Daily Archives: જાન્યુઆરી 17, 2017

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧

આતાને સાદર વંદન સાથે…

ganapati

એક દી મેં ગણપતિદાદાને પુછ્યું –

પ્રશ્ન દાદા મને થયો, ગૌરી પુત્ર ગણેશ
ઉંદર વાહન કેમ કર્યું એની ચિંતા મને હમેશ

દાદા બોલ્યા-

    તું તારી ચિંતા કર  મારી ચિંતા મુકી દે.  છતાં હું તુને નિરાશ નથી કરતો તારા પ્રશ્ન નો ઉત્તર  આપું છું.  જો સાંભળ હું મારા પિતાના ગણો એટલેકે સૈનિકો નો હું સેનાપતિ છું એટલે  મારે દુશ્મન ના વિસ્તાર માં  જાસુસી કરવા જવું પડે એટલે જો ઉંદર મારું વાહન હોય તો મને ગમે તેવી સાંકડી જગ્યાએ લઈ જાય અને ક્યાંક કાપી કુટીને  માર્ગ કરવો હોય તો પણ ઉંદર પોતાના મજબુત દાંત થી રસ્તો કરી લ્યે  સમજ્યો ?

મેં કીધું-

    નથી સમજ્યો.  કેમકે દાદા  તમારે સુંઢ અને દાંત સાથે પંદર મણનું માથું અને એટલુજ  વિશાળ પેટ  ભક્તોએ  લાડવા ખવડાવી  ખવડાવીને  મોટી ફાંદકરી દીધી છે એ બધું ઉપાડીને ઉંદર જાય કેવીરીતે ?

દાદા ક્યે –

     અમે દેવતા કહેવાઈએ  ગમે તેટલું નાનું રૂપ લઇ શકીએ  જા હવે વધુ દલીલ ન કરતો ટૂંકમાં તુને કહું તો ધાર્મિક બાબતોમાં શ્રદ્ધા રાખવાની હોય છે

     આ હતું… આતાવાણી પર આતાનું પહેલું લખાણ – તા. ૩૦, નવેમ્બર -૨૦૧૧

     વડીલ મિત્ર ડો. કનક રાવળ મારફત મારો પરિચય માંડ એકાદ મહિનો જૂનો હતો. પણ ગુજરાતીમાં જ લખાતા એમના ઈમેલ જોઈ મને આશ્ચર્ય થયું કે, ‘બહુ જ ભણેલા ઘણા લોકોને ગુજરાતીમાં ટાઈપ કરતાં તકલીફ પડે છે, તો ૯૦થી વધારે ઉમરનો આ માણસ આ શી રીતે શીખ્યો?’ મેં એમને બ્લોગ બનાવવાનું સૂચવ્યું, થોડીક મદદ કરી અને આ બ્લોગ વહેતો થઈ ગયો. નવેમ્બર -૨૦૧૧ માં શરૂ થયેલ એમની એ યાત્રા પાંચ વરસથી થોડાક વધારે સમય સુધી અવિરત ચાલતી રહી છે. નવું નવું શીખવાની એમની ધગશ જોઈ મને પણ એમના જીવન વિશે રસ પડ્યો અને અમારો પરિચય વધવા લાગ્યો. ફિનિક્સ, એરિઝોના એમને મળવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું. અને એમની સાથેનો પરિચય કેવળ નેટ મિત્ર ની જગ્યાએ બાપ–દીકરાનો બની રહ્યો.

     આતાના વ્યક્તિત્વના વિવિધ પાસાંઓ વિશે તો હવે સૌ જાણે છે, એટલે એની વધારે વિગતમાં ઊતરવું નથી. પણ એમની જે બાબત મને સૌથી વધારે ગમી હોય તે છે – નિખાલસતા અને કોઈ પણ જાતના આડંબરનો અભાવ –  સીધી દિલમાંથી નીકળતી વાણી.  ૯૦ વર્ષના આયખામાં થયેલા જાતજાતના અનુભવોનો શબ્દ એમના પ્રત્યેક સર્જનમાં પડઘાતો રહેતો. અને કેવી એ યાત્રા? સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારના સાવ નાના ગામમાંથી શરૂ કરીને લશ્કર, પોલિસ ખાતું, અમેરિકાનો પ્રેસ અને એરિઝોનામાં અરણ્ય વાસ સુધી ફેલાયેલી  એ સફર. જાતજાતના શોખ! જાતજાતની કાબેલિયતો. આતાવાણી પરનાં એમનાં સર્જનો આ હકોકતની સાક્ષી પૂરે છે.

     મારા બાપુજી ગુજરી ગયા અને પછી એક એક કરીને આગળની આખી પેઢી દિવંગત બની ગઈ. આતા મળ્યા અને ‘મારા બાપુજી મને પાછા મળી ગયા.’ – એવો ભાવ સદંતર અંતરમાં હેલ્લારા મારતો રહ્યો છે. સંબંધોમાં ઘણી વાર બનતું હોય છે, તેમ અમારી વચ્ચે પણ વિચાર ભેદ – મત ભેદ ઊભા થયા છે. પણ એ કદી મન ભેદ નથી બની શક્યા. મારાથી એમની અવજ્ઞા થઈ છે,  માઠું લાગે તેવી મારી વર્તણૂંક પણ થયેલી છે. પણ આતાએ કદી મારી સાથે સંદેશાની આપ-લે બંધ કરી દીધી નથી. મારી એ બધી ભૂલચૂક માટે આતાની ક્ષમાયાચના અહીં જાહેરમાં દોહરાવતાં દિલનો ભાર ચપટીક ઓછો થતો અનુભવી રહ્યો છું.

     દરરોજ સવારના ઈમેલ – બ્રેકફાસ્ટમાં એમની ગેરહાજરી આજથી જ સાલવા લાગી છે!  આશા છે કે, હવે પછી મિત્રોના અહીં  પ્રગટ થનાર લખાણો/ પ્રદાનથી એ ખોટ થોડીક પૂરાશે.

      વાચક મિત્રોના રિવિઝન માટે…

આતાની ‘ધરપકડ’ ની મજા અહીં માણો…

 એમના આ જગમશહૂર સંદેશથી અન્ય મિત્રોને આ સ્મરણાંજલિ એક મહિના સુધી સભર બનાવતા રહેવા ઈજન …aataa_1