ફિનિક્ષ નો ૯૦ વરસનો ડણ।કુ દેતો સાવજ કે જેને જુવાની હજી કાલે આંટો લઇ ગઈછ ઈ મુ.વ. શ્રી. હિમતલાલ જોશી, આપણા વહાલસોયા “આતા,” કે જેના પગ તળેથી આઠેક દાયકાના અનુભવનો દરિયો વૈગ્યોછ, જેને ત્રણ-ચાર પેઢીને ચોરીએ બેસાડી ને લગનમાં આશિર્વાદ દીધાછ, જેને દેશીન્ગામાં ધૂળપાટીમાં (લાકડાના પાટલે પાથરેલી જીણી ધૂળમાં) આંગળીથી કદાચ પેલો એકડો ઘુટ્યોછ , ઈ આતાએ મને એક મેઇલમાં પોતીકો એક દુહો લખ્યો:
“કમ્પ્યુટર તારી કમાલ અમે ભવમાય ભાળેલ નઈ
નિપુણ કીધા ન્યાલ, ઈ કેવાય કરપા કમ્પ્યુટર”
હું પણ પાટી-પેન ને ફાનસે ગામડાઓમાં ભણ્યો, પછી યુ.એસ. માં મેં પી.એચ.ડી. કર્યું તોયે મારી પાસે કેલ્ક્યુલેટર નોતું, ને આજે હાલો-માલો ને જમાંલીયો અમે બધા સેલફોન, આઈપેડ ને કોમ્પ્યુટર વપરાતા થઇ ગ્યાછ, ને એટલે તો આતાએ મને કીધું, “દિનેશભાઈ આ કોમ્પ્યુટર લોકોને કેટલા નજીક લાવી મુકે છે?” આતા ની વાત બાર આની સોનાની ખરી પણ સોળ આની સોનાની નહિ. બાર આની ઈ માટે કે “તાલાળા નું મજા માર્કા નું આકરી તાવણ નું ચોખું ઘી” જેદી ન મળે તેદી ડાલડાયે ખાવું પડે, ઈ માંગરોળ કે ચોરવાડ ની “લોટણ કેસર” કે મહુવાનો “જમાદાર” બજારમાં ન હોય તેદી કળવાનો “મલગોબોયે” ચુસ્વો પડે, ગા-ભેહ વસૂકી ગ્યાહોય તીયે બકરી ના દૂધ નો ચા પણ પીવો પડે. એટલે આમ આ કોમ્પ્યુટરથી થાતી વાતું થતી ઈ બાર આની. બીજી રીતે કહું તો કોમ્પ્યુટર ના પડદા ની વચેથી થાતી વાતું ઈ:
“વિજાણદ આડો વિન્જણો ને શેણી આડી ભીત,
પડદે પડ્યા વાતું કરે ઓલી બાળપણ ની પ્રીત”
જો ઈ વિજાણદ ને ઈ શેણી મોઢે મળ્યા હોત ને વાતું કરી હોત તો એનો નાદ, આનંદ, આત્મીયતા ને સુગલો સોળ આની સોનાને વટી જાત. બાકી આમ તો વાત કરવાની ને સાંભળવાની બેય કળા છે, કે જે આજ-કાલ ગામડાઓ ના કોક સીમ-સેઢે પળીય।ઉ ની જેમ સચવાણીછ .
સાચું પૂછો તો વાત મંડાય, વાત કરાય નહિ. વાત માંડ્યા પેલા આજુબાજુ વાત સાંભળવાવાળા કોણ છે, કેટલું ભણેલાછે, કેટલી ઊમરછે, ભાયડા, બાયડી ને છોકરા કેટલાછે એનો અંદાજ લઈને વાત નો વિષય લેવાય. હવે વાત માંડવાવાળો પેલા પુનાપતી ને ચૂનો હથેળીમાં ચોળે, ચોળેલી તમાકુને ત્રણ-ચાર પ્રેમના ટાપલા મારી ને એની ધુસ ઉડાડે ને ઈ માપલો હોઠ માં દાબે. પછી ઈ સેવર્ધનના સોપારીનો જીણો ભૂકોકરે ને ઈ માપલા હારે મુકે. જે ભાઈ તમાકુ ન ખાતો હોય ઈવડો ઈ તપકીર તમાકુ ની ચપટી ભરે ને બેય નસ્કોરે ચડાવે ને હાથ ખખેરે. જે વાત માંડવાવાળો બીડી પીતો હોય ઈવડો ઈ બીડી હોઠે ટેકવે, દીવાસળી કપાસછાપ બક્સે બે-ત્રણ વાર સટ-સટ ઘસીને બીડી લગાડે ને બે-ચાર સટુ ખેચે. ઈ આમ તમાંકુનો બંધાણી એની રીતે વાત માંડવા પટમાં પડે.
ઈ હળવેકથી સમો જોઇને વાત માંડે. ઈ વાત માંડી ને એને ધીમેધીમે ઉપાડે, પછી ઈ વાતને હળવેહળવે ચડાવે, ચગાવે, ને જ્યાં લાગી શ્રોતાઓ ને રસ પડે યા લગી ઈ વાતની ચગણને બાંધી રાખે. જેવું લાગે કે કોક-કોક શ્રોતાઓ ડાબી-જમણી કોર જોવા મન્ડ્યાછ ને આંખુ ચકળ-વકળ થાયછ, ઈ ભેગો ઈ વાત માંડનારો ધીમેધીમે વાતને ઉતારે, વચે હાકલા-પડતાલા કરતો જાય ને ઉતરતી વાત ને જાળવે ને છેલે વાતને દફ્નાવે.
બાકી ૧૯૮૦-૯૦ પછી જન્મેલી પેઢી ને પુછજો કે નાત માં સુ જમીયાવ્યા તો જવાબ દેસેકે પાપડ, ભાત, શ્રીખંડ, ચટણી, કઢી, છાસ, મીઠું, પૂરી… આને “મો-માથા” વગરની વાત કેવાય. કોક વળી વાત પુછ્ડે થી માંડે ને ફેણે ઉતારે, કોક વળી વચે થી માંડે, પુચ્ચ્ડે પુગે ને પાછો ફરીને ફેણે આવે. કોક વળી વાત માંડે તીયે તો આપણ ને એમજ થાય કે વાહ કોક ગઢવી છે – જેમકે મધરાતે ગામની ભેકાર સીમમાં વડલે પૂગ્યો, માથે રાતનું ધાબુ, સીમમાં આઘેરા શિયાલ્યા લાવણી કરતાતા, તમરાં કાનહોતા વયા જાતાતા, બે-એક ગાઉ અઘો સિંહ ડણાકુ દેતોતો, વડલા કોર જોયું તો એમજ બોલી ગ્યોકે:
“વડલા તારી વરાળ, પાનેપાને પર્જલી
ડાળીએ ડાળીએ હું ફરું ને પાનેપાને તું
ઈ મુને ભૂત ના લાગે ભડકા ઈ માંન્ગ્ડા”
ઈ આમ શરૂઆત કરે એટલે આપને એમજ લાગે કે વાહ દરબાર “વીર માંન્ગ્ડા વાળા” ની વાત માંડશે. પણ યાતો ઉપલો દુહો કઈને કે બસ પછી બીનો તે ઘેર આવીગયો. આને કેવાય “વાત માંડી ને તરત છાંડી,” કે “દારુ ગોળ। વગરની જામગ્રી ને કેફ ચઙ।વ્યો”