આતાજીના બ્લોગ ઊપર મંગળવારથી મંગલ શરૂઆત શ્રી ડો.કનક રાવળની દ્વારા થઇ છે. ડો.કનક રાવળે આ fantasy tale માર્ચ 28, 2014ના દિવસે લખી હતી. જેમાં તેમને આતાજીનો અણસાર આવે છે..
શ્રી ડો.કનક રાવળની આ પ્રસ્તુતિ માટે ખુબ ખુબ આભાર..
=======================================================================
માર્ચ 28, 2014 
“ કરતાં જાળ કરોળીયો વિ. ” કીંવા “ દેશીંગાનો રાજકુમાર”
– એક વ્યંગાત્મક પણ નવદર્ષિત અવલોકન
લેખક: ડો.કનક રાવળ,પોર્ટલેંડ,ઓરિગોન
બે અઠવાડિયાથી દિવસો ઉજળા અને હુંફાળા થયા છે.અહીં પોર્ટલેંડમાં સુરજ ભગવાન દોહ્યલા. આતો આસામના ચેરાપુંજી જેવી જગા.બસ વરસાદ વરસાદ એટલે જેવી તક મળી કે સૌ જીવ જંતુમાં જીવ આવે અને બધા તડકો ખાવા બહાર નિકળી આવે .
ખેર, ગયા સોમવારે સવારે ઘર બહાર નિકળ્યો અને પ્રાંગણમાં ટપાલ પેટી અને શરુના ઝાડ વચ્ચે કાંઈક ચમક્યું.
પાસે જઈને જોયું તો રાતની ઝાંકળના ટીપાઓથી શણગારાયેલું એક કરોળિયાનું જાળું હતું. ઘરમાં ઘણાંય જાળા પાડ્યા છે પણ આતો ખાસ લાગ્યું. તેનો શિલ્પકાર માલિક પણ કેંદ્રમાં બગભગતની જેમ શિકારની ટાંપીને રાહ જોતો પેંતરામાં બેઠો હતો. ઠીક કરીને હું તો મારા કામે ચાલી નિકળ્યો.
તે આગલી વાત તો ભુલી ગયો હતો પણ ફરી આ અઠવાડિયે યાદ આવ્યું એટલે કરોળિયા ભગતનો ઉદ્યમ જોવા કુતુહુલ થયું. જઈને જોયું તો બસ સવારનો નાસ્તો કરીને તે તો નવા શિકારની રાહમાં જાળના દુરના ભાગમાં છુપાઈને બેઠા હતાં.
હવે મારાથી પણ સળેકડું ફર્યા વિના રહેવાયું નહી.એક ત્રણેક ઈંચ લાંબી પાતળી સુકા ઘાસની સળી લઈને જાળના બીજે છેડે નાખી. હજુ તો મારો હાથ પાછો ખેંચુ તે પહેલા તો ભગત શિકારી ત્યાં હાજર. પળ માત્ર નજર નાખી ના નાખી,
હવાથી હાલતા તણખતલાને જોઈને ખાવા લાયક છે કે કેમ તે વિચાર્યું અને પાસે જઈ અડકતાં જ તેની
જડતા સમજતાં, તુર્ત જ તણખલાની જકડી રાખેલા જાળના તાંતણાને કાપી તેને જમીન પર નાખી દીધું.
ભગતશિકારીનું શસ્ત્રકૌશલ્યને જોઈને યાદ આવ્યું “He came,He saw,He conquered”
વાહ ઉસ્તાદ! 
મેં બીજો અખતરો કર્યો. એક સુકા પાનનો ડુચો કરીને જાળ ઉપર નાખ્યો. અનુભવી શિકારીએ એક પળ ગુમાવ્યાં
વગર જાળના તાંતણા કાપીને તેને નીચે નાખ્યો.મારા તરફ આંખ મારીને ટોણો માર્યો કે
“તું મુરખ, મને શું સમજે છે?” તેવો મને ભાસ થયો!
ફરી એક વાર હવે એક લીલા રસાળુ પાંદડાને નાખ્યું. તેના રંગ અને તાજી વાસને પતંગિયું માનીને ઉસ્તાદ આકર્ષાશે તેવો ફરેબ ધાર્યો. પણ આ વખતે તેણે છમાંથી ચાર પંજાએ શિકારને ઉચકીને જમીન પર નાખતા તે પણ પાંચ ફીટ નીચે પડ્યા.”નો પ્રોબ્લેમ” બોલીને રોકેટફાળે પોતાના કિલ્લામાં પરત ! હવેતો કિલ્લામાં ઘણી ભાંગફોડ થઈ હતી એટલે તેના સમારકામમાં મચી પડ્યા અને તેના અટહાસ્યથી “તુચ્છ માનવી તું હાર્યો” એવો મને આભાસ થયો.
મેં પણ હાર કબુલી પણ સુર્ય દર્શનની ખુશાલીમાં મન પ્રસન્ન હતું એટલે વિચાર માળા આગળ ચાલી.
અરે જોતો,આ મહા કારીગરની હોંશિઆરી? જમીનથી 7થી 8 ફીટની ઉંચાઈએ 5×5ના વિસ્તારમાં મોહક પણ કાતીલ માયાજાળ રચી હતી અને હળવી હવામાં ઉડતી નાની જીવાતનો કાળ બની હતી.બ્રામ્હણને લાડવા તેમ તેની રસવંતીને લાગતું હશે.
કરોળીયાનુ આખી રચના માટેનું કૌશલ્ય પુરાણોના માયાસુર સ્થપતિ સાથે સરખાવી શકાય.એક્લા હાથે જાળની કરામત રચવાના નિર્ણયથી માંડીને તે મુર્ત કરવા પાછળ કેટલી વિવીધ વિદ્યાઓ અને નિર્ણયો છુપાયા હતાં? મારું મન તેનું લીસ્ટ બનાવા માંડયુ.
1. જાળ માટેની યોગ્ય સ્થળ શોધ.
2. બાંધકામ માટે અનુકુળ ઋતુ અને દિવસની શોધ.
3. બાંધકામ માટે જરુરી પદ્દાર્થો (પોતાના શરીરનાજ) અને તેને કેમ વાપરવા.
.4. રસાયણ,ભૌતિક,ઈજનેરી,સ્થાપત્ય ,કલાકારી,કારભાર,સમાર કામ વિગેરેનું વિદ્યાજ્ઞાનતો પ્રભુપ્રાત્ય કોઠાજ્ઞાનજ મનાય? કઈ યુનીવર્સિટીમાં કરોળીયા ભણતા જોયાં? દેશી ભાષામાં, “ભણેલા નહી પણ ગણેલાં”
વિચારો આગળ ચાલ્યા.આતો ઉપરવાળાનીજ રંગલીલાને? લખચોરાસીને જન્મજાત વારસા આપીને રાખના રમકડાં તેણે ઘડ્યાં. શાસ્ત્રોએ તે મહાચૈતન્યને ઋતંભરા પ્રજ્ઞા કહી.મહર્ષિ મહેશયોગીએ તેનો અંગ્રેજી પર્યાય આપ્યો, “Creative Intelligence”.
મારા મનમાં નિસર્ગ માટેના માન,પ્રેમ,વિશ્વાસ,અહોભાવ અને અનુગ્રહની ભાવના પુષ્ટ બની.
_________________________________________________________
તાજા કલમ:
તે કરોળિયાને મેં એક માનનિય નામ આપ્યું “દેશીંગાનો રાજકુમાર”. એક વાર આતાએ યાદ આપ્યું હતું.”પંદરસોની વસ્તીવાળા અમારા નાનકડા દેશિંગા ગામના માણસો તમારી કોલેજુંમાં ભણેલા નહીં પણ ગણેલાંતો જરુર. અમે તો કોણી મારીને કુલડું કરવાવાળા.”
આ લખીને આજે ફરી જાળું જોવા ગયો તો ખાલીખમ ખંડેર. બધું રેઢું મુકીને દેશીંગા બાપુ ગામને ચોરે કસુંબો કાઢવા રવાના થઈ ગયા હતા- કદાચ મારો આ આત્માલાપ કે પ્રલાપ સાંભળીને ?