સદ્ ગત હીમ્મતલાલ જોશી ‘અતાઈ’ મહાન સીન્ધુ સંસ્કૃતી તથા ભારતના મહાન તત્વવેત્તા ગુરુ બૃહસ્પતી(ચાર્વાક)માં રસ દાખવતા. તેઓ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ પર ‘ચાર્વાકદર્શન’ની લેખમાળા રસપુર્વક વાંચતા. દર વેળા પોતાનો અભીપ્રાય મને મેલથી મોકલતા. બધા લેખો મુકાઈ જાય પછી ‘ચાર્વાકદર્શન’ની ‘ઈ.બુક’ પ્રકાશીત કરવા માટે આતા મને સતત પ્રોત્સાહન અને બળ પુરું પાડતા હતા. આ લેખમાળાનો એક જ લેખ હવે મુકવાનો બાકી છે. તે લેખની સાથે જ આદરણીય આતાદાદાને ‘ચાર્વાકદર્શન’ ઈ.બુક અર્પણ કરીને ‘અભીવ્યક્તી’ પરીવાર તેમને ઈ.અંજલી આપશે.
ત્રણેક વરસ પે’લા મુ.વ. કનુભાઈ રાવળ મારે ગામ આવ્યા ત્યારે અમે નાનો એવો ડાયરો કર્યો ને ઈ મને કે, “તમે આતાવાણીમાં લખો.” એને મને શ્રી. સુરેશભાઈનો ફોન નંબર આપ્યો, મેં એનો સંપર્ક સાંધ્યો અને બે-ચાર વાત્યું મારી (અને આતાની) ગામઠી બાનીમાં લખી. ત્યાર બાદ મેં “વેબગુર્જરી” ઉપર માસિક “સોરઠની સોડમ” લખવાનું શરુ કર્યું અને આતાનો વધુ પરિચય થ્યો, કારણ આતા સૌરાષ્ટ્રની જીવતી જાગતી રસધાર હતા. આતાનું વતન દેસીંગા અને વિદ્યા અને મસ્તી સ્થળ બીલખાનો આશ્રમ આ બેય મારે હાથવગાં ને હું ઘણીવાર યાં ગ્યો છ. પૂ. આતા હારે એકાદ મહિના પે’લાં વાત થઇ, એના સ્વાભાવગત અમે “હાકલા હિલોળા” કર્યા અને “રામરામ” કીધા. ત્યારે ક્યાં ખબર હતી કે આતા એ “રામરામ” “રામ નામ સત્ય છે” ઈ અરથમાં કીધુંતું.
આતા, પીપળાના પાનથી શરુ થતી ઝીંદગી તુલસીના પાન પર અટકે છે અને છતાં આ બને વચ્ચેના સમયમાં જીવન કેટકેટલું ભટકે છે આ વાક્યનો તમે હાલતોચાલતો દાખલો હતા, નિરાશામાં આશા હતા, અંધારામાં અજવાળું હતા, નીરસ જીવનનો છપ્પનભોગનો રસથાળ હતા અને માયકાંગલાની છપ્પનની છાતી હતા. તમારું કુણું હૃદય એવી જ કૂણી કલમે ટપકતુતું. આતા, આમ તો હું તમારી વાણી બોલવા કે જીલવા સમર્થ નથી કારણ:
“…કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ
આંગળીઉ ઓગળીને અટકળ થઇ જાય
અમે લખીયે તો લખીયે પણ શું?” – વિનોદ જોશી
પણ તમે ઈ વક્તિ હતા કે…
“પગલાં એવા આગળ કોણ મુકતુ આવે કે
ગગન એની પાછળ આખું જુકતું આવે
અને સૂર એવા કોણ છેડી ગયું છે આ રસ્તે
કે હરણ હજીયે પાછળપાછળ દોડતું આવે
અને એનું ક્યાંક ખોવાયું હશે ને એટલે જ તો
એનું પાગલ નામ માણસેમાણસે પૂછતું આવે
જેનું જીર્ણવસ્ત્ર જેવું “દાદ” હોય મખમલી જીવન
કે તમે સાંધોસાંધો ને ઈ પાછળ તૂટતું આવે”
– કવિ દાદ
… અને એટલે મારા જોગું તમે પ્રગટાવેલ સાદ અને વાણીના હવનમાં બીડું હોમતો રહીશ. બાકી મારુ આયુ પણ હવે ત્રણ ચાર આંગળીના વેઢે ગણાય એટલું જ છે એટલે આપણે મળશું, મોજે દરિયો ઉલેચસું ને મન પાંચમનો મેળો ભરસુ.
૧૫મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ મારા ૮૧મા જન્મ દિવસે સાંજે જ્યારે કોમ્પ્યુટર ખોલીને ઈ-મેલ વાંચતો હતો ત્યારે અનેક મિત્રોની મારા જન્મ દિવસની શુભેચ્છાઓ આપતી ઈ-મેલો વચ્ચે ન્યુ જર્શીથી ભાઈ શ્રી પ્રવીણ શાસ્ત્રીના ઈ-મેલમાંથી આતાજીના અચાનક અને અણધાર્યા દેહાંતના શોક સમાચાર વાંચીને મારા જન્મ દિવસની એ સાંજનો આનંદ શોક અને દુખમાં પલટાઈ ગયો. કુટુંબનું જ કોઈ સ્વજન ગુમાવ્યું હોય એવી મનમાં લાગણી થઇ આવી.
ચાર પેઢી સાથે આતા
શ્રી હિમતલાલ જોશી,જેમને એમના પ્રસંશકો આતા કે આતાઈ તરીકે ઓળખે છે એમનો પ્રથમ પરિચય ૨૦૧૧માં હાસ્ય દરબાર અને સૂર સાધના બ્લોગમાં સુરેશભાઈ જાનીએ એરિઝોનાના સાવજ તરીકે આતાજીનો કરાવેલ સચિત્ર પરિચય વાંચીને થયો હતો.ત્યારબાદ દિન પ્રતિ દિન એમની સાથેના ઈ-મેલ અને ફોનમાં વાતચીતથી એ પરિચય સમૃદ્ધ બનતો ગયો. આતાજીના પ્રેમાળ અને નિખાલસ વ્યક્તિત્વથી હું એમના તરફ આકર્ષાયો હતો.તેઓ મને અવાર નવાર એમના ઈ-મેલ મારફતે એમના અનુભવ અને જ્ઞાનનો લાભ આપતા હતા, જેમાં એમના હૃદયના પ્રેમનાં દર્શન થતાં રહેતાં.
તારીખ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૨– મારા ૭૬ મા જન્મ દિવસ પ્રસંગે એમણે મને એમના ઈ-મેલમાં જે આશિષ વચનો લખ્યા હતા એમાં એમનો પ્રેમ અને એમના દિલની નિખાલસતા જોવા મળે છે.એમનો ઈ-મેલ આ પ્રમાણે હતો.
૯૬ વર્ષના અનુભવી આતાજીને મારી પાસેથી શું શીખવાનું હોય! પણ એ શબ્દોમાં એમના દિલની પારદર્શક નિખાલસતા જોવા મળે છે. આતાજીની જીવન કહાણી ખુબ જ રસિક અને પ્રેરક છે.એમના જીવનના પ્રસંગો જ્યારે વાંચીએ છીએ ત્યારે એક રસસ્પદ આત્મકથાનું પ્રકરણ વાંચતા હોઈએ એવી પ્રતીતિ અને અહેસાસ થયાં કરે છે
આતાજી એમની ૯૬ વર્ષની જૈફ ઉંમરે પણ એમના બ્લોગ આતાવાણીમાં એમના જીવનના અનુભવો, લેખો, કાવ્યો, ગઝલો વિ. વિવિધ સાહિત્ય લખીને જે ઉત્સાહથી પોસ્ટ ઉપર પોસ્ટ મુકતા, એથી એમની યાદ શક્તિ લેખન કળા વિષે મને આશ્ચર્ય થતું હતું. એ બધું સાહિત્ય એમની જિંદાદીલી અને એમના સદા બહાર સ્વભાવનો પણ પરિચય કરાવે છે. આતાજીને ઘણા ચઢાવ અને ઉતરાવના કસોટીભર્યા બનાવોમાંથી પસાર થવું પડ્યું હતું.આમ છતાં બધી મુશ્કેલીઓને નજર અંદાઝ કરીને તેઓ ખુમારી ભેર છેવટ સુધી હસી ખુશીથી જીવ્યા હતા.આ બધા પ્રસંગો વિષે એમણે અવાર નવાર એમના બ્લોગની પોસ્ટ અને મિત્રોની ઈ-મેલોમાં એમની આગવી ભાષામાં હૃદય ઠાલવીને લખ્યા છે. આતાજીના ભાતીગળ જીવનની સફરના અનુભવો વિશેના લેખો વાંચવાનો આનંદ અનેરો છે.આતાજી એમના બ્લોગ આતાવાણી ઉપરાંત મારા બ્લોગ વિનોદ વિહાર,હાસ્ય દરબાર બ્લોગ તથા અન્ય અનેક મિત્રોના બ્લોગમાં જઈને પોસ્ટ વાંચીને ઉમળકા થી કોમેન્ટ લખતા હતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ લખતા રહ્યા હતા.એટલા માટે જ હું આતાજીને નેટ જગતની એક અજાયબી કહું છું.એમના જીવનના અનુભવોની રસિક વાતોમાં એમના ખુશ મિજાજી રંગીલા મિજાજનો પરિચય મળે છે. એમના દીર્ઘાયુના કારણોમાં આ પણ એક અગત્યનું કારણ છે.
ફિનિક્સ જેવા રણ વિસ્તારમાં એમનાં ધર્મપત્ની ભાનુમતીબેનના અવસાન પછી તેઓ એકલા પડી ગયા હતા અને માનસિક રીતે એકલતા અનુભવતા હતા.આમ છતાં એકલતા દુર કરવા મિત્રો સાથે સંપર્ક રાખવા ઉપરાંત તેઓ સીનીયર સીટીઝનો માટેના કેન્દ્રમાં જતા.ત્યાં જઈને એમણે ઘણા સ્ત્રી-પુરુષ મિત્રો બનાવ્યા હતા.એમના જીવનની સાદગી અને નિખાલસતા મને ખુબ ગમતી હતી.એમનું જીવન માત્ર દાઢી સાથેના દેખાવથી જ નહી પણ આચરણથી એક ઋષિ-મુનિ જેવું હતું. ખોરાકમાં પણ તેઓ નિયમિત હતા.તેલ મરચા વિનાનો સાદો ખોરાક લેતા.તેઓ ફિનિક્સમાં હતા, ત્યારે હૃદયની તકલીફને લીધે અને એમના પૌત્ર ડેવિડ સાથે રહેતા હતા ત્યારે પડી જવાથી હીપ રીપ્લેસમેન્ટની સર્જરી માટે હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.એમ છતાં ૯૦+ ઉમર હોવા છતાં એમના મજબુત મનોબળથી તેઓ થોડા દિવસોમાં જ ઊભા થઈને ફરી ઉત્સાહથી કાર્યરત બની મિત્રોને ઈ-મેલ અને બ્લોગ પોસ્ટમાં મનની તાજગીથી લખતા રહ્યા હતા.હોસ્પિટલના આ બે બનાવો સિવાય તેઓએ એમના જીવનમાં કદી દવાઓ લીધી નહોતી. તનનું અને મનનું સ્વાસ્થ્ય જાળવવા માટે સૌએ આતાજીની સાદગીભરી જીવન ચર્યા પરથી ઘણું શીખવાનું છે.
આતાજી ના દિલની ઉદારતા બેમિસાલ હતી.મજુરીની જોબ છોડ્યા પછી એમની એક માત્ર આવક એમને સોશિયલ સિક્યોરીટીમાંથી જે થોડી રકમ મળતી એ હતી.એમ છતાં એમની બચતની લગભગ બધી જ રકમ એ ઇન્ડિયા કે અમેરિકામાં રહેતાં નજીકનાં સગાઓને મદદ કરવામાં વાપરી હતી. એમના દીકરા જેવા સુરેશભાઈ જાનીને લખેલ અને મને કોપી મોકલેલ તારીખ ૧૮ મી જાન્યુઆરી ૨૦૧૫ ના ઈ-મેલમાં તેઓએ કરેલ આવી મદદ વિષે લખ્યું હતું કે :
પ્રિય સુરેશ ભાઈ, મેં તો ખાલી કરવાનું શરુ કરી દીધું છે.મને સો ટકા ખાતરી છે કે,
खर्च किया वो धन था तेरा धन
कमा लेनेके बाद बाकी धन खर्चेगा कोई,
तेरे मर जानेके बाद
એટલે આઠ વરસ પહેલા મેં મારી દીકરીના દીકરાને સુરતમાં બે માળનું મકાન લઇ આપ્યું.હાલ એની કીમત 1 કરોડ રૂપિયાની આજુ બાજુ છે. એની બેનને ગાંધી નગરમાં મકાન ખરીદવા 9 લાખ રૂપિયા આપ્યા,તેણે ગાંધી નગરમાં મકાન ખરીદી લીધું .લોન લેવી પડી આ લોનના હપ્તા તેનો મિકેનિકલ એન્જી. દીકરો ભરતો જશે. મારી ભાણેજને કોઇમ્બતુરમાં વર્ષો પહેલાં મકાન લઇ આપ્યું.એનાથી નાની બેનને 7 હજાર બસો ડોલર મોકલ્યા છે, એમાંથી તેની કપૂત દીકરાની માના માટે ખર્ચો કરશે.(મારી બેન માટે)મારા ભાણેજને બે લાખથી વધુ રૂપિયા આપ્યા પણ તેની મા ને તે સારી રીતે ન રાખી શક્યો એટલે એની માને નીકળી જવું પડ્યું અને એની દીકરીને ઘરે કોઇમ્બતુર રહે છે, એનો ખર્ચ એની નાની બેન કે જે સેલમ તમિલનાડુમાં રહે છે તે ભોગવશે.
જુનાગઢ, રાજકોટ અમારી જ્ઞાતિના મકાનો માટે લાખો રૂપિયા આપ્યા છે.હું અમેરિકાનો મજુરિયો માણસ. અહી મારા એક દીકરાને કે જે મારા પછી અમેરિકા આવ્યો તેને પણ ખુબ મદદ કરી. દેવ જોશીના બે દીકરાઓને 90 હજાર ડોલર આપ્યા. મારા નાના ભાઈને કે જેને લીધે હું અમેરિકા આવી શક્યો એને પણ ઘણી મદદ કરી. દેવ જોશીને એક પેનીની મદદ નથી કરી. દાન કર્યું એ કોઈને કહેવું ન જોઈએ પણ લોકોને ખબર પડે કે મારા મૃત્યુ પહેલાં મેં મારી ત્રેવડ પ્રમાણે ખુબ પૈસા વાપર્યા છે. હાલ મારી પાસે બચત નથી. સોશિયલ સિક્યોરીટીના પૈસા મળે છે એ વાપરું છું અને જે બચે એ દેશમાં મોકલી દઉં છું.
नाम रह जाएगा
इनसान गुजर जाएगा
આતાજીમાં ઉદારતા, પરોપકારના જે ગુણો હતા એ એમની માતા પાસેથી મળ્યા હતા.આતાજી એમના એક બીજા ઈ-મેલમાં લખે છે કે :
હું મારી મા પાસેથી શીખ્યો છું. માને અહીં અમેરિકા તેડાવ્યાં. અહીં તેડાવવાનો વિચાર કરવો પડે તેમ ન હતો કેમ કે, મા દેશમાં સુખી હતાં, પણ અમુક સંજોગોને લીધે નછૂટકે તેડાવવા પડ્યાં.
મારી માને એસ.એસ. ના પૈસા મળવાની વાત કરી ત્યારે મા બોલ્યાં: ”મારે અણ હક્કનું નથી ખાવું.અત્યાર સુધી મેં મારા ધણીની કમાણી ખાધી, પણ હું ઘરકામમાં ધણીને ઘણી મદદ રૂપ હતી. હવે અહીં દીકરાઓની કમાણી ખાવા આવી છું કે, જેને મેં જન્મ્યા ત્યારથી તે જુવાન થયા ત્યાં સુધી મદદ કરી છે. મહા મુશીબતે માને સમજાવ્યા કે, તારા દીકરાએ અને તેના દીકરાએ સરકારને ઘણો કર આપ્યો છે એમાંથી પૈસા સરકાર તુને આપે છે.સરકાર કંઈ ધર્માદો નથી કરતી.”
માએ પોતાના સાલ્લાના છેડે પૈસા-બે ક્વાર્ટર બાંધી રાખેલા એ મારી નાનકી પૌત્રીને આપી દીધા અને બોલ્યાં કે ”હું મરી જાઉં ત્યારે મારી પાછળ એક પૈસો પણ રહેવો ન જોઈએ.”
મને એસ.એસ.ના પૈસા ઓછા મળે છે કેમ કે, હું મારી ઉમર જ્યારે 63 વરસની હતી ત્યારે રિટાયર થઇ ગયો છું. મેં જ્યારે નોકરી છોડી ત્યારે શેઠે મને કીધું, “શા માટે નોકરી છોડો છો, પગાર ઓછો પડે છે ?” મેં કીધું, “બધું બરાબર છે, પગારથી મને સંતોષ છે પણ હવે મારે પૈસા વાપરવા છે.” શેઠ બોલ્યા, “તમારી ફિલોસોફી સમજવા જેવી છે.” મેં વધુમાં કીધું “શેઠ અમારા અભણ વડીલો કહી ગયા છે કે પૈસા ઉપર વધુ પ્રેમ હોય એ ઘણી વખત ખરાબી સર્જે છે.”
મને એસ.એસ. ના પૈસા ઓછા મળે છે. હું ધર્માદાના (વેલ્ફેર) પૈસા મેળવી શકું એમ છું, પણ મારે ધર્માદો ખાવો નથી.વળી એક કવિતાની કડી યાદ આવી:
मै मुफ़लिस हुँ मगर मिस्कीन नही हुँ मिस्कीन नही हुँ हिम्मतसे रहने वाला हुँ मूत मोव्वलकी ईर्षा कभी करता नही हुँ
આતાજી આખરે સૌને છેલ્લા રામ રામ કરીને આપણને શોક કરતા મુકીને મોટી મુસાફરીએ ચાલી નીકળ્યા.આતા હવે નથી એ માની શકાતું નથી.કોમ્પ્યુટરમાં મિત્રોના મેઈલીંગ લીસ્ટમાં એમના નામ સામે હજુ ભૂલથી ટીક લાગી જાય છે! આતાજી જેવા ઉદાર દિલના અને પરોપકારી સ્વાભાવ ધરાવનાર માણસો દીવો લઈને શોધીએ તોય ભાગ્યે જ મળે.એમના નામ પ્રમાણે આતાજી એક હિંમતવાન અને ભડવીર માણસ હતા. એરીજોનાના સાવજ કોને કહ્યા ! આતાજી ૯૬ વર્ષનું એમનું દીર્ઘ અને ભાતીગર જીવન ખુમારીથી જીવી ગયા છે. એમણે જેમ જીવનને જીતી લીધું હતું એમ મોતને પણ જીતી લઇને પાકું ફળ ખરી પડે એમ શાંતિથી વિદાય થયા.
પરમ કૃપાળુ પરમાત્મા આવા ઋષિ તુલ્ય આત્માને શાંતિ નહીં આપે તો કોને આપવાના છે ? આતાજી એમની પાછળ ઘણી યાદો છોડતા ગયા છે.એ બધાને યાદ કરીને જો લખીએ તો ઘણું લખી શકાય એમ છે પણ આટલેથી જ અટકું છું.
ગુજરાતી નેટ જગતમાં સૌથી વધારે વંચાતી અને સહિયારા પ્રયત્નોથી ચાલતી વેબ સાઈટ ‘વેબ ગુર્જરી’ના સંચાલકોએ ગુજરાતી બ્લોગરોમાં સૌથી વૃદ્ધ આતાનું સન્માન કર્યું હતું. એકમેકથી હજારો માઈલ દૂર હોવા છતાં સહિયારા પ્રયત્નોથી આ શક્ય બન્યું હતું. એ વખતની ઘટનાઓ રિયર વ્યૂ મિરરમાં ….
આતા પરીચય
ગુજરાતી નેટજગતના ૯૨ વર્ષીય બ્લૉગર શ્રી હિંમતલાલ જોશીનું સન્માન કરવાનું સ્વપ્ન તો હતું જ. આદરણીય શ્રી રતિકાકાનું સન્માન થતાં જ આતાજી તરીકે ઓળખાતા ને “એરિઝોનાના સાવજ” તરીકે પણ જેઓ જાણીતા છે (અને કેમ ન હોય, ગિરનાર ને ગીર વિસ્તારનું ધાવણ ધાવેલાને માટે એનાથી બીજું કયું ઉપનામ શોભે ?!) એવા આ સૌથી વયોવૃદ્ધ ને છતાં યુવાન કહેવાતા આ બ્લૉગરશ્રીનું સન્માન કરવાની ઈચ્છા થઈ.
આ માટે આતાજીના સૌથી નજીકના મિત્રોમાંના એક શ્રી સુરેશભાઈનો સંપર્ક કર્યો, તો એમણે તરત જ આતાજીની સાવ નજીક રહેતા શ્રી હિતેષભાઈ દેસાઈને લખ્યું –
“આ અંગે હવે પછીની સૂચનાઓ શ્રી. જુગલકિશોર વ્યાસ આપશે. તમને આ યજ્ઞકાર્યમાં પૂરી સફળતા મળે, તેવી શુભેચ્છાઓ છે. બની શકે એટલા ફિનિક્સવાસી ગુજરાતીઓ આ પ્રસંગે ભેગા થાય તો સરસ.” એટલું જ નહીં પણ મુંબઈ ખાતે યોજાયેલા સન્માન સમારંભનો અહેવાલ પણ તેમણે હિતેષભાઈને મોકલીને કામ અંકે કરી આપ્યું હતું. (દરમિયાન શ્રી કનકભાઈ રાવળનો પણ કશેક ઉલ્લેખ હોઈ તેમને પણ આ કાર્યક્રમ નિમિત્તે યાદ કરાયા હતા જેઓ પણ આતાજીના શુભેચ્છક રહ્યા છે. તેમણે આતાજી વિષે બહુ જ ટૂંકમાં પણ સુંદર એવું આ નીચે મુજબનું લખાણ મોકલીને અમને પ્રોત્સાહિત કર્યાં :
“હું તેમને માત્ર ઇ-મેઈલ, ફોનઅને તેમની બહુશ્રુતતા વડે જ જાણું છું. તેમના અંગત જીવનના પ્રસંગો તેમણે ખેલદિલીથી રજૂ કર્યાછે તે નિશંક છે. જે હિમ્મતથી મોટી ઉમ્મરે પરદેશમાં આવીને આમ જીવનમાં પોતાનું સ્થાન મેળવ્યુંછેતે અનેક એકલવાયી વ્યક્તિઓ માટે ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે.
તેમની પાસે તમને ક્યારેય રોદણાં કે ફરિયાદો ના સંભળાય.બધી ખાટીમીઠી સ્થિતીમાં પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખ્યું છે.મારો તેમની સાથેનો પરિચય‘ગુજરાત ટાઈમ્સ‘નાં તેમનાં લખાણો માર્ફત.તે સાપ્તાહિકના તંત્રી પાસેથી તેમની ભાળ મેળવી ફોનથી સંસર્ગ કરેલોઅને પછી તો ભાઈબંધી ગાઢી બની.”)
શ્રી સુરેશભાઈએ તો આતાજીનાં કાર્યો તથા તેમના વ્યક્તિત્વનો પરિચય આપતો ડ્રાફ્ટ પણ મોકલી આપ્યો, જેનો લાભ લઈને એક સન્માનપત્ર નક્કી કર્યું હતું ને જેને સુરેશભાઈ દ્વારા મોકલાયેલી ડિઝાઈનમાં ગોઠવી દેવાયું હતું.
પછી તો સન્માન કાર્યક્રમનો સીધો અહેવાલ જ આવ્યો.
આપણે વિશ્વભરનાં સ્થળોનો વિચાર કરવાનો છે, ને નેટ પર તો જેતે કાર્યક્રમોમાં હાજર રહેનારા સભ્યો અન્ય દર્શકોથી જ આપણી પાસે પહોંચશે અથવા તો વીડિયો–કોન્ફરન્સના માધ્યમથી જ ઉપલબ્ધ થવાના !
શ્રી સુરેશભાઈએ ફરી પોતાની જવાબદારી સંભાળીને અમને લખ્યું :
“મિત્રો, આતાની સન્માનપાર્ટી વખતે મૂવી કેમેરામાં થોડીક ગરબડ થયેલી; આથી હિતેશભાઈના સેલફોન પર પાડેલો વીડિયો જ મળ્યો છે …ક્રિસે મૂવી કેમેરા પર પાડેલ વીડિયો કદાચ મળે ત્યારે પણ આ જરૂરી ભાગ એમાં હોવાની શક્યતા નહીંવત લાગે છે. આથી આ વીડિયોથી જ કદાચ ચલાવી લેવું પડે.જો બેચાર દિવસમાં એ વીડિયો મને મળી જશેઅને કામનો લાગશે તો તમને મોકલીશ….. આ (સાથે બીડેલી વીડિયોની લિંક)માં આતાએ આપેલો જવાબ નથી; આથી મેં એમને જ એક રિપોર્ટ બનાવવા કહ્યું હતું – જે નીચે મુજબ છે. એમાં ફેરફાર કરીને વેબગુર્જરી પર હેવાલ બનાવશો.”
અને પછી તો એ કાર્યક્રમનો આંખેદેખ્યો – ને હૈયેનોંધ્યો – અહેવાલ સૌ સમક્ષ વિડિયો મારફત પહોંચી જ ગયેલો.
આ અહેવાલની વિશેષતા એ છે કે એ સન્માન જેમનું થયું છે તેમના જ શબ્દોમાં છે !! સામાન્ય રીતે આવું ન હોય, નેટ–કાર્યક્રમોમાં આવી કેટલીક નવી પ્રણાલીઓ જોવા મળે તો નવાઈ ન ગણવી. આ અહેવાલ આતાના હૈયેથી નીકળેલા શબ્દોમાં હોઈ એને જ મૂકવાનો લોભ રાખ્યો છે:
“મારા અતિ પ્રિય મિત્રો,
શ્રી સુરેશ જાની મારા મિત્ર હિતેશ દેસાઈને ઓળખે છે. તેણે હિતેશ દેસાઈને વાત કરી કે વેબ ગુર્જરી(ના સૂચનથી)શ્રી જુગલકિશોર વ્યાસઅતાઇ (આતા) વિષે લખીને (વેગુ દ્વારા) જાહેર સન્માન કરવાના છે. એટલે તમે લોકો આતા માટે સન્માનપાર્ટી યોજો.
હિતેશ અને એની પત્ની મીતા આવેલાં.હિતેશ મહારાષ્ટ્રમાં જન્મેલ અને ઉછરેલ ગુજરાતી જૈન છે. અને તે પોતાના બાહુબળથી અમેરિકા આવ્યો છે. તે અને તેની પત્ની મીતા દેસાઈઆ બંને જણાંનેમારી આવડત માટે ઘણું માનછે. હિતેશ મને ઘણી વખત કહેતો હોય કે, માણસનું મૃત્યુ થાય એ પછી લોકોછાપાંમાં એની પ્રસંશાનાં પુષ્પ ચઢાવતા હોય છે. પણ એની મરનારને ખબર હોતી નથી. એટલે અમે તમારું સન્માન તમે જીવો છો ત્યારે જ કરી દેખાડીએ. બે વરસ પહેલાં એણે મારી જબરી બર્થડે પાર્ટી રાખેલી. એની પત્ની મીતાએ પણ સુરેશની વાત સ્વીકારી, અને મારાસન્માનનીનાની પાર્ટી રાખી. શ્રી જુગલકિશોર વ્યાસે મારા માટે સન્માનપત્ર મોકલેલ તેને મિતાએ આકર્ષક ડિઝાઈનમાં તૈયાર કરેલું.પાર્ટી માટે સ્થળની તપાસમાં હતા પણ શ્રી લોટવાલાએ પોતાના ઘરે પાર્ટી રાખવાનું હર્ષભેર કહ્યું. લોટવાળા અને તેમનાં પત્ની ચંદ્રિકાબેન બંનેને મારા માટે સરખું માન છે. ચંદ્રિકાને એક સંબંધીના લગ્નમાં જવાનું હતું; પણ મારા માટે એમણેલગ્નમાં જવાનું બંધ રાખ્યુંઅને પાર્ટીમાં હાજર રહ્યાં. ચંદ્રિકાના પિતા સ્વ. હેમંતકુમાર મારા પ્રશંસક અને પ્રેમાળ મિત્ર હતા. લોટવાળા સરકારી ખાતામાં પોલ્યુશન વિરોધી ખાતામાં ઓફિસર તરીકે નોકરી કરી ચૂક્યા છે.
મારો ખાસ અમેરિકન મિત્ર ક્રિશ કે જે મારી પાર્ટીમાં પોતાના પુત્ર–પરિવારનાં સાત જણાં સાથે ખાસ આવ્યો. ગુજરાતીમાં કશું સમજે નહિ; બોર થઈ જાય. પણ એ મારા પ્રત્યેના પ્રેમની ખાતર પાર્ટીમાં ઠેઠ સુધી ટકી રહ્યો. તેઅમેરિકા ખાતે પુરુષ જાતિમાં અમેરિકન તરીકે મારી પસંદગીનો પહેલા નંબરનો મિત્ર છે. મને હાર્ટએટેક આવ્યોઅને હું હોસ્પિટલમાં દાખલ થયોત્યારે મારા ખબરઅંતર પૂછવા હંમેશાં આવતો. અને હોસ્પિટલમાંથી છૂટો થયા પછી પોતાને ઘરે મને એક મહિનો રાખ્યો. પણ પછી મારા અતિ આગ્રહથી મારા ઘરે મૂકી ગયો.
જયારે સૌ મારી કમ્પ્યુટર વિશેની આવડતનાં વખાણ કરવા માંડ્યાંત્યારેમારે કહેવું પડેલું કે ચંદ્ર પોતે પ્રકાશ આપતો હોય એવું આપણને લાગે છે. પણ ખરેખર એને સૂર્ય પ્રકાશિત કરે છે. એવી રીતે મને સુરેશ અને ક્રિશપ્રકાશિત કરે છે.
સુરેષાશાહએ પણ મારાં (એમના તો ‘હિમ્મતકાકા’નાં) પ્રેમાળ બહેન છે, તેઓ મુંબઈ સમાચાર પત્રના પત્રકાર અને લેખિકા છે; એમણે વેગુ પરિવાર તરફથી મોકલાયેલું સન્માનપત્ર વાંચી સંભળાવ્યું અને સાથે સાથે પોતેબહુ કાળજી લઈને મારે માટે ભાવપૂર્વક તૈયાર કરેલું મારું સન્માનપત્ર પણ સૌને વાંચી સંભળાવ્યું. બીજાં એક બહેન, હર્ષા જોશી કે જે સંગીત વિશારદનુંસર્ટિ. ધરાવે છે, તેઓ દીકરી વૃંદા સાથે આવેલાં.તેમણેમારું રચેલું સ્ત્રી–શક્તિનું માનધરાવતું હિન્દીભાષી લોકગીતના રાગનુંભજનપોતાના મધુર સ્વરમાં સંભળાવ્યું ત્યારે તો હું ભાવવિભોર બની ગયો !મેં મારા અવાજમાં કનકભાઈનાહુકમથીછંદ ગાઈ સંભળાવ્યો. ભાઈ હિતેશે ઘણાં ફિલ્મીગીતો ગાયાં….
આ મારી સન્માનપાર્ટીમાં પધારેલાં દેશી–વિદેશી ભાઈઓ, બહેનો અને પાર્ટી રાખવા માટેનો આગ્રહ વે.ગુ. પરિવાર વતી રાખનાર ભાઈ જુગલકિશોર વ્યાસ અને ભાઈ સુરેશ જાનીનોહું ઘણો આભારી છું.”
––––––––––––––––––––––
શ્રી હિંમતલાલ જોશીના બ્લૉગ “આતાવાણી” પર તેમની અનેકવિધ પ્રવૃતિઓને પણ માણી શકાશે. ઉદાહરણ તરીકે –
(મેં જ્યારે “મળવા જેવા માણસ” લેખમાળા લખવાની શરૂઆત કરી ત્યારે મારા બીજા જ લેખના પાત્ર તરીકે મેં આતાજીને પસંદ કરેલા. ૯૩ વર્ષની વયે પણ એમની સ્ફૂર્તિ અને જીવન જીવવાની એકની કલાએ મને આકર્ષ્યો. એમના અચાનક સ્વર્ગવાસના સમાચાર સાંભળી, મને જાણે કૉઇએ માથા ઉપર હથોડો માર્યો હોય એવી લાગણી થઈ. આવા સમયે, એમને ફરી મળવા, એમના વિષે મેં લખેલો પરિચય, મારા અને આતાજીના મિત્રોને ફરી મોકલું છું.)
મળવા જેવા માણસ-૨ (હિમતલાલ જોષી-આતા)
૯૩ વર્ષની વયના મારા મિત્ર શ્રી હિમતલાલ જોષીને વધારે લોકો તેમના હુલામણા નામ “આતા” કે “આતાઈ” થી ઓળખે છે. મારા પ્રત્યેક ઈ-મેઈલનો તરત જ જવાબ લખનારા આ આતા સદા આનંદિત રહે છે. તેઓ પોતાનો “આતાવાણી” નામે બ્લોગ ચલાવે છે, અને બીજા અનેક બ્લોગ્સની મુલાકાત પણ લેતા રહે છે. વેબ ગુર્જરી દ્વારા સન્માનિત આતાની વાત એમના શબ્દોમાં જ વાંચો.
“મારો જન્મ ૫ મી એપ્રિલ ૧૯૨૧ ના દિવસે દેશીંગામાં થયો હતો. દેશીંગા જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. મારા પિતા જેઠા બાપા દેશીંગામાં માસિક રૂપિયા ૧૨/- ના મબલખ પગારથી પોલીસ પટેલ તરીકે નોકરી કરતા. હું દેશીન્ગાની નિશાળમાં ગુજરાતી પાંચ ધોરણ સુધી ભણ્યો; કેમકે વધારે ધોરણ હતાં નહીં. પછી દેશીંગાથી અર્ધો ગાઉ દુર મરમઠ ગામમાં અંગ્રેજી વિના સાત ધોરણ પાસ કર્યા. મારી ભણવાની બહુ હોંશ હોવા છતાં, મારા બાપાની ગરીબીએ મને આગળ ભણતો અટકાવ્યો. પછી મને બીલખામાં શ્રી નથુરામ શર્માનાં આશ્રમમાં સંસ્કૃત ભણવા મુક્યો. આશ્રમ માં ભણતો હતો ત્યારે મને પંજાબના ઉદાસી સંપ્રદાયના સાધુનો ભેટો થયો. આ સાધુ પાસેથી હું ઉર્દુ લખતા, વાંચતા શીખ્યો. અહી મેં આશ્રમના એક ક્લાર્કને લાકડીથી માર્યો હતો, અને આ કારણે મને આશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યો.
આશ્રમમાંથી કાઢી મુક્યા પછી હું ઘરે આવ્યો, અને પછી મેં ખાંડ, કેરોસીન વગેરે વસ્તુ કાળાબજારમાં વેચવાનો ધંધો શરૂ કર્યો, પણ એમાં જોખમ હોવાથી મારી માએ આવો ધંધો ન કરવાનું કહ્યું.
આ વખતે બીજું વિશ્વ યુદ્ધ જોરશોરથી ચાલી રહ્યું હતું. હું આર્મીમાં ભરતી થઇ ગયો. ૧૯૪૨ થી ૧૯૪૭ સુધી આર્મીમાં કામ કર્યું. બીજું વિશ્વયુધ્ધ પૂરૂં થઈ જવાથી મને સેનામાંથી છુટો કર્યો. ત્યાર બાદ, હું અમદાવાદ પોલીસ ફોર્સમાં જોડાયો. ૧૯૪૭ થી ૧૯૭૪ સુધી પોલીસ ખાતામાં કામ કર્યું. અમદાવાદમાં હું એક એવો પોલીસ હતો કે D.S.P. સુધીના માણસો મને અંગત રીતે ઓળખે. એનું કારણ એ કે, હું કાળા નાગને કોઈ પણ જાતના સાધન વગર મારા ખુલ્લા હાથથી પકડી લેતો. હું મારા આવા સરપ પકડવાના ધંધાને લીધે છાપે ચડ્યો હતો . અમદાવાદનો સુભાષ બ્રીજ બની રહ્યો હતો ત્યારે એના ચીફ એન્જીનીઅર બી. કુમાર હતા. તે એક વખત સિનેમા જોઈ ઘરે આવ્યા અને પથારી પાસે ગયા ત્યારે, ત્યાં ગુંચળું વાળીને બેઠેલા નાગદેવતાએ ફૂફાડો મારીને એમને ડરાવ્યા. એટલે એ તો હડી કાઢીને બંગલાની બહાર નીકળી ગયા. આ વખતે લોકોનું ટોળું પણ ભેગું થઇ ગયેલું. પણ મજાલ છે કે, કોઈ બંગલા નજીક જાય! પણ એક ભડનો દીકરો ભૈયો હતો તે દરવાજા પાસે હાથમાં લાકડી અને ટુવાલનો ડૂચો લઈને બેઠો હતો. મને બોલાવવામાં આવ્યો. હું ગયો એટલે ભૈયાએ મને ચેતવ્યો કે,
“साब! आप साथ कुछ नहीं लाए। यह साप बड़ा खतरनाक है।”
મે તો મારા હાથમાં લાકડી હતી; એ પણ દુર મૂકી દીધી; અને પથારી પાસે ગયો. એટલે મને ડરાવવા નાગ દેવતાએ ફેણ માંડી, અને ફૂફાડો માર્યો. હું સૌને સંભળાવવા બોલ્યો –
” નાગબાપા! આ તમે જુઓ છો એ માંયલો માણસ હું નથી.”
એમ બોલી ફેણ માથે હાથ મૂકી નીચે કરી દીધી. પછી એના ગુંચળા નીચે મારા બે હાથની હથેળીઓ ઘાલી નાગદેવતાને ઊંચા કરી મારા નાક સામે ફેણ મંડાવી; અને પછી ચાદરમાં મૂકી દીધા.
કોઈક બોલ્યું કે, આને કૈંક ઇનામ આપવું જોઈએ. બી.કુમારે મને વીસ રૂપિયા આપવાનું કર્યું. મેં તેમને કહ્યું કે મારાથી સીધું ઇનામ ન લેવાય. તમે મને મારા ખાતા મારફત આપો.
પછી તો છાપાંવાળાઓને ઈન્સ્પેક્ટરે બોલાવ્યા. મારો ઈન્ટરવ્યુ લેવડાવ્યો; અને હું તો છાપે ચઢી ગયો. મુંબઈના ‘જન્મભૂમિ’ છાપામાં આ મારા સર્પ પકડવાની વિગત પણ છપાણી. મારો જીવતા સાપ પકડવાનો આ શોખ, એક વાર નાગના કરડવા છતાં, આજસુધી કાયમ છે.
પોલીસ ફોર્સમાંથી વહેલો નિવૃત થઈ અને મારા નાનાભાઈના તેડાવવાથી ૧૯૭૪ માં અમેરિકા આવ્યો. છ દિવસ આરામ કર્યાં પછી નોકરીની શરૂઆત કરી. ૧૯૮૫ સુધી પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરી કમાયો અને એરિઝોનામાં પોતાની કમાણીથી ઘર ખરીદ્યું. છાપાઓમાં લેખો લખ્યા. લેખોએ મને ઘણી પ્રસિદ્ધિ અપાવી. ડો. કનક રાવલ (જાણીતા ચિત્રકાર રવિશંકર રાવલના સુપુત્ર) જેવા મિત્રો મળ્યા. શ્રી સુરેશ જાની (બ્લોગ જગતના જાણીતા સુરેશદાદા) એ મારો ઉત્સાહ ખુબ વધાર્યો.
અમેરિકા આવ્યા બાદ સાહિત્યમાં રસ કેળવાયો અને ઉર્દુ અને અરબી ભાષા શીખ્યો. ૧૯૯૬ સુધી ન્યુ યોર્ક રાજ્યમાં અને ત્યારબાદ એરિઝોના રાજ્યમાં રહ્યો. ૪૦ વર્ષથી અમેરિકામાં રહેવા છતાં હજી અમેરિકાની નાગરિકતા સ્વીકારી નથી.
૨૦૦૭ માં મારી પત્નીના પરલોક ગયા પછી હું બહુ ઉદાસ રહેતો હતો; પણ મને પોતાના દાદાથી અધિક ચાહતી અને મને મારી પોત્રી જેટલી જ વહાલી, ગોરી અમેરિકન લિયા એ મારી ઉદાસીનતા દુર કરી.”
હાલમાં આતાજી સવારે વહેલા તૈયાર થઈ, સરકાર દ્વારા ચાલતા Senior Citizen Centre માં પહોંચી જાય છે, ત્યાં મિત્રોને મળે છે, કોમપ્યુટર ઉપર કામ કરે છે, વાંચન કરે છે, લેખ અને શાયરીઓ લખે છે. બપોરે ઘરે આવી થોડો આરામ કરે છે, ત્યાર બાદ ઘરના બાગમાં થોડું કામ કરે છે, લોકોને હળે મળે છે, અને આનંદમાં જીવન વ્યતિત કરે છે. એમને જીવન પ્રત્યે કોઈ ફરિયાદ નથી.
તું તારી ચિંતા કર મારી ચિંતા મુકી દે. છતાં હું તુને નિરાશ નથી કરતો તારા પ્રશ્ન નો ઉત્તર આપું છું. જો સાંભળ હું મારા પિતાના ગણો એટલેકે સૈનિકો નો હું સેનાપતિ છું એટલે મારે દુશ્મન ના વિસ્તાર માં જાસુસી કરવા જવું પડે એટલે જો ઉંદર મારું વાહન હોય તો મને ગમે તેવી સાંકડી જગ્યાએ લઈ જાય અને ક્યાંક કાપી કુટીને માર્ગ કરવો હોય તો પણ ઉંદર પોતાના મજબુત દાંત થી રસ્તો કરી લ્યે સમજ્યો ?
મેં કીધું-
નથી સમજ્યો. કેમકે દાદા તમારે સુંઢ અને દાંત સાથે પંદર મણનું માથું અને એટલુજ વિશાળ પેટ ભક્તોએ લાડવા ખવડાવી ખવડાવીને મોટી ફાંદકરી દીધી છે એ બધું ઉપાડીને ઉંદર જાય કેવીરીતે ?
દાદા ક્યે –
અમે દેવતા કહેવાઈએ ગમે તેટલું નાનું રૂપ લઇ શકીએ જા હવે વધુ દલીલ ન કરતો ટૂંકમાં તુને કહું તો ધાર્મિક બાબતોમાં શ્રદ્ધા રાખવાની હોય છે
આ હતું… આતાવાણી પર આતાનું પહેલું લખાણ – તા. ૩૦, નવેમ્બર -૨૦૧૧
વડીલ મિત્ર ડો. કનક રાવળ મારફત મારો પરિચય માંડ એકાદ મહિનો જૂનો હતો. પણ ગુજરાતીમાં જ લખાતા એમના ઈમેલ જોઈ મને આશ્ચર્ય થયું કે, ‘બહુ જ ભણેલા ઘણા લોકોને ગુજરાતીમાં ટાઈપ કરતાં તકલીફ પડે છે, તો ૯૦થી વધારે ઉમરનો આ માણસ આ શી રીતે શીખ્યો?’ મેં એમને બ્લોગ બનાવવાનું સૂચવ્યું, થોડીક મદદ કરી અને આ બ્લોગ વહેતો થઈ ગયો. નવેમ્બર -૨૦૧૧ માં શરૂ થયેલ એમની એ યાત્રા પાંચ વરસથી થોડાક વધારે સમય સુધી અવિરત ચાલતી રહી છે. નવું નવું શીખવાની એમની ધગશ જોઈ મને પણ એમના જીવન વિશે રસ પડ્યો અને અમારો પરિચય વધવા લાગ્યો. ફિનિક્સ, એરિઝોના એમને મળવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું. અને એમની સાથેનો પરિચય કેવળ નેટ મિત્ર ની જગ્યાએ બાપ–દીકરાનો બની રહ્યો.
આતાના વ્યક્તિત્વના વિવિધ પાસાંઓ વિશે તો હવે સૌ જાણે છે, એટલે એની વધારે વિગતમાં ઊતરવું નથી. પણ એમની જે બાબત મને સૌથી વધારે ગમી હોય તે છે – નિખાલસતા અને કોઈ પણ જાતના આડંબરનો અભાવ – સીધી દિલમાંથી નીકળતી વાણી. ૯૦ વર્ષના આયખામાં થયેલા જાતજાતના અનુભવોનો શબ્દ એમના પ્રત્યેક સર્જનમાં પડઘાતો રહેતો. અને કેવી એ યાત્રા? સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારના સાવ નાના ગામમાંથી શરૂ કરીને લશ્કર, પોલિસ ખાતું, અમેરિકાનો પ્રેસ અને એરિઝોનામાં અરણ્ય વાસ સુધી ફેલાયેલી એ સફર. જાતજાતના શોખ! જાતજાતની કાબેલિયતો. આતાવાણી પરનાં એમનાં સર્જનો આ હકોકતની સાક્ષી પૂરે છે.
મારા બાપુજી ગુજરી ગયા અને પછી એક એક કરીને આગળની આખી પેઢી દિવંગત બની ગઈ. આતા મળ્યા અને ‘મારા બાપુજી મને પાછા મળી ગયા.’ – એવો ભાવ સદંતર અંતરમાં હેલ્લારા મારતો રહ્યો છે. સંબંધોમાં ઘણી વાર બનતું હોય છે, તેમ અમારી વચ્ચે પણ વિચાર ભેદ – મત ભેદ ઊભા થયા છે. પણ એ કદી મન ભેદ નથી બની શક્યા. મારાથી એમની અવજ્ઞા થઈ છે, માઠું લાગે તેવી મારી વર્તણૂંક પણ થયેલી છે. પણ આતાએ કદી મારી સાથે સંદેશાની આપ-લે બંધ કરી દીધી નથી. મારી એ બધી ભૂલચૂક માટે આતાની ક્ષમાયાચના અહીં જાહેરમાં દોહરાવતાં દિલનો ભાર ચપટીક ઓછો થતો અનુભવી રહ્યો છું.
દરરોજ સવારના ઈમેલ – બ્રેકફાસ્ટમાં એમની ગેરહાજરી આજથી જ સાલવા લાગી છે! આશા છે કે, હવે પછી મિત્રોના અહીં પ્રગટ થનાર લખાણો/ પ્રદાનથી એ ખોટ થોડીક પૂરાશે.
એક કલાક પહેલા આતાજી આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે. સૂતેલા હતા અને એમનો પૌત્ર ડેવિડ મંદીરે જવા એમને ઊઠાડવા ગયો, ત્યારે તેઓ ભર નિદ્રામાં હતા. બસ કાર્ડિઆક એરેસ્ટ.શુક્રવારે એમનો ફોન હતો, અને દિવ્યભાસ્કરના ઈન્ટરવ્યુની વાત કરી, ત્યારે તો સરસ મૂડમાં હતા. ઘણી વાતો કરી હતી. આપણા અન્ય સૌ મિત્રોને જણાવશો. – પ્રવીણ શાસ્ત્રી.
મારે માટે તો આ બાપ મરી ગયો હોય તેવો આઘાત છે.
આતા મોક્ષમાં માનતા ન હતા. એમના આનંદી અને સદા કાર્યરત સ્વભાવ અને વર્તને એમનો જીવતે જીવ મોક્ષ કરી જ દીધો હતો.
પ્રભુ એમના આત્માને ચિરંતન શાંતિ આપે એવી આપણી સૌની પ્રાર્થના છે.
આતાનો પરિચય…
જીવનમંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला नहीं हो सकता।
————
Teachers open door,
But you must enter by yourself.