Daily Archives: નવેમ્બર 21, 2015

અંબાજી

         તમે અંબાજી ગયા હશો. મેં ત્યાં દોઢેક વર્ષ જેટલો સમય નોકરી કરી છે . દાંતા રાજ્ય મર્જર થયું એ અરસામાં હું ત્યાં હતો . 1947 – 48 ની સાલની આ વાત છે . તમે અંબાજી ગામમાં પ્રવેશ કરો ત્યારે તમારા ડાબા હાથે એક માળીની દુકાન હતી તેમાં અમુક વસ્તુ તો વેચાતી મળતી પણ તાજા ગાંઠીયા ભજીયા વગેરે ફરસાણ પણ મળતી તે માળીનો નોકર દરગો કરીને સર્ગળા જાતિનો નોકર હતો . તે ભજીયા બનાવતો મારો મિત્ર જેવો થઇ ગએલો . એ ચોમાસાની સીજનમાં ખાસ મેથીના ભજીયા બનાવે .

      મેં એને પૂછ્યું દરગા તારે વાડી છે . કે કોઈ ખેતી વાડી વાળો ખેડૂત મેથી પૂરી પાડે છે ? દર્ગો કહે આ ચોમાસામાં વરસાદ વરસે એટલે પુન્વાડીયા ઉગી નીકળે છે .પુંવાડિયાને અમારી બાજુ કુવાડિયા કહે છે . આ પુંવાડિયા નાં ભજીયા અમે બનાવીએ છીએ અને તમે જોજો અમે ચોમાંસમાંજ મેથીના ભજીયા બનાવીએ છીએ.પુંવાડિયાનું નામ અમે મેથી પાડી દઈએ છીએ . અને જાત્રાળુઓ હોંશે હોંશે ખાય છે .

      હું એરિજોના રહેવા ગયો. ત્યારે જુન જુલાઈ ઓગષ્ટમાં વરસાદ હોય છે ” ત્યારે મેથી જેવું વીડ ઉગી પડે એક વખત મેં એના પાંદડા ચાવી જોયાં કંઈ ખરાબ સ્વાદ નોતો મોળો સ્વાદ હતો . આ વીડને ઝીણા કાંટા હોય છે પણ કુમળા છોડને નરમ કાંટા હોય છે ખુંચે એવા નથી હોતા

      આ વખતે મને દરગો યાદ આવ્યો . મેં કોમલ કાંટા કાઢી નાખીને સમારીને ભજીયા ભાનુમતી પાસે બનાવડાવ્યા અને રહસ્ય અકબંધ રાખ્યું . થોડા દિવસ પછી મેં ભાનુમતિને કીધું . આજે ભજીયા બનાવજે હું મેથીની ભાજી લઇ આવું છું , તે બોલી આપણે આવી મોઘી પાડી મેથીના ભજીયા નથી ખાવાં તમે ખાધોડકા બહુ ચટડા થઇ ગયા છો અને પછી મેં ભેદ ખોલ્યો .

     ત્યારે તે બોલી હવે કોઈને નો કહેતા નહિતર સગા સ્નેહીઓને આપણા ઉપરથી ભરોસો ઉઠી જશે પછી આપણે સાચી મેથીના ભજીયાં ખવડાવીશું તોય લોકોં વિડનાં ખવડાવ્યાં એવું માનશે .

      વળી એક વાત યાદ આવી જે બકી નાખું છું . અમે સરદારનગર પોલીસ લાઈનમાં રહેતા હતા ત્યારે મેં ઘણી બકરીઓ રાખેલી અને આ કેમિકલ એન્જીનીયર દેવ જોશી છે એના પાસે ઉઘાડે પગે બકરીયું ચરાવડાવેલી અહી એક ભાનુંમાંતીની બેનપણી હતી ચંચળબા તે અમારે ઘરે આવે તેને ભાનુમતી ચા પીવાનું કહે તો તે મોઢું મચકોડીને કહે બળ્યો તમારો ચા બકરીના દુધનો ચા પીવડાવો છો .

     એક દિવસ હું ઘરે હતો અને બા ઘરે આવ્યા મેં મારા નાના દીકરા સતીશ ને કીધું સતીશ આજે તું શોભામલની દુકાનેથી ભેંસનું દૂધ લઇ આવ આજતો આપણે ચંચળ માસીને રેડિયો ચા પીવડાવીએ સતીશને સમજાવી રાખેલો એ પ્રમાણે સતીશ ટબુડીમાં પૈસા ખખડાