
મેં 1969 માર્ચની 19 તારીખે અમેરિકાની ધરતી ઉપર પહેલ વહેલો પગ મુક્યો . અમેરિકા આવતા પહેલાં મારા નાના દીકરા સતીશે મને પહેલી અને બીજી a b c d શીખવી , અમેરિકા આવ્યા પછી મારા ભાઈની ગોરી પત્ની એલિઝાબેથે મને ઈંગ્લીશ ભણાવવાનું શરૂ કર્યું , બોલવાનું પણ મને બહુ યાદ રહેતું નહીં . એટલે મારી શિક્ષિકા એલિઝાબેથ મને કહે બ્રધર તમને મેં હમણાં શીખવ્યું હતું , અને તમે ભૂલી ગયા , એટલે એક વખત મેં મારા ભાઈને કીધું જે સોનું કાન તોડે એ સોનું હું પહેરવા માગતો નથી . હું ભૂલી જાઉં એટલે એલિઝાબેથને કંટાળો આવે છે . અને એ મને નથી ગમતું માટે એલિઝાબેથને કહે મને શીખવવાની માથાકૂટ પડતી મૂકે ,અને મને અહીંના રીત રિવાજ શીખવે , પછી એલિઝાબેથ મને કહે બ્રધર તમને બાયડી ભેટવા આવે છે અને તમે છટકો છો . એ તો બાયડીયુને અપમાન જેવું લાગે માટે જ્યારે તમને બાયડી બાથ ભરવા આવે ત્યારે તમારે પણ એને બાથ ભીડવી એ ચુંબન કરેતો તમારે પણ સામે ચુંબન કરવું . પણ રૂડા પ્રતાપ પ્રિન્ટીંગ પ્રેસમાં મારી સાથે કામ કરતી યુવતીઓનો કે જેઓ મારી મશકરી કરતી ગયું અને ઈંગ્લીશ બોલતા સમજતા શીખવતી ગયું . જેમ સુરતી બીભત્સ શબ્દોની કોઈ અસર નહીં એમ મને અમેરિકન છોકરિયુંની મશ્કરીની કોઈ કિંમત નહીં . પણ બન્યું એવું કે મારી કોરી પાટી ઉપર અમેરિકન અક્ષરો પડયા એટલે જ્યારે આપણા ભારતની કોલેજની ડિગ્રી વાળા ની ઈંગ્લીશ અહીંના લોકોને સમજતા વાર લાગે પણ મારી ઈંગ્લીશ સમજી શકે . આપણા લોકો બોક્સ કહે તે નો સમજે પણ હું બાક્સ કહું એટલે સમજી જાય .
હું કામચલાવ ઈંગ્લીશ અમેરિકાના વર્ષો પછીના વસવાટથી શીખી ગયેલો . અને હું એરિઝોના રહેવા આવ્યો . ત્યારે હું રિટાયર્ડ થઈ ગયેલો . એક મારા મિત્ર અશોકની મા મુંબઈથી અહીં આવ્યા તેલો દેશમાં ઈંગ્લીશ ભણેલાં પણ તેમને બોલતા ફાવે નહીં ,એકદી મને અશોકે કીધું કે કાકા અહીં પરદેશી લોકોને ઈંગ્લીશ શીખવવાના કલાસો ચાલે છે . અને શીખવા માટેની કોઈ ફી હોતી નથી . તો તમે એવી સ્કૂલ ગોતી કાઢો ને ? તો મારી બા ભણવા જાય . મેં સ્થળ શોધી કાઢ્યું . અને અશોકને વાત
કરી તો અશોક મને કહે કાકા તમે પણ મારી બા સાથે જતા જાઓ તો મારીબાને તમારો સથવારો રહે . હું તમને પણ મારી બા સાથે નિશાળે મૂકી જઈશ અને પાછો તેડી પણ આવીશ . પાછી હું ભણવા જવા માંડ્યો અહીં વધુ પડતા મેક્સિકન માણસો આવતા એમાં છોકરીયું વધારે આવતી . એક જોર્ડનની અરબ છોકરી અને કટારનો અરબ આધેડ ઉંમરનો પુરુષ આવતો . બે સ્ત્રીઓ ઈરાનની આવતી જેમાં આધેડ વયની હતી તે મુસલમાન હતી પણ તે ઈરાની સ્ત્રીઓની જેમ માથું , કાન , કે ગળું ઢાંકતી નહીં . બીજી જુવાન આર્મેનિયન ક્રિશ્ચિયન છોકરી આવતી .એક રૈ નામની 6 ફિટ ઉંચી બુદ્ધિસ્ટ ચીની છોકરી આવતી . એ મને પોતાની પાસે બેસવાનો આગ્રહ રાખતી .હું મોડો આવું તો તે મારી ખુરસી ખાલી રાખતી . એક રૂમિકો નામની 16 વર્ષની સુંદરી જાપાનની આવતી એપણ બુદ્ધિષ્ટ હતી . થોડા દિવસમાં એક ઈરાનની છોકરી આવવા માંડી . તે છોકરીની વાત એવી છેકે તે ઈરાનથી નોર્વે ગયેલી તેને નોર્વેની ભાષા આવતી હતી અને તે નોર્વેની પોસ્ટ ઓફિસમાં નોકરી પણ કરતી હતી . તે કુંવારી માતા એક દીકરીની મા હતી . ઈરાનમાં કુંવારી માતાને મારી નાખવાનો કાયદો છે . ફારસી અને ઉર્દુની લિપિ સરખી હોય છે .મેં તેને તેનું નામ પૂછ્યું . તેને પોતાનું નામ કીધું પણ હું તેનો ઉચ્ચાર બરાબર કરી નોતો શકતો પછી મેં એનું નામ ઉર્દુમાઁ લખ્યું એટલે એ બોલી બરાબર છે .
મનુષ્યોના કાયદા પરમેશ્વરને માન્ય નથી . પરમેશ્વરના કાયદામાં સ્ત્રી યોગ્ય સમયે ઋતુમાં આવે પછી એ પુરુષના સંયોગથી ગર્ભવતી બને એને બાળક ઉપર પ્રેમ જાગે અને બાળકનો ઉછેર પણ પ્રેમથી કરે . પછી પુરુષ માણસોના બનાવેલા વાડાનોજ હોવો જોઈએ એ જરૂરી નથી ઈરાનમાં પોતાનો મુસ્લિમ ધર્મ છોડે તો એને મારી નાખવાનો કાયદો છે .આ છોકરી ગર્ભવતી બની .સાથે નોર્વેનો વિસા પણ પૂરો થતો હતો . એંજો ઈરાન પાછી જાય તો એને મારી નાખે એટલે એ અમેરિકન એમ્બેસીમાં ગઈ અને આ દિન દુખિયાના બેલી અમેરિકાએ એને આશરો આપ્યો . અને અમેરિકા ભેગી કરી દીધી . તે છોકરીને ધર્મ ઉપર જરાય શ્રદ્ધા નથી . પણ એ નામનો ઇસ્લામ ધર્મ પાળવો પડે છે .તે કહેતી હતી કે મને હિન્દુ લોકો બહુ ગમે છે . એક કોઈક મુસલમાન શાયરનો શેર છે કે
बाज़ आये हमतो ऐसी मज़हबी ताउनसे से
इंसानों का हाथ तर हो इंसनोके खुनसे બાજ આવવું = કંટાળી જવું ,ત્રાસી જવું મજહબી = ધાર્મિક
તાઉન = પ્લેગ , મરકી , ચેપી રોગ
ભાવાર્થ == એવા મરકી જેવા ધર્મથી હું ત્રાસી ગયો છું કે જેમાં મનુષ્યના લોહીથી મનુષ્યના હાથ ખરડાયેલા હોય
એક શેર સારે જહાં સારે જહાં અચ્છા બનાવવા વાળા ઇકબાલનો શેર છે કે
बिठाके अर्श पर रखा है तूने ए वाइज़
खुदा क्या है वो है जो बंदोसे एहतराज करे મતલબ ઇકબાલ ધર્મોપદેશકને કહે છે કે તારા કહેવા પ્રમાણે ખુદા સૌથી ઊંચા આઠમા આકાશ ઉપર રહે છે . એવો તે ખુદા કેવો કે જે ભક્તોથી , સેવકોથી ભાગતો ફરે ?