આતા પરીચય
ગુજરાતી નેટજગતના ૯૨ વર્ષીય બ્લૉગર શ્રી હિંમતલાલ જોશીનું સન્માન કરવાનું સ્વપ્ન તો હતું જ. આદરણીય શ્રી રતિકાકાનું સન્માન થતાં જ આતાજી તરીકે ઓળખાતા ને “એરિઝોનાના સાવજ” તરીકે પણ જેઓ જાણીતા છે (અને કેમ ન હોય, ગિરનાર ને ગીર વિસ્તારનું ધાવણ ધાવેલાને માટે એનાથી બીજું કયું ઉપનામ શોભે ?!) એવા આ સૌથી વયોવૃદ્ધ ને છતાં યુવાન કહેવાતા આ બ્લૉગરશ્રીનું સન્માન કરવાની ઈચ્છા થઈ.
આ માટે આતાજીના સૌથી નજીકના મિત્રોમાંના એક શ્રી સુરેશભાઈનો સંપર્ક કર્યો, તો એમણે તરત જ આતાજીની સાવ નજીક રહેતા શ્રી હિતેષભાઈ દેસાઈને લખ્યું –
“આ અંગે હવે પછીની સૂચનાઓ શ્રી. જુગલકિશોર વ્યાસ આપશે. તમને આ યજ્ઞકાર્યમાં પૂરી સફળતા મળે, તેવી શુભેચ્છાઓ છે. બની શકે એટલા ફિનિક્સવાસી ગુજરાતીઓ આ પ્રસંગે ભેગા થાય તો સરસ.” એટલું જ નહીં પણ મુંબઈ ખાતે યોજાયેલા સન્માન સમારંભનો અહેવાલ પણ તેમણે હિતેષભાઈને મોકલીને કામ અંકે કરી આપ્યું હતું. (દરમિયાન શ્રી કનકભાઈ રાવળનો પણ કશેક ઉલ્લેખ હોઈ તેમને પણ આ કાર્યક્રમ નિમિત્તે યાદ કરાયા હતા જેઓ પણ આતાજીના શુભેચ્છક રહ્યા છે. તેમણે આતાજી વિષે બહુ જ ટૂંકમાં પણ સુંદર એવું આ નીચે મુજબનું લખાણ મોકલીને અમને પ્રોત્સાહિત કર્યાં :
“હું તેમને માત્ર ઇ-મેઈલ, ફોન અને તેમની બહુશ્રુતતા વડે જ જાણું છું. તેમના અંગત જીવનના પ્રસંગો તેમણે ખેલદિલીથી રજૂ કર્યાછે તે નિશંક છે. જે હિમ્મતથી મોટી ઉમ્મરે પરદેશમાં આવીને આમ જીવનમાં પોતાનું સ્થાન મેળવ્યું છે તે અનેક એકલવાયી વ્યક્તિઓ માટે ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે.
તેમની પાસે તમને ક્યારેય રોદણાં કે ફરિયાદો ના સંભળાય. બધી ખાટીમીઠી સ્થિતીમાં પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખ્યું છે. મારો તેમની સાથેનો પરિચય ‘ગુજરાત ટાઈમ્સ‘નાં તેમનાં લખાણો માર્ફત. તે સાપ્તાહિકના તંત્રી પાસેથી તેમની ભાળ મેળવી ફોનથી સંસર્ગ કરેલો અને પછી તો ભાઈબંધી ગાઢી બની.”)
શ્રી સુરેશભાઈએ તો આતાજીનાં કાર્યો તથા તેમના વ્યક્તિત્વનો પરિચય આપતો ડ્રાફ્ટ પણ મોકલી આપ્યો, જેનો લાભ લઈને એક સન્માનપત્ર નક્કી કર્યું હતું ને જેને સુરેશભાઈ દ્વારા મોકલાયેલી ડિઝાઈનમાં ગોઠવી દેવાયું હતું.
પછી તો સન્માન કાર્યક્રમનો સીધો અહેવાલ જ આવ્યો.
આપણે વિશ્વભરનાં સ્થળોનો વિચાર કરવાનો છે, ને નેટ પર તો જેતે કાર્યક્રમોમાં હાજર રહેનારા સભ્યો અન્ય દર્શકોથી જ આપણી પાસે પહોંચશે અથવા તો વીડિયો–કોન્ફરન્સના માધ્યમથી જ ઉપલબ્ધ થવાના !
શ્રી સુરેશભાઈએ ફરી પોતાની જવાબદારી સંભાળીને અમને લખ્યું :
“મિત્રો, આતાની સન્માનપાર્ટી વખતે મૂવી કેમેરામાં થોડીક ગરબડ થયેલી; આથી હિતેશભાઈના સેલફોન પર પાડેલો વીડિયો જ મળ્યો છે …ક્રિસે મૂવી કેમેરા પર પાડેલ વીડિયો કદાચ મળે ત્યારે પણ આ જરૂરી ભાગ એમાં હોવાની શક્યતા નહીંવત લાગે છે. આથી આ વીડિયોથી જ કદાચ ચલાવી લેવું પડે. જો બેચાર દિવસમાં એ વીડિયો મને મળી જશે અને કામનો લાગશે તો તમને મોકલીશ….. આ (સાથે બીડેલી વીડિયોની લિંક)માં આતાએ આપેલો જવાબ નથી; આથી મેં એમને જ એક રિપોર્ટ બનાવવા કહ્યું હતું – જે નીચે મુજબ છે. એમાં ફેરફાર કરીને વેબગુર્જરી પર હેવાલ બનાવશો.”
અને પછી તો એ કાર્યક્રમનો આંખેદેખ્યો – ને હૈયેનોંધ્યો – અહેવાલ સૌ સમક્ષ વિડિયો મારફત પહોંચી જ ગયેલો.
આ અહેવાલની વિશેષતા એ છે કે એ સન્માન જેમનું થયું છે તેમના જ શબ્દોમાં છે !! સામાન્ય રીતે આવું ન હોય, નેટ–કાર્યક્રમોમાં આવી કેટલીક નવી પ્રણાલીઓ જોવા મળે તો નવાઈ ન ગણવી. આ અહેવાલ આતાના હૈયેથી નીકળેલા શબ્દોમાં હોઈ એને જ મૂકવાનો લોભ રાખ્યો છે:
“મારા અતિ પ્રિય મિત્રો,
શ્રી સુરેશ જાની મારા મિત્ર હિતેશ દેસાઈને ઓળખે છે. તેણે હિતેશ દેસાઈને વાત કરી કે વેબ ગુર્જરી(ના સૂચનથી)શ્રી જુગલકિશોર વ્યાસ અતાઇ (આતા) વિષે લખીને (વેગુ દ્વારા) જાહેર સન્માન કરવાના છે. એટલે તમે લોકો આતા માટે સન્માનપાર્ટી યોજો.
હિતેશ અને એની પત્ની મીતા આવેલાં. હિતેશ મહારાષ્ટ્રમાં જન્મેલ અને ઉછરેલ ગુજરાતી જૈન છે. અને તે પોતાના બાહુબળથી અમેરિકા આવ્યો છે. તે અને તેની પત્ની મીતા દેસાઈ આ બંને જણાંને મારી આવડત માટે ઘણું માન છે. હિતેશ મને ઘણી વખત કહેતો હોય કે, માણસનું મૃત્યુ થાય એ પછી લોકો છાપાંમાં એની પ્રસંશાનાં પુષ્પ ચઢાવતા હોય છે. પણ એની મરનારને ખબર હોતી નથી. એટલે અમે તમારું સન્માન તમે જીવો છો ત્યારે જ કરી દેખાડીએ. બે વરસ પહેલાં એણે મારી જબરી બર્થડે પાર્ટી રાખેલી. એની પત્ની મીતાએ પણ સુરેશની વાત સ્વીકારી, અને મારા સન્માનની નાની પાર્ટી રાખી. શ્રી જુગલકિશોર વ્યાસે મારા માટે સન્માનપત્ર મોકલેલ તેને મિતાએ આકર્ષક ડિઝાઈનમાં તૈયાર કરેલું. પાર્ટી માટે સ્થળની તપાસમાં હતા પણ શ્રી લોટવાલાએ પોતાના ઘરે પાર્ટી રાખવાનું હર્ષભેર કહ્યું. લોટવાળા અને તેમનાં પત્ની ચંદ્રિકાબેન બંનેને મારા માટે સરખું માન છે. ચંદ્રિકાને એક સંબંધીના લગ્નમાં જવાનું હતું; પણ મારા માટે એમણે લગ્નમાં જવાનું બંધ રાખ્યું અને પાર્ટીમાં હાજર રહ્યાં. ચંદ્રિકાના પિતા સ્વ. હેમંતકુમાર મારા પ્રશંસક અને પ્રેમાળ મિત્ર હતા. લોટવાળા સરકારી ખાતામાં પોલ્યુશન વિરોધી ખાતામાં ઓફિસર તરીકે નોકરી કરી ચૂક્યા છે.
મારો ખાસ અમેરિકન મિત્ર ક્રિશ કે જે મારી પાર્ટીમાં પોતાના પુત્ર–પરિવારનાં સાત જણાં સાથે ખાસ આવ્યો. ગુજરાતીમાં કશું સમજે નહિ; બોર થઈ જાય. પણ એ મારા પ્રત્યેના પ્રેમની ખાતર પાર્ટીમાં ઠેઠ સુધી ટકી રહ્યો. તે અમેરિકા ખાતે પુરુષ જાતિમાં અમેરિકન તરીકે મારી પસંદગીનો પહેલા નંબરનો મિત્ર છે. મને હાર્ટએટેક આવ્યો અને હું હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે મારા ખબરઅંતર પૂછવા હંમેશાં આવતો. અને હોસ્પિટલમાંથી છૂટો થયા પછી પોતાને ઘરે મને એક મહિનો રાખ્યો. પણ પછી મારા અતિ આગ્રહથી મારા ઘરે મૂકી ગયો.
જયારે સૌ મારી કમ્પ્યુટર વિશેની આવડતનાં વખાણ કરવા માંડ્યાં ત્યારે મારે કહેવું પડેલું કે ચંદ્ર પોતે પ્રકાશ આપતો હોય એવું આપણને લાગે છે. પણ ખરેખર એને સૂર્ય પ્રકાશિત કરે છે. એવી રીતે મને સુરેશ અને ક્રિશ પ્રકાશિત કરે છે.
સુરેષા શાહ એ પણ મારાં (એમના તો ‘હિમ્મતકાકા’નાં) પ્રેમાળ બહેન છે, તેઓ મુંબઈ સમાચાર પત્રના પત્રકાર અને લેખિકા છે; એમણે વેગુ પરિવાર તરફથી મોકલાયેલું સન્માનપત્ર વાંચી સંભળાવ્યું અને સાથે સાથે પોતે બહુ કાળજી લઈને મારે માટે ભાવપૂર્વક તૈયાર કરેલું મારું સન્માનપત્ર પણ સૌને વાંચી સંભળાવ્યું. બીજાં એક બહેન, હર્ષા જોશી કે જે સંગીત વિશારદનું સર્ટિ. ધરાવે છે, તેઓ દીકરી વૃંદા સાથે આવેલાં. તેમણે મારું રચેલું સ્ત્રી–શક્તિનું માન ધરાવતું હિન્દીભાષી લોકગીતના રાગનું ભજન પોતાના મધુર સ્વરમાં સંભળાવ્યું ત્યારે તો હું ભાવવિભોર બની ગયો ! મેં મારા અવાજમાં કનકભાઈના હુકમથી છંદ ગાઈ સંભળાવ્યો. ભાઈ હિતેશે ઘણાં ફિલ્મીગીતો ગાયાં….
આ મારી સન્માનપાર્ટીમાં પધારેલાં દેશી–વિદેશી ભાઈઓ, બહેનો અને પાર્ટી રાખવા માટેનો આગ્રહ વે.ગુ. પરિવાર વતી રાખનાર ભાઈ જુગલકિશોર વ્યાસ અને ભાઈ સુરેશ જાનીનો હું ઘણો આભારી છું.”
––––––––––––––––––––––
શ્રી હિંમતલાલ જોશીના બ્લૉગ “આતાવાણી” પર તેમની અનેકવિધ પ્રવૃતિઓને પણ માણી શકાશે. ઉદાહરણ તરીકે –
http://youtu.be/lOnurWv1aoA
http://youtu.be/6_dLli6ecMw
http://youtu.be/KYpuh7QS-OA
એ સન્માન પત્ર – સુવાચ્ય અક્ષરોમાં…..