સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧

આતાને સાદર વંદન સાથે…

ganapati

એક દી મેં ગણપતિદાદાને પુછ્યું –

પ્રશ્ન દાદા મને થયો, ગૌરી પુત્ર ગણેશ
ઉંદર વાહન કેમ કર્યું એની ચિંતા મને હમેશ

દાદા બોલ્યા-

    તું તારી ચિંતા કર  મારી ચિંતા મુકી દે.  છતાં હું તુને નિરાશ નથી કરતો તારા પ્રશ્ન નો ઉત્તર  આપું છું.  જો સાંભળ હું મારા પિતાના ગણો એટલેકે સૈનિકો નો હું સેનાપતિ છું એટલે  મારે દુશ્મન ના વિસ્તાર માં  જાસુસી કરવા જવું પડે એટલે જો ઉંદર મારું વાહન હોય તો મને ગમે તેવી સાંકડી જગ્યાએ લઈ જાય અને ક્યાંક કાપી કુટીને  માર્ગ કરવો હોય તો પણ ઉંદર પોતાના મજબુત દાંત થી રસ્તો કરી લ્યે  સમજ્યો ?

મેં કીધું-

    નથી સમજ્યો.  કેમકે દાદા  તમારે સુંઢ અને દાંત સાથે પંદર મણનું માથું અને એટલુજ  વિશાળ પેટ  ભક્તોએ  લાડવા ખવડાવી  ખવડાવીને  મોટી ફાંદકરી દીધી છે એ બધું ઉપાડીને ઉંદર જાય કેવીરીતે ?

દાદા ક્યે –

     અમે દેવતા કહેવાઈએ  ગમે તેટલું નાનું રૂપ લઇ શકીએ  જા હવે વધુ દલીલ ન કરતો ટૂંકમાં તુને કહું તો ધાર્મિક બાબતોમાં શ્રદ્ધા રાખવાની હોય છે

     આ હતું… આતાવાણી પર આતાનું પહેલું લખાણ – તા. ૩૦, નવેમ્બર -૨૦૧૧

     વડીલ મિત્ર ડો. કનક રાવળ મારફત મારો પરિચય માંડ એકાદ મહિનો જૂનો હતો. પણ ગુજરાતીમાં જ લખાતા એમના ઈમેલ જોઈ મને આશ્ચર્ય થયું કે, ‘બહુ જ ભણેલા ઘણા લોકોને ગુજરાતીમાં ટાઈપ કરતાં તકલીફ પડે છે, તો ૯૦થી વધારે ઉમરનો આ માણસ આ શી રીતે શીખ્યો?’ મેં એમને બ્લોગ બનાવવાનું સૂચવ્યું, થોડીક મદદ કરી અને આ બ્લોગ વહેતો થઈ ગયો. નવેમ્બર -૨૦૧૧ માં શરૂ થયેલ એમની એ યાત્રા પાંચ વરસથી થોડાક વધારે સમય સુધી અવિરત ચાલતી રહી છે. નવું નવું શીખવાની એમની ધગશ જોઈ મને પણ એમના જીવન વિશે રસ પડ્યો અને અમારો પરિચય વધવા લાગ્યો. ફિનિક્સ, એરિઝોના એમને મળવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું. અને એમની સાથેનો પરિચય કેવળ નેટ મિત્ર ની જગ્યાએ બાપ–દીકરાનો બની રહ્યો.

     આતાના વ્યક્તિત્વના વિવિધ પાસાંઓ વિશે તો હવે સૌ જાણે છે, એટલે એની વધારે વિગતમાં ઊતરવું નથી. પણ એમની જે બાબત મને સૌથી વધારે ગમી હોય તે છે – નિખાલસતા અને કોઈ પણ જાતના આડંબરનો અભાવ –  સીધી દિલમાંથી નીકળતી વાણી.  ૯૦ વર્ષના આયખામાં થયેલા જાતજાતના અનુભવોનો શબ્દ એમના પ્રત્યેક સર્જનમાં પડઘાતો રહેતો. અને કેવી એ યાત્રા? સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારના સાવ નાના ગામમાંથી શરૂ કરીને લશ્કર, પોલિસ ખાતું, અમેરિકાનો પ્રેસ અને એરિઝોનામાં અરણ્ય વાસ સુધી ફેલાયેલી  એ સફર. જાતજાતના શોખ! જાતજાતની કાબેલિયતો. આતાવાણી પરનાં એમનાં સર્જનો આ હકોકતની સાક્ષી પૂરે છે.

     મારા બાપુજી ગુજરી ગયા અને પછી એક એક કરીને આગળની આખી પેઢી દિવંગત બની ગઈ. આતા મળ્યા અને ‘મારા બાપુજી મને પાછા મળી ગયા.’ – એવો ભાવ સદંતર અંતરમાં હેલ્લારા મારતો રહ્યો છે. સંબંધોમાં ઘણી વાર બનતું હોય છે, તેમ અમારી વચ્ચે પણ વિચાર ભેદ – મત ભેદ ઊભા થયા છે. પણ એ કદી મન ભેદ નથી બની શક્યા. મારાથી એમની અવજ્ઞા થઈ છે,  માઠું લાગે તેવી મારી વર્તણૂંક પણ થયેલી છે. પણ આતાએ કદી મારી સાથે સંદેશાની આપ-લે બંધ કરી દીધી નથી. મારી એ બધી ભૂલચૂક માટે આતાની ક્ષમાયાચના અહીં જાહેરમાં દોહરાવતાં દિલનો ભાર ચપટીક ઓછો થતો અનુભવી રહ્યો છું.

     દરરોજ સવારના ઈમેલ – બ્રેકફાસ્ટમાં એમની ગેરહાજરી આજથી જ સાલવા લાગી છે!  આશા છે કે, હવે પછી મિત્રોના અહીં  પ્રગટ થનાર લખાણો/ પ્રદાનથી એ ખોટ થોડીક પૂરાશે.

      વાચક મિત્રોના રિવિઝન માટે…

આતાની ‘ધરપકડ’ ની મજા અહીં માણો…

 એમના આ જગમશહૂર સંદેશથી અન્ય મિત્રોને આ સ્મરણાંજલિ એક મહિના સુધી સભર બનાવતા રહેવા ઈજન …aataa_1

 

4 responses to “સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧

  1. હરીશ દવે (Harish Dave) જાન્યુઆરી 17, 2017 પર 7:37 પી એમ(pm)

    સુજ્ઞ વ્યક્તિએ જીવનની પ્રત્યેક અવસ્થાના હર એક સ્વરૂપને સ્વીકારવા સમજપૂર્વક પ્રયત્ન કરવા રહે. આતાજીના દેહાવસાન પ્રત્યે આપણો અભિગમ આવો જ હોવો જોઈએ.
    આતાજી સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની જિંદાદિલી અને કર્મઠતા દ્વારા સદાયે આપણી સાથે જ રહેશે.
    આતાજીના જીવનમંત્રો કે જીવનશૈલી સાથે આપણે સમગ્રતાથી સહમતિમાં ન હોઈએ તો પણ તેમણે જે નિર્વ્યાજ પ્રેમ સૌને વહેંચ્યો છે તે તેમનું વિશિષ્ટ પ્રદાન છે.

  2. વિપ્લવ જાન્યુઆરી 17, 2017 પર 11:04 પી એમ(pm)

    સાહેબ, મારી તમને દરખાસ્ત છે કે, તમારા આતા સાથેના અનુભવોને અહીંયા આલેખતા રહેજો.
    એ બહાને આતાની કમી પુરી થશે.

  3. સુરેશ જાન્યુઆરી 18, 2017 પર 10:58 એ એમ (am)

    તમને આ સ્મરણો ગમ્યા તે માટે આભાર. પણ એક વાતની સ્પષ્ટતા…
    ૧૫મી ફેબ્રુઆરી સુધી ‘આતા’ના મિત્રો, સંબંધીઓ અને સ્નેહીઓને પોતાના ભાવ વ્યક્ત કરવાની આ તક છે. તમને અને અન્ય સૌ વાચકોને ઉમળકા ભેર આ તકનો લાભ લેવા વિનંતી અને આમંત્રણ છે.
    ———
    એ બાદ મારું કામ સંચાલનનું રહેશે. જેને આતાને ગમતા હતા તેવા વિષયો પર લખાણ, અનુભવો , ફોટા, વિડિયો, ચિત્રો વિ. સામગ્રી મિત્રો સાથે વહેંચવી હોય, તે પ્રગટ કરવાની જવાબદારી મારી અને એ માટે આ મંચ ખુલ્લો રહેશે અને એનું સંચાલન હું કરીશ.

    આ મારો બ્લોગ નથી – એ નોંધવા વિનંતી

    ફરીથી અપીલ દોહરાવું કે, કોઈ મિત્ર તંત્રી પદ સંભાળે એ વધારે ઇચ્છાવાયોગ્ય છે.

    • Vipul Desai જાન્યુઆરી 21, 2017 પર 9:04 એ એમ (am)

      મને એ નવાઈ લાગે છે કે આપણને ગુજરાતી લખવામાં સારો એવો ટાઈમ જાય છે, બધાને કમ્પ્યુટરનાં જ્ઞાનના પ્રોબ્લેમ પણ હોય છે. એક આતા જેવા ૯૦ પ્લસ માણસે, અંગ્રેજીનાં ખાસ જ્ઞાન વગર, ખાસ ભણતર વગર આટલું બધું કર્યું એ જ એમની મોટામાં મોટી સિદ્ધિ છે. ઉર્દુ ભાષા અહીં આવીને એ ઉંમરે શીખ્યા એ માનવામાં નથી આવતું. સાચું કહું તો એમના ઘણા ઉર્દુ શબ્દોમાં મને ખાસ સમજ નહોતી પડતી, એવા શબ્દ પ્રયોગ એ કરતા હતા. કોઈ કોઈવાર કોઈ કોઇ બ્લોગોની મુલાકાત લઉં ત્યારે અને મારા પોતાના બ્લોગ વિશે પણ કહું તો આતા જેવી નિખાલસતા નથી. એવી નિખાલસતા લાવવી સહેલી નથી. પોતાના સ્ત્રીઓ સાથેના સબંધો, વિવેચનો આપણે એમના જેટલી નિખાલસતાથી કરી નથી શકતા. સમાજનો ડર બધાને સતાવે છે. બધાનો મોટો પ્રશ્ન “લોકો શું કહેશે” જે એ સંપૂર્ણપણે પચાવી ગયા હતા. તમે એમનો બ્લોગ એમના નામે ચાલુ રાખશો એ જ તમારી એમના માટેની શ્રેષ્ટ લાંબો વખત સુધીની અંજલી છે.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: