Daily Archives: જાન્યુઆરી 30, 2017

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૮

     aataa

      ત્રણેક વરસ પે’લા મુ.વ. કનુભાઈ રાવળ મારે ગામ આવ્યા ત્યારે અમે નાનો એવો ડાયરો કર્યો ને ઈ મને કે, “તમે આતાવાણીમાં લખો.” એને મને શ્રી. સુરેશભાઈનો ફોન નંબર આપ્યો, મેં એનો સંપર્ક સાંધ્યો અને બે-ચાર વાત્યું મારી (અને આતાની) ગામઠી બાનીમાં લખી. ત્યાર બાદ મેં “વેબગુર્જરી” ઉપર માસિક “સોરઠની સોડમ” લખવાનું શરુ કર્યું અને આતાનો વધુ પરિચય થ્યો, કારણ આતા સૌરાષ્ટ્રની જીવતી જાગતી રસધાર હતા. આતાનું વતન દેસીંગા અને વિદ્યા અને મસ્તી સ્થળ બીલખાનો આશ્રમ આ બેય મારે હાથવગાં ને હું ઘણીવાર યાં ગ્યો છ. પૂ. આતા હારે એકાદ મહિના પે’લાં વાત થઇ, એના સ્વાભાવગત અમે “હાકલા હિલોળા” કર્યા અને “રામરામ” કીધા. ત્યારે ક્યાં ખબર હતી કે આતા એ “રામરામ” “રામ નામ સત્ય છે” ઈ અરથમાં કીધુંતું.

     આતા, પીપળાના પાનથી શરુ થતી ઝીંદગી તુલસીના પાન પર અટકે છે અને છતાં આ બને વચ્ચેના સમયમાં જીવન કેટકેટલું ભટકે છે આ વાક્યનો તમે હાલતોચાલતો દાખલો હતા, નિરાશામાં આશા હતા, અંધારામાં અજવાળું હતા, નીરસ જીવનનો છપ્પનભોગનો રસથાળ હતા અને માયકાંગલાની છપ્પનની છાતી હતા. તમારું કુણું હૃદય એવી જ કૂણી કલમે ટપકતુતું. આતા, આમ તો હું તમારી વાણી બોલવા કે જીલવા સમર્થ નથી કારણ:

“…કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય

અને લેખણમાં બેઠી છે લૂ

આંગળીઉ ઓગળીને અટકળ થઇ જાય

અમે લખીયે તો લખીયે પણ શું?”
– વિનોદ જોશી

પણ તમે ઈ વક્તિ હતા કે…

“પગલાં એવા આગળ કોણ મુકતુ આવે કે

ગગન એની પાછળ આખું જુકતું આવે

અને સૂર એવા કોણ છેડી ગયું છે આ રસ્તે

કે હરણ હજીયે પાછળપાછળ દોડતું આવે

અને એનું ક્યાંક ખોવાયું હશે ને એટલે જ તો

એનું પાગલ નામ માણસેમાણસે પૂછતું આવે

જેનું જીર્ણવસ્ત્ર જેવું “દાદ” હોય મખમલી જીવન

કે તમે સાંધોસાંધો ને ઈ પાછળ તૂટતું આવે”

– કવિ દાદ

    … અને એટલે મારા જોગું તમે પ્રગટાવેલ સાદ અને વાણીના હવનમાં બીડું હોમતો રહીશ. બાકી મારુ આયુ પણ હવે ત્રણ ચાર આંગળીના વેઢે ગણાય એટલું જ છે એટલે આપણે મળશું, મોજે દરિયો ઉલેચસું ને મન પાંચમનો મેળો ભરસુ.

દિનેશ વૈષ્ણવ