Daily Archives: જાન્યુઆરી 26, 2017

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૬

aataa   

સાભાર – શ્રી. વિનોદ પટેલ, સાન દિયેગો

  ૧૫મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ મારા ૮૧મા જન્મ દિવસે  સાંજે જ્યારે કોમ્પ્યુટર ખોલીને ઈ-મેલ વાંચતો હતો ત્યારે અનેક મિત્રોની મારા જન્મ દિવસની શુભેચ્છાઓ આપતી ઈ-મેલો વચ્ચે ન્યુ જર્શીથી ભાઈ શ્રી પ્રવીણ શાસ્ત્રીના ઈ-મેલમાંથી આતાજીના અચાનક અને અણધાર્યા દેહાંતના શોક  સમાચાર વાંચીને મારા જન્મ દિવસની એ સાંજનો આનંદ શોક અને દુખમાં પલટાઈ ગયો. કુટુંબનું જ કોઈ સ્વજન ગુમાવ્યું હોય એવી મનમાં લાગણી થઇ આવી.

family

ચાર પેઢી સાથે આતા

     શ્રી હિમતલાલ જોશી,જેમને એમના પ્રસંશકો આતા કે આતાઈ તરીકે ઓળખે છે એમનો પ્રથમ પરિચય ૨૦૧૧માં હાસ્ય દરબાર અને સૂર સાધના બ્લોગમાં સુરેશભાઈ જાનીએ એરિઝોનાના સાવજ તરીકે આતાજીનો કરાવેલ સચિત્ર પરિચય વાંચીને થયો હતો.ત્યારબાદ દિન પ્રતિ દિન એમની સાથેના ઈ-મેલ અને ફોનમાં વાતચીતથી એ પરિચય સમૃદ્ધ બનતો ગયો. આતાજીના પ્રેમાળ અને નિખાલસ વ્યક્તિત્વથી હું એમના તરફ આકર્ષાયો હતો.તેઓ મને અવાર નવાર એમના ઈ-મેલ મારફતે એમના અનુભવ અને જ્ઞાનનો લાભ આપતા હતા, જેમાં એમના હૃદયના પ્રેમનાં દર્શન થતાં રહેતાં.

    તારીખ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૨– મારા ૭૬ મા જન્મ દિવસ પ્રસંગે એમણે મને એમના ઈ-મેલમાં જે આશિષ વચનો લખ્યા હતા એમાં એમનો પ્રેમ અને એમના દિલની નિખાલસતા જોવા મળે છે.એમનો ઈ-મેલ આ પ્રમાણે હતો.

સ્નેહી ભાઈશ્રી વિનોદભાઈ પટેલ, 

     સૌ પ્રથમ તમને તમારા જન્મ દિવસની વધાઈ આપું છુંતમે તમારા કઠોર દિવસો ઠોકર મારીને દુર હડસેલી દીધા અને તમારા નામ પ્રમાણે વિનોદ વૃતિ ટકાવી રાખી.તમારી પાસેથી ઘણું શીખવા જેવું ,અને જીવનમાં ઉતારવા જેવું ઘણું બધું છે. – Ataai

      ૯૬ વર્ષના અનુભવી આતાજીને મારી પાસેથી શું શીખવાનું હોય! પણ એ શબ્દોમાં એમના દિલની પારદર્શક નિખાલસતા જોવા મળે છે. આતાજીની જીવન કહાણી ખુબ જ રસિક અને પ્રેરક છે.એમના જીવનના પ્રસંગો જ્યારે વાંચીએ છીએ ત્યારે  એક રસસ્પદ આત્મકથાનું પ્રકરણ વાંચતા હોઈએ એવી પ્રતીતિ અને અહેસાસ થયાં કરે છે

    આતાજી એમની ૯૬ વર્ષની જૈફ ઉંમરે પણ એમના બ્લોગ આતાવાણીમાં એમના જીવનના અનુભવો, લેખો, કાવ્યો, ગઝલો વિ. વિવિધ સાહિત્ય લખીને જે ઉત્સાહથી પોસ્ટ ઉપર પોસ્ટ મુકતા, એથી એમની યાદ શક્તિ લેખન કળા વિષે મને આશ્ચર્ય થતું હતું. એ બધું સાહિત્ય એમની જિંદાદીલી અને એમના સદા બહાર સ્વભાવનો પણ પરિચય કરાવે છે. આતાજીને ઘણા ચઢાવ અને ઉતરાવના કસોટીભર્યા બનાવોમાંથી પસાર થવું પડ્યું હતું.આમ છતાં બધી મુશ્કેલીઓને નજર અંદાઝ કરીને તેઓ ખુમારી ભેર છેવટ સુધી હસી ખુશીથી જીવ્યા હતા.આ બધા પ્રસંગો વિષે  એમણે અવાર નવાર એમના બ્લોગની પોસ્ટ અને મિત્રોની ઈ-મેલોમાં એમની આગવી ભાષામાં હૃદય ઠાલવીને લખ્યા છે. આતાજીના ભાતીગળ જીવનની સફરના અનુભવો વિશેના લેખો વાંચવાનો આનંદ અનેરો છે.આતાજી એમના બ્લોગ આતાવાણી ઉપરાંત મારા બ્લોગ વિનોદ વિહાર,હાસ્ય દરબાર બ્લોગ તથા અન્ય અનેક મિત્રોના બ્લોગમાં જઈને પોસ્ટ વાંચીને ઉમળકા થી કોમેન્ટ લખતા હતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ લખતા રહ્યા હતા.એટલા માટે જ હું આતાજીને નેટ જગતની એક અજાયબી કહું છું.એમના જીવનના અનુભવોની રસિક વાતોમાં એમના ખુશ મિજાજી રંગીલા મિજાજનો પરિચય મળે છે. એમના દીર્ઘાયુના કારણોમાં આ પણ એક અગત્યનું કારણ છે.

      ફિનિક્સ જેવા રણ વિસ્તારમાં એમનાં ધર્મપત્ની ભાનુમતીબેનના અવસાન પછી તેઓ એકલા પડી ગયા હતા અને માનસિક રીતે એકલતા અનુભવતા હતા.આમ છતાં એકલતા દુર કરવા મિત્રો સાથે સંપર્ક રાખવા ઉપરાંત તેઓ સીનીયર સીટીઝનો માટેના કેન્દ્રમાં જતા.ત્યાં જઈને એમણે ઘણા સ્ત્રી-પુરુષ મિત્રો બનાવ્યા હતા.એમના જીવનની સાદગી અને નિખાલસતા મને ખુબ ગમતી હતી.એમનું જીવન માત્ર દાઢી સાથેના દેખાવથી જ નહી પણ આચરણથી એક ઋષિ-મુનિ જેવું હતું. ખોરાકમાં પણ તેઓ નિયમિત હતા.તેલ મરચા વિનાનો સાદો ખોરાક લેતા.તેઓ ફિનિક્સમાં હતા, ત્યારે હૃદયની તકલીફને લીધે અને એમના પૌત્ર ડેવિડ સાથે રહેતા હતા ત્યારે પડી જવાથી હીપ રીપ્લેસમેન્ટની સર્જરી માટે હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.એમ છતાં ૯૦+ ઉમર હોવા છતાં એમના મજબુત મનોબળથી તેઓ થોડા દિવસોમાં જ ઊભા થઈને ફરી ઉત્સાહથી કાર્યરત બની મિત્રોને ઈ-મેલ અને બ્લોગ પોસ્ટમાં મનની તાજગીથી લખતા રહ્યા હતા.હોસ્પિટલના આ બે બનાવો સિવાય તેઓએ એમના જીવનમાં કદી દવાઓ લીધી નહોતી. તનનું  અને મનનું સ્વાસ્થ્ય જાળવવા માટે સૌએ આતાજીની સાદગીભરી જીવન ચર્યા પરથી ઘણું શીખવાનું છે.

     આતાજી ના દિલની ઉદારતા બેમિસાલ હતી.મજુરીની જોબ છોડ્યા પછી એમની એક માત્ર આવક એમને સોશિયલ સિક્યોરીટીમાંથી જે થોડી રકમ મળતી એ હતી.એમ છતાં એમની બચતની લગભગ બધી જ રકમ એ ઇન્ડિયા કે અમેરિકામાં રહેતાં નજીકનાં સગાઓને મદદ કરવામાં વાપરી હતી. એમના દીકરા જેવા સુરેશભાઈ જાનીને લખેલ અને મને કોપી મોકલેલ તારીખ ૧૮ મી જાન્યુઆરી ૨૦૧૫ ના ઈ-મેલમાં તેઓએ કરેલ આવી મદદ વિષે લખ્યું હતું કે :

પ્રિય સુરેશ ભાઈ,
       મેં તો ખાલી કરવાનું શરુ કરી દીધું છે.મને સો ટકા ખાતરી છે કે,

खर्च किया वो धन था तेरा धन
कमा लेनेके बाद बाकी धन खर्चेगा कोई,
तेरे मर जानेके बाद

     એટલે આઠ વરસ પહેલા મેં મારી દીકરીના દીકરાને સુરતમાં બે માળનું મકાન લઇ આપ્યું.હાલ એની કીમત 1 કરોડ રૂપિયાની આજુ બાજુ છે. એની બેનને ગાંધી નગરમાં મકાન ખરીદવા 9 લાખ રૂપિયા આપ્યા,તેણે ગાંધી નગરમાં મકાન ખરીદી લીધું .લોન લેવી પડી આ લોનના હપ્તા તેનો મિકેનિકલ એન્જી. દીકરો ભરતો જશે. મારી ભાણેજને કોઇમ્બતુરમાં વર્ષો પહેલાં મકાન લઇ આપ્યું.એનાથી નાની બેનને 7 હજાર બસો ડોલર મોકલ્યા છે, એમાંથી તેની કપૂત દીકરાની માના માટે ખર્ચો કરશે.(મારી બેન માટે)મારા ભાણેજને બે લાખથી વધુ રૂપિયા આપ્યા પણ તેની મા ને તે સારી રીતે ન રાખી શક્યો એટલે એની માને નીકળી જવું પડ્યું અને એની દીકરીને ઘરે કોઇમ્બતુર રહે છે, એનો ખર્ચ એની નાની બેન કે જે સેલમ તમિલનાડુમાં રહે છે તે ભોગવશે.

   જુનાગઢ, રાજકોટ અમારી જ્ઞાતિના મકાનો માટે લાખો રૂપિયા આપ્યા છે.હું અમેરિકાનો મજુરિયો માણસ. અહી મારા એક દીકરાને કે જે મારા પછી અમેરિકા આવ્યો તેને પણ ખુબ મદદ કરી. દેવ જોશીના બે દીકરાઓને 90 હજાર ડોલર આપ્યા. મારા નાના ભાઈને કે જેને લીધે હું અમેરિકા આવી શક્યો એને પણ ઘણી મદદ કરી. દેવ જોશીને એક પેનીની મદદ નથી કરી. દાન કર્યું એ કોઈને કહેવું ન જોઈએ પણ લોકોને ખબર પડે કે મારા મૃત્યુ પહેલાં મેં મારી ત્રેવડ પ્રમાણે ખુબ પૈસા વાપર્યા છે. હાલ મારી પાસે બચત નથી. સોશિયલ સિક્યોરીટીના પૈસા મળે છે એ વાપરું છું અને જે બચે એ દેશમાં મોકલી દઉં છું.

नाम रह जाएगा
इनसान गुजर जाएगा

   આતાજીમાં ઉદારતા, પરોપકારના જે ગુણો હતા એ એમની માતા પાસેથી મળ્યા હતા.આતાજી એમના એક બીજા ઈ-મેલમાં લખે છે કે :

    હું  મારી મા પાસેથી શીખ્યો છું.  માને અહીં અમેરિકા તેડાવ્યાં. અહીં  તેડાવવાનો વિચાર કરવો પડે તેમ ન હતો કેમ કે, મા દેશમાં  સુખી હતાં, પણ અમુક  સંજોગોને લીધે નછૂટકે તેડાવવા પડ્યાં.

    મારી માને એસ.એસ. ના પૈસા મળવાની વાત કરી ત્યારે મા બોલ્યાં: ”મારે અણ હક્કનું નથી ખાવું.અત્યાર સુધી મેં મારા ધણીની કમાણી ખાધી, પણ હું ઘરકામમાં ધણીને ઘણી  મદદ રૂપ હતી. હવે અહીં દીકરાઓની કમાણી ખાવા આવી છું કે, જેને મેં  જન્મ્યા ત્યારથી તે જુવાન થયા ત્યાં સુધી મદદ કરી છે. મહા મુશીબતે માને સમજાવ્યા કે, તારા દીકરાએ અને તેના  દીકરાએ   સરકારને ઘણો કર આપ્યો છે એમાંથી પૈસા સરકાર તુને આપે છે.સરકાર કંઈ ધર્માદો નથી  કરતી.”

    માએ પોતાના સાલ્લાના છેડે પૈસા-બે ક્વાર્ટર બાંધી રાખેલા એ મારી નાનકી  પૌત્રીને આપી દીધા અને બોલ્યાં કે ”હું  મરી  જાઉં ત્યારે મારી પાછળ  એક પૈસો પણ રહેવો ન  જોઈએ.”   

    મને એસ.એસ.ના પૈસા ઓછા મળે છે કેમ કે, હું  મારી  ઉમર જ્યારે 63  વરસની હતી ત્યારે રિટાયર થઇ ગયો છું. મેં જ્યારે નોકરી છોડી ત્યારે શેઠે મને કીધું, “શા માટે નોકરી છોડો છો, પગાર  ઓછો પડે છે ?” મેં કીધું, “બધું બરાબર છે, પગારથી મને સંતોષ છે પણ હવે મારે પૈસા વાપરવા છે.” શેઠ બોલ્યા, “તમારી ફિલોસોફી સમજવા જેવી છે.”  મેં વધુમાં કીધું “શેઠ  અમારા અભણ  વડીલો કહી ગયા છે કે પૈસા ઉપર વધુ પ્રેમ હોય એ ઘણી વખત ખરાબી સર્જે છે.”

     મને એસ.એસ. ના પૈસા ઓછા મળે છે. હું ધર્માદાના (વેલ્ફેર) પૈસા મેળવી શકું એમ છું, પણ મારે ધર્માદો ખાવો નથી.વળી એક  કવિતાની કડી યાદ આવી:

 मै मुफ़लिस हुँ मगर मिस्कीन नही हुँ
मिस्कीन नही हुँ हिम्मतसे रहने वाला हुँ
मूत मोव्वलकी  ईर्षा  कभी  करता नही हुँ 

 મુફલીસ =ગરીબ             મિસ્કીન = લાચાર, બિચારો         મુતમોવ્વલ = પૈસાદાર  

      એય સૌ ને આતાના રામ રામ

 Ataai 

       આતાજી આખરે સૌને છેલ્લા રામ રામ કરીને આપણને શોક કરતા મુકીને મોટી મુસાફરીએ ચાલી નીકળ્યા.આતા હવે નથી એ માની શકાતું નથી.કોમ્પ્યુટરમાં મિત્રોના મેઈલીંગ લીસ્ટમાં એમના નામ સામે હજુ ભૂલથી ટીક લાગી જાય છે! આતાજી જેવા ઉદાર દિલના અને પરોપકારી સ્વાભાવ ધરાવનાર માણસો દીવો લઈને શોધીએ તોય ભાગ્યે જ મળે.એમના નામ પ્રમાણે આતાજી એક હિંમતવાન અને ભડવીર માણસ હતા. એરીજોનાના સાવજ કોને કહ્યા ! આતાજી ૯૬ વર્ષનું એમનું દીર્ઘ અને ભાતીગર જીવન ખુમારીથી જીવી ગયા છે. એમણે જેમ જીવનને જીતી લીધું હતું એમ મોતને પણ જીતી લઇને પાકું ફળ ખરી પડે એમ શાંતિથી વિદાય થયા.

       પરમ કૃપાળુ પરમાત્મા આવા ઋષિ તુલ્ય આત્માને શાંતિ નહીં આપે તો કોને આપવાના છે ? આતાજી એમની પાછળ ઘણી યાદો છોડતા ગયા છે.એ બધાને યાદ કરીને જો લખીએ તો ઘણું લખી શકાય એમ છે પણ આટલેથી જ અટકું છું.