધ થવાના !

      શ્રી સુરેશભાઈએ ફરી પોતાની જવાબદારી સંભાળીને અમને લખ્યું :

     “મિત્રોઆતાની સન્માનપાર્ટી વખતે મૂવી કેમેરામાં થોડીક ગરબડ થયેલીઆથી હિતેશભાઈના સેલફોન પર પાડેલો વીડિયો જ મળ્યો છે ક્રિસે મૂવી કેમેરા પર પાડેલ વીડિયો કદાચ મળે ત્યારે પણ આ જરૂરી ભાગ એમાં હોવાની શક્યતા નહીંવત લાગે છે. આથી આ વીડિયોથી જ કદાચ ચલાવી લેવું પડે. જો બેચાર દિવસમાં એ વીડિયો મને મળી જશે અને કામનો લાગશે તો તમને મોકલીશ…..  આ (સાથે બીડેલી વીડિયોની લિંક)માં આતાએ આપેલો જવાબ નથીઆથી મેં એમને જ એક રિપોર્ટ બનાવવા કહ્યું હતું જે નીચે મુજબ છે. એમાં ફેરફાર કરીને વેબગુર્જરી પર હેવાલ બનાવશો.” 

   અને પછી તો  એ કાર્યક્રમનો આંખેદેખ્યો – ને હૈયેનોંધ્યો – અહેવાલ સૌ સમક્ષ વિડિયો મારફત પહોંચી જ ગયેલો.

     આ અહેવાલની વિશેષતા એ છે કે એ સન્માન જેમનું થયું છે તેમના જ શબ્દોમાં છે !! સામાન્ય રીતે આવું ન હોય, નેટ–કાર્યક્રમોમાં આવી કેટલીક નવી પ્રણાલીઓ જોવા મળે તો નવાઈ ન ગણવી. આ અહેવાલ આતાના હૈયેથી નીકળેલા શબ્દોમાં હોઈ એને જ મૂકવાનો લોભ રાખ્યો છે: 

મારા અતિ પ્રિય મિત્રો,

      શ્રી સુરેશ જાની મારા મિત્ર હિતેશ દેસાઈને ઓળખે છે. તેણે હિતેશ દેસાઈને વાત કરી કે વેબ ગુર્જરી(ના સૂચનથી)શ્રી જુગલકિશોર વ્યાસ અતાઇ (આતા) વિષે લખીને (વેગુ દ્વારા) જાહેર સન્માન કરવાના છે. એટલે તમે લોકો આતા માટે સન્માનપાર્ટી યોજો.  

     હિતેશ અને એની પત્ની મીતા આવેલાં. હિતેશ મહારાષ્ટ્રમાં જન્મેલ અને ઉછરેલ ગુજરાતી જૈન છે. અને તે પોતાના બાહુબળથી અમેરિકા આવ્યો છે. તે અને તેની પત્ની મીતા દેસાઈ આ બંને જણાંને મારી આવડત માટે ઘણું માન  છે. હિતેશ મને ઘણી વખત કહેતો હોય કેમાણસનું મૃત્યુ થાય એ પછી લોકો છાપાંમાં એની પ્રસંશાનાં પુષ્પ ચઢાવતા હોય છે. પણ એની મરનારને ખબર હોતી નથી. એટલે અમે તમારું સન્માન તમે જીવો છો ત્યારે જ કરી દેખાડીએ. બે વરસ પહેલાં એણે મારી જબરી બર્થડે પાર્ટી રાખેલી. એની પત્ની મીતાએ પણ  સુરેશની વાત સ્વીકારીઅને મારા સન્માનની નાની પાર્ટી રાખી. શ્રી જુગલકિશોર વ્યાસે  મારા માટે સન્માનપત્ર મોકલેલ તેને મિતાએ આકર્ષક  ડિઝાઈનમાં તૈયાર કરેલું. પાર્ટી માટે સ્થળની તપાસમાં હતા પણ શ્રી લોટવાલાએ પોતાના ઘરે પાર્ટી રાખવાનું હર્ષભેર કહ્યું. લોટવાળા અને તેમનાં પત્ની ચંદ્રિકાબેન બંનેને મારા માટે સરખું માન છે. ચંદ્રિકાને એક સંબંધીના લગ્નમાં જવાનું હતુંપણ મારા માટે એમણે લગ્નમાં જવાનું બંધ રાખ્યું અને પાર્ટીમાં હાજર રહ્યાં. ચંદ્રિકાના પિતા સ્વ. હેમંતકુમાર મારા પ્રશંસક અને પ્રેમાળ મિત્ર હતા. લોટવાળા સરકારી ખાતામાં પોલ્યુશન વિરોધી ખાતામાં ઓફિસર તરીકે  નોકરી કરી ચૂક્યા છે. 

    મારો ખાસ અમેરિકન મિત્ર ક્રિશ કે જે મારી પાર્ટીમાં પોતાના પુત્રપરિવારનાં સાત જણાં સાથે ખાસ આવ્યો. ગુજરાતીમાં કશું સમજે નહિબોર થઈ જાય. પણ એ મારા પ્રત્યેના પ્રેમની ખાતર પાર્ટીમાં ઠેઠ સુધી ટકી રહ્યો. તે અમેરિકા ખાતે પુરુષ જાતિમાં અમેરિકન તરીકે મારી પસંદગીનો પહેલા નંબરનો મિત્ર છે. મને હાર્ટએટેક આવ્યો અને હું હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે મારા ખબરઅંતર પૂછવા હંમેશાં આવતો. અને હોસ્પિટલમાંથી છૂટો થયા પછી પોતાને ઘરે મને એક મહિનો રાખ્યો. પણ પછી મારા અતિ આગ્રહથી મારા ઘરે મૂકી ગયો.  

     જયારે સૌ મારી કમ્પ્યુટર વિશેની આવડતનાં વખાણ કરવા માંડ્યાં  ત્યારે મારે કહેવું પડેલું કે ચંદ્ર પોતે પ્રકાશ આપતો હોય એવું આપણને લાગે છે. પણ ખરેખર એને સૂર્ય પ્રકાશિત કરે છે. એવી રીતે મને સુરેશ અને ક્રિશ પ્રકાશિત કરે છે. 

     સુરેષા શાહ એ પણ મારાં (એમના તો હિમ્મતકાકાનાં) પ્રેમાળ બહેન છે, તેઓ મુંબઈ સમાચાર પત્રના પત્રકાર અને લેખિકા છેએમણે વેગુ પરિવાર તરફથી મોકલાયેલું સન્માનપત્ર વાંચી સંભળાવ્યું અને સાથે સાથે પોતે બહુ કાળજી લઈને મારે માટે ભાવપૂર્વક તૈયાર કરેલું મારું સન્માનપત્ર પણ સૌને વાંચી સંભળાવ્યું. બીજાં એક બહેન, હર્ષા જોશી કે જે સંગીત વિશારદનું સર્ટિ. ધરાવે છે, તેઓ દીકરી વૃંદા સાથે આવેલાં. તેમણે મારું રચેલું સ્ત્રીશક્તિનું માન ધરાવતું હિન્દીભાષી લોકગીતના રાગનું ભજન પોતાના મધુર સ્વરમાં સંભળાવ્યું ત્યારે તો હું ભાવવિભોર બની ગયો ! મેં મારા અવાજમાં કનકભાઈના  હુકમથી છંદ ગાઈ સંભળાવ્યો. ભાઈ હિતેશે ઘણાં ફિલ્મીગીતો ગાયાં…. 

     આ મારી સન્માનપાર્ટીમાં પધારેલાં દેશીવિદેશી ભાઈઓ, બહેનો અને પાર્ટી રાખવા માટેનો આગ્રહ વે.ગુ. પરિવાર વતી રાખનાર ભાઈ જુગલકિશોર વ્યાસ અને ભાઈ સુરેશ જાનીનો  હું ઘણો આભારી છું.

––––––––––––––––––––––

શ્રી હિંમતલાલ જોશીના બ્લૉગ આતાવાણીપર તેમની અનેકવિધ પ્રવૃતિઓને પણ માણી શકાશે. ઉદાહરણ તરીકે  

http://youtu.be/lOnurWv1aoA

http://youtu.be/6_dLli6ecMw

http://youtu.be/KYpuh7QS-OA

આતાને અપાયેલ આ સન્માન માટે અહીં  આભાર વ્યક્ત કર્યો હતો.

એ સન્માન પત્ર –  સુવાચ્ય અક્ષરોમાં…..

gun2

આ ફોટા પર ક્લિક કરો

 

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૩

સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર 

આતાના જવાથી આપણને આવતા વિચારોને વાચા …

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
– ઓજસ પાલનપુરી
દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ
જીવ હજી તો જભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત કબીરા.
– ચંદ્રેશ મકવાણા
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે.
– રાજેન્દ્ર શુક્લ
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
કોક દરવાજો કરી દે બંધ તો!
– ચિનુ મોદી
પાનખર વીતી છતાં ખરતાં રહે છે
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું. 
– ઉદયન ઠક્કર
શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!
– અનિલ ચાવડા
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
– જલન માતરી
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.
– મરીઝ
હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
– ગૌરાંગ ઠાકર
રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
– બરકત વિરાણી ‘બેફામ’
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.
– સૅફ પાલનપુરી
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
– ગની દહીંવાલા
જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
– ગની દહીંવાલા

આતા જે રીતે જીવન જીવ્યા એને આ શબ્દો વાચા આપે છે –

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
– આદિલ મન્સૂરી
 
જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
– મરીઝ
જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
– અનિલ ચાવડા
જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.
– રાજેન્દ્ર શુક્લ
આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી નહીંતર હું ના પાડું તને?
– ખલીલ ધનતેજવી
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.
– મનોજ ખંડેરિયા
ક્રોધ મારો જોઈને ડરશો નહીં,
પુષ્પના ડાઘા કદી પડતા નથી.
– ચિનુ મોદી
 
ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નૈં.
– અનિલ ચાવડા
 
ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.
– ભાવેશ ભટ્ટ

 

તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
– બાપુભાઈ ગઢવી
તફાવત એ જ છે,તારા અને મારા વિષે,જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
– અમૃત ઘાયલ
તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું કહું છું જિંદગી ધોવાય છે.
– શયદા
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
– મરીઝ
 
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
– મરીઝ
 
સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને?
 – મુકુલ ચોક્સી
હસ્તરેખા જોઈને સૂરજની કૂકડાએ કહ્યું,
આપના પ્રારબ્ધમાં બહુ ચડ-ઉતર દેખાય છે.
– ઉદયન ઠક્કર

અને છેલ્લે આ સચિત્ર..

gayo

મહેન્દ્ર ભાઈની જાત મહેનત આ રહી –

ગૂગલ સાઈટ પર ‘આતાવાણી’

ગૂગલ સાઈટ પરથી ‘આતાવાણી’ ડાઉનલોડ

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૨

સાભાર – શ્રી.  પી.કે.દાવડા  

શ્રી. પી.કે.દાવડાનો આ સંવાદ વિડિયો પહેલાં જુઓ…

       (મેં જ્યારે “મળવા જેવા માણસ” લેખમાળા લખવાની શરૂઆત કરી ત્યારે મારા બીજા જ લેખના પાત્ર તરીકે મેં આતાજીને પસંદ કરેલા. ૯૩ વર્ષની વયે પણ એમની સ્ફૂર્તિ અને જીવન જીવવાની એકની કલાએ મને આકર્ષ્યો. એમના અચાનક સ્વર્ગવાસના સમાચાર સાંભળી, મને જાણે કૉઇએ માથા ઉપર હથોડો માર્યો હોય એવી લાગણી થઈ. આવા સમયે, એમને ફરી મળવા, એમના વિષે મેં લખેલો પરિચય, મારા અને આતાજીના મિત્રોને ફરી મોકલું છું.)

aataa

મળવા જેવા માણસ-૨ (હિમતલાલ જોષી-આતા)

      ૯૩ વર્ષની વયના મારા મિત્ર શ્રી હિમતલાલ જોષીને વધારે લોકો તેમના હુલામણા નામ “આતા” કે “આતાઈ” થી ઓળખે છે. મારા પ્રત્યેક ઈ-મેઈલનો તરત જ જવાબ લખનારા આ આતા સદા આનંદિત રહે છે. તેઓ પોતાનો “આતાવાણી” નામે બ્લોગ ચલાવે છે, અને બીજા અનેક બ્લોગ્સની મુલાકાત પણ લેતા રહે છે. વેબ ગુર્જરી દ્વારા સન્માનિત આતાની વાત એમના શબ્દોમાં જ વાંચો.

      “મારો જન્મ ૫ મી એપ્રિલ ૧૯૨૧ ના દિવસે દેશીંગામાં થયો હતો. દેશીંગા જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. મારા પિતા જેઠા બાપા દેશીંગામાં માસિક રૂપિયા ૧૨/- ના મબલખ પગારથી પોલીસ પટેલ તરીકે નોકરી કરતા.  હું દેશીન્ગાની નિશાળમાં ગુજરાતી પાંચ ધોરણ સુધી ભણ્યો; કેમકે વધારે ધોરણ હતાં નહીં. પછી દેશીંગાથી અર્ધો ગાઉ દુર મરમઠ ગામમાં અંગ્રેજી વિના સાત ધોરણ પાસ  કર્યા. મારી ભણવાની બહુ હોંશ હોવા છતાં, મારા બાપાની ગરીબીએ મને આગળ ભણતો અટકાવ્યો.  પછી મને બીલખામાં  શ્રી નથુરામ શર્માનાં આશ્રમમાં સંસ્કૃત  ભણવા મુક્યો. આશ્રમ માં ભણતો હતો ત્યારે મને પંજાબના ઉદાસી સંપ્રદાયના સાધુનો ભેટો થયો. આ સાધુ પાસેથી  હું ઉર્દુ લખતા, વાંચતા શીખ્યો.  અહી મેં આશ્રમના એક ક્લાર્કને  લાકડીથી માર્યો હતો, અને આ કારણે મને આશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યો.

     આશ્રમમાંથી કાઢી મુક્યા પછી હું ઘરે આવ્યો, અને પછી મેં  ખાંડ, કેરોસીન વગેરે વસ્તુ  કાળાબજારમાં વેચવાનો  ધંધો શરૂ કર્યો,  પણ એમાં  જોખમ હોવાથી મારી માએ  આવો ધંધો ન કરવાનું કહ્યું.

     આ વખતે બીજું વિશ્વ યુદ્ધ  જોરશોરથી  ચાલી રહ્યું હતું.  હું આર્મીમાં ભરતી થઇ ગયો. ૧૯૪૨ થી ૧૯૪૭ સુધી આર્મીમાં કામ કર્યું. બીજું વિશ્વયુધ્ધ પૂરૂં થઈ જવાથી મને સેનામાંથી છુટો કર્યો. ત્યાર બાદ, હું અમદાવાદ પોલીસ ફોર્સમાં જોડાયો. ૧૯૪૭ થી ૧૯૭૪ સુધી પોલીસ ખાતામાં કામ કર્યું. અમદાવાદમાં  હું એક એવો પોલીસ હતો કે D.S.P. સુધીના માણસો મને અંગત રીતે ઓળખે.  એનું કારણ એ કે,  હું  કાળા નાગને કોઈ પણ જાતના સાધન વગર મારા ખુલ્લા હાથથી પકડી લેતો. હું મારા આવા સરપ  પકડવાના ધંધાને લીધે  છાપે ચડ્યો હતો . અમદાવાદનો સુભાષ બ્રીજ બની રહ્યો હતો ત્યારે એના ચીફ એન્જીનીઅર  બી. કુમાર હતા. તે  એક વખત સિનેમા જોઈ  ઘરે આવ્યા અને પથારી પાસે ગયા ત્યારે, ત્યાં ગુંચળું વાળીને બેઠેલા નાગદેવતાએ ફૂફાડો મારીને એમને ડરાવ્યા. એટલે  એ તો હડી કાઢીને  બંગલાની બહાર નીકળી ગયા.  આ વખતે લોકોનું ટોળું પણ ભેગું થઇ ગયેલું. પણ મજાલ છે કે,  કોઈ બંગલા નજીક જાય!  પણ એક ભડનો દીકરો  ભૈયો હતો તે  દરવાજા  પાસે હાથમાં લાકડી અને ટુવાલનો ડૂચો લઈને બેઠો હતો.  મને બોલાવવામાં આવ્યો. હું ગયો  એટલે ભૈયાએ મને ચેતવ્યો કે,

    “साब! आप साथ कुछ नहीं लाए। यह  साप बड़ा खतरनाक है।”

     મે તો મારા હાથમાં લાકડી હતી; એ પણ દુર મૂકી દીધી; અને પથારી પાસે ગયો. એટલે મને ડરાવવા નાગ દેવતાએ ફેણ માંડી, અને ફૂફાડો માર્યો.  હું સૌને સંભળાવવા બોલ્યો –

    ” નાગબાપા!  આ તમે જુઓ છો એ માંયલો માણસ હું નથી.”

     એમ બોલી ફેણ માથે હાથ મૂકી  નીચે કરી દીધી. પછી એના ગુંચળા નીચે મારા બે હાથની હથેળીઓ ઘાલી  નાગદેવતાને  ઊંચા કરી મારા નાક સામે ફેણ મંડાવી; અને પછી ચાદરમાં મૂકી દીધા.

     કોઈક બોલ્યું કે, આને કૈંક ઇનામ આપવું જોઈએ.  બી.કુમારે  મને વીસ  રૂપિયા આપવાનું કર્યું. મેં તેમને કહ્યું કે મારાથી સીધું ઇનામ ન લેવાય. તમે મને મારા ખાતા મારફત  આપો.

      પછી તો છાપાંવાળાઓને ઈન્સ્પેક્ટરે  બોલાવ્યા.  મારો ઈન્ટરવ્યુ લેવડાવ્યો;  અને હું તો છાપે ચઢી ગયો. મુંબઈના ‘જન્મભૂમિ’ છાપામાં આ મારા સર્પ પકડવાની વિગત પણ  છપાણી. મારો જીવતા સાપ પકડવાનો આ શોખ, એક વાર નાગના કરડવા છતાં, આજસુધી કાયમ છે.

       પોલીસ ફોર્સમાંથી વહેલો નિવૃત થઈ અને મારા નાનાભાઈના તેડાવવાથી   ૧૯૭૪ માં અમેરિકા આવ્યો.  છ દિવસ આરામ કર્યાં પછી નોકરીની શરૂઆત કરી. ૧૯૮૫ સુધી પ્રિન્ટીંગ  પ્રેસમાં કામ કરી કમાયો અને એરિઝોનામાં  પોતાની કમાણીથી  ઘર ખરીદ્યું.  છાપાઓમાં લેખો લખ્યા.  લેખોએ મને ઘણી પ્રસિદ્ધિ અપાવી. ડો. કનક રાવલ (જાણીતા ચિત્રકાર રવિશંકર રાવલના સુપુત્ર) જેવા મિત્રો મળ્યા.  શ્રી સુરેશ જાની (બ્લોગ જગતના જાણીતા સુરેશદાદા) એ મારો ઉત્સાહ  ખુબ વધાર્યો.

     અમેરિકા આવ્યા બાદ સાહિત્યમાં રસ કેળવાયો અને ઉર્દુ અને અરબી ભાષા શીખ્યો.  ૧૯૯૬ સુધી ન્યુ યોર્ક રાજ્યમાં અને ત્યારબાદ એરિઝોના રાજ્યમાં રહ્યો. ૪૦ વર્ષથી અમેરિકામાં રહેવા છતાં હજી અમેરિકાની નાગરિકતા સ્વીકારી નથી.

      ૨૦૦૭ માં  મારી પત્નીના પરલોક ગયા પછી  હું બહુ ઉદાસ રહેતો હતો; પણ મને પોતાના દાદાથી અધિક ચાહતી અને મને  મારી પોત્રી જેટલી જ  વહાલી, ગોરી અમેરિકન લિયા એ મારી ઉદાસીનતા દુર કરી.”

      હાલમાં આતાજી સવારે વહેલા તૈયાર થઈ, સરકાર દ્વારા ચાલતા Senior Citizen Centre માં પહોંચી જાય છે, ત્યાં મિત્રોને મળે છે, કોમપ્યુટર ઉપર કામ કરે છે, વાંચન કરે છે, લેખ અને શાયરીઓ લખે છે. બપોરે ઘરે આવી થોડો આરામ કરે છે, ત્યાર બાદ ઘરના બાગમાં થોડું કામ કરે છે, લોકોને હળે મળે છે, અને આનંદમાં જીવન વ્યતિત કરે છે. એમને જીવન પ્રત્યે કોઈ ફરિયાદ નથી.

-પી. કે. દાવડા

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧

આતાને સાદર વંદન સાથે…

ganapati

એક દી મેં ગણપતિદાદાને પુછ્યું –

પ્રશ્ન દાદા મને થયો, ગૌરી પુત્ર ગણેશ
ઉંદર વાહન કેમ કર્યું એની ચિંતા મને હમેશ

દાદા બોલ્યા-

    તું તારી ચિંતા કર  મારી ચિંતા મુકી દે.  છતાં હું તુને નિરાશ નથી કરતો તારા પ્રશ્ન નો ઉત્તર  આપું છું.  જો સાંભળ હું મારા પિતાના ગણો એટલેકે સૈનિકો નો હું સેનાપતિ છું એટલે  મારે દુશ્મન ના વિસ્તાર માં  જાસુસી કરવા જવું પડે એટલે જો ઉંદર મારું વાહન હોય તો મને ગમે તેવી સાંકડી જગ્યાએ લઈ જાય અને ક્યાંક કાપી કુટીને  માર્ગ કરવો હોય તો પણ ઉંદર પોતાના મજબુત દાંત થી રસ્તો કરી લ્યે  સમજ્યો ?

મેં કીધું-

    નથી સમજ્યો.  કેમકે દાદા  તમારે સુંઢ અને દાંત સાથે પંદર મણનું માથું અને એટલુજ  વિશાળ પેટ  ભક્તોએ  લાડવા ખવડાવી  ખવડાવીને  મોટી ફાંદકરી દીધી છે એ બધું ઉપાડીને ઉંદર જાય કેવીરીતે ?

દાદા ક્યે –

     અમે દેવતા કહેવાઈએ  ગમે તેટલું નાનું રૂપ લઇ શકીએ  જા હવે વધુ દલીલ ન કરતો ટૂંકમાં તુને કહું તો ધાર્મિક બાબતોમાં શ્રદ્ધા રાખવાની હોય છે

     આ હતું… આતાવાણી પર આતાનું પહેલું લખાણ – તા. ૩૦, નવેમ્બર -૨૦૧૧

     વડીલ મિત્ર ડો. કનક રાવળ મારફત મારો પરિચય માંડ એકાદ મહિનો જૂનો હતો. પણ ગુજરાતીમાં જ લખાતા એમના ઈમેલ જોઈ મને આશ્ચર્ય થયું કે, ‘બહુ જ ભણેલા ઘણા લોકોને ગુજરાતીમાં ટાઈપ કરતાં તકલીફ પડે છે, તો ૯૦થી વધારે ઉમરનો આ માણસ આ શી રીતે શીખ્યો?’ મેં એમને બ્લોગ બનાવવાનું સૂચવ્યું, થોડીક મદદ કરી અને આ બ્લોગ વહેતો થઈ ગયો. નવેમ્બર -૨૦૧૧ માં શરૂ થયેલ એમની એ યાત્રા પાંચ વરસથી થોડાક વધારે સમય સુધી અવિરત ચાલતી રહી છે. નવું નવું શીખવાની એમની ધગશ જોઈ મને પણ એમના જીવન વિશે રસ પડ્યો અને અમારો પરિચય વધવા લાગ્યો. ફિનિક્સ, એરિઝોના એમને મળવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું. અને એમની સાથેનો પરિચય કેવળ નેટ મિત્ર ની જગ્યાએ બાપ–દીકરાનો બની રહ્યો.

     આતાના વ્યક્તિત્વના વિવિધ પાસાંઓ વિશે તો હવે સૌ જાણે છે, એટલે એની વધારે વિગતમાં ઊતરવું નથી. પણ એમની જે બાબત મને સૌથી વધારે ગમી હોય તે છે – નિખાલસતા અને કોઈ પણ જાતના આડંબરનો અભાવ –  સીધી દિલમાંથી નીકળતી વાણી.  ૯૦ વર્ષના આયખામાં થયેલા જાતજાતના અનુભવોનો શબ્દ એમના પ્રત્યેક સર્જનમાં પડઘાતો રહેતો. અને કેવી એ યાત્રા? સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારના સાવ નાના ગામમાંથી શરૂ કરીને લશ્કર, પોલિસ ખાતું, અમેરિકાનો પ્રેસ અને એરિઝોનામાં અરણ્ય વાસ સુધી ફેલાયેલી  એ સફર. જાતજાતના શોખ! જાતજાતની કાબેલિયતો. આતાવાણી પરનાં એમનાં સર્જનો આ હકોકતની સાક્ષી પૂરે છે.

     મારા બાપુજી ગુજરી ગયા અને પછી એક એક કરીને આગળની આખી પેઢી દિવંગત બની ગઈ. આતા મળ્યા અને ‘મારા બાપુજી મને પાછા મળી ગયા.’ – એવો ભાવ સદંતર અંતરમાં હેલ્લારા મારતો રહ્યો છે. સંબંધોમાં ઘણી વાર બનતું હોય છે, તેમ અમારી વચ્ચે પણ વિચાર ભેદ – મત ભેદ ઊભા થયા છે. પણ એ કદી મન ભેદ નથી બની શક્યા. મારાથી એમની અવજ્ઞા થઈ છે,  માઠું લાગે તેવી મારી વર્તણૂંક પણ થયેલી છે. પણ આતાએ કદી મારી સાથે સંદેશાની આપ-લે બંધ કરી દીધી નથી. મારી એ બધી ભૂલચૂક માટે આતાની ક્ષમાયાચના અહીં જાહેરમાં દોહરાવતાં દિલનો ભાર ચપટીક ઓછો થતો અનુભવી રહ્યો છું.

     દરરોજ સવારના ઈમેલ – બ્રેકફાસ્ટમાં એમની ગેરહાજરી આજથી જ સાલવા લાગી છે!  આશા છે કે, હવે પછી મિત્રોના અહીં  પ્રગટ થનાર લખાણો/ પ્રદાનથી એ ખોટ થોડીક પૂરાશે.

      વાચક મિત્રોના રિવિઝન માટે…

આતાની ‘ધરપકડ’ ની મજા અહીં માણો…

 એમના આ જગમશહૂર સંદેશથી અન્ય મિત્રોને આ સ્મરણાંજલિ એક મહિના સુધી સભર બનાવતા રહેવા ઈજન …aataa_1

 

આતા નથી, પણ…..

      આતા નથી,  પણ…..

આતાવાણી છે!

કાળા નહીં …. આતાને બહુ ગમતા ફૂલ ગુલાબી અક્ષરે…. આતાવાણી છે  જ !

     આતાનો આ લખનાર ઉપર એટલો બધો પ્રેમ હતો કે, તેમણે તેને આતાવાણીનો માત્ર તંત્રી જ બનાવ્યો ન હતો. એમની અસીમ કૃપાથી આ જણ એનો સંચાલક છે.

      એ પદની આમન્યા અને ફરજ જાળવીને નીચેના અગત્યના નિર્ણયો….

 1. આતા નથી પણ ‘આતાવાણી’ ચાલુ રહેશે.
 2. આવતીકાલથી શરૂ કરીને એમનાં સંસ્મરણો અહીં આંતરે દિવસે પ્રગટ કરવામાં આવશે. પહેલું સંસ્મરણ આ જણનું આવતીકાલે…
 3. જે જે મિત્રો, સગાંઓ, સંબંધીઓને આતાના સંસ્મરણો રજુ કરવા હોય, એમના તરફની લાગણી પ્રદર્શિત કરવી હોય તે મને સામગ્રી મોકલશે, તો એ અહીં કોઈ જાતની સેન્સરશીપ/ કાપકૂપ કે સુધારા વિના રજુ કરવામાં આવશે. આ લાગણી અને ભાવની વાત છે, માટે ભાષા બાબત  પણ કોઈ નિયમન રાખવામાં નહીં આવે. અંગ્રેજી, ગુજરાતી કે હિન્દીમાં લખાણ મને મોકલી આપવા સૌને ઈજન છે.
  sbjani2006@gmail.com
 4. તમારા ભાવને મ્હોરવા દઈને પ્રસિદ્ધ કરવાની સામગ્રી કોઈ પણ સ્વરૂપમાં સ્વીકારવામાં આવશે – લખાણ, ફોટા, વિડિયો, ચિત્રો વિ.
 5. ૧૫ મી ફેબ્રુઆરી સુધી આ સિલસિલો જારી રહેશે. તે બાદ આતા જીવતા હોત, તો તેમને પસંદ આવે તેવી સામગ્રી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.
 6. જો કોઈને આતાવાણીનું તંત્રીપદ સ્વીકારવા અને એ જવાબદારી અદા કરવા મરજી હોય,  તો તે આ લખનારને જણાવે. એમને સાથી બનાવવાનું ગમશે.
 7. આ ઉપરાંત… ‘આતાવાણી’ને જિવંત રાખવા તમારાં સૂચનો પણ અહીં પ્રતિભાવ રૂપે આપી શકો છો.

418493_398735700152681_1826065604_n

કઈ દિશામાં જઈ રહ્યા છો? આતા!
સ્વર્ગ સર કરવા? !

આતા હવે નથી

aataa

સૌ નેટ મિત્રોને આઘાત આપે તેવા સમાચાર.

મિત્રો,
      હમણાં જ દેવ જોશી નો ફોન હતો.

      એક કલાક પહેલા આતાજી આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે. સૂતેલા હતા અને એમનો પૌત્ર ડેવિડ મંદીરે  જવા એમને ઊઠાડવા ગયો, ત્યારે તેઓ ભર નિદ્રામાં હતા. બસ કાર્ડિઆક એરેસ્ટ.શુક્રવારે એમનો ફોન હતો, અને દિવ્યભાસ્કરના ઈન્ટરવ્યુની વાત કરી, ત્યારે તો સરસ મૂડમાં હતા. ઘણી વાતો કરી હતી. આપણા અન્ય સૌ મિત્રોને જણાવશો.
– પ્રવીણ શાસ્ત્રી.

મારે માટે તો આ બાપ મરી ગયો હોય તેવો આઘાત છે.

આતા  મોક્ષમાં માનતા ન હતા. એમના આનંદી અને સદા કાર્યરત સ્વભાવ અને વર્તને એમનો જીવતે જીવ મોક્ષ કરી જ દીધો હતો.

પ્રભુ એમના આત્માને ચિરંતન શાંતિ આપે એવી આપણી સૌની પ્રાર્થના છે.

આતાનો પરિચય…

જીવનમંત્ર

सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला नहीं हो सकता।
————
Teachers open door,
But you must enter by yourself.

તેમનો બ્લોગ ‘ આતાવાણી’

તેમની જીવનકથા – તેમના શબ્દોમાં

૯૦ વરસના જુવાનનો પરિચય આપતો એક લેખ

શ્રી.પી.કે.દાવડાએ લખેલ સરસ લેખ

———–

ઉપનામ

 • આતાઈ

જન્મ

 • ૧૫, એપ્રિલ-૧૯૨૧, દેશિંગા ( તા. માણાવદર, જિ. જૂનાગઢ )

અવસાન

 • ૧૫, જાન્યુઆરી -૨૦૧૭, મોરિસ ટાઉન, ટેનેસી

કુટુમ્બ

 • પિતા – જટાશંકર; માતા – ઝવેરબેન; ભાઈ – પ્રભાશંકર; બહેનો – હેમકુંવર, સ્વ. રાધા, સ્વ. માણેક
 • પત્ની– સ્વ. ભાનુમતી; પુત્રો – હરગોવિંદ ( દેવ – તેમનું ઈન્ટરનેટ રેડિયો સ્ટેશન) , સતીશ; પુત્રી– જયા

અભ્યાસ

 • પાંચ ધોરણ સુધી – દેશિંગામાં
 • છ અને સાત ધોરણ – મરમઠ

વ્યવસાય

 • ભારતમાં – ૧૯૪૨ થી ૧૯૪૭ – મિલીટરી, ૧૯૪૭ – ૧૯૬૯ અને ૧૯૭૧ થી ૧૯૭૪ પોલિસ ખાતું
 • અમેરિકામાં – ૧૯૭૪ થી ૧૯૮૫ –  વિવિધ નોકરીઓ, મોટા ભાગે છેલ્લે સુધી પ્રિન્ટિંગ પ્રેસમાં

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

 • મિલીટરીમાં હાલના પાકિસ્તાન અને દેશમાં વિવિધ જગ્યાએ જાતજાતના અનુભવો
 • પોલિસ ખાતામાં અમદાવાદ અને અંબાજી ખાતે જાતજાતની કામગીરી, એ દરમિયાન બકરીઓ પણ પાળી હતી.
 • અમેરિકા આવ્યા  બાદ સાહિત્ય રસ કેળવાયો અને ઉર્દૂ અને અરબી ભાષા પણ શિખ્યા. ઉર્દૂ લીપીમાં પણ લખતાં શિખ્યા.
 • આશરે ૪૦ વર્ષથી અમેરિકા રહેતા હોવા છતાં હજુ અમેરિકન નાગરિક બન્યા નથી.
 • સદા બહાર, સદા યુવાન અને કામગરા માણસ
 • ૧૯૯૬ સુધી ન્યુ જર્સી અને ન્યુ યોર્ક રાજ્યોમાં અને ત્યાર બાદ એરિઝોના રાજ્યમાં વસવાટ

હોબી

 • ખજુરના ઠળિયા, નાળિયેરની કાચલી, વિવિધ ફળની સૂકાયેલી છાલ, છીપ વિ. માંથી માળા, પટ્ટા, ટોપી વિ. બનાવવા
 • વિવિધ ચીજોમાંથી જાદુના ખેલ માટેનાં સાધનો બનાવવા અને બતાવવા
 • સાપ, નાગ, વીંછી જેવા જાનવરોને કોઈ સાધન વગર પકડવા

રચનાઓ

 • અતાઈના અનોખા સ્વાનુભવો, અતાઈના આપજોડિયાં, વડીલોની વાતો, આધી હકીકત  આધા ફસાના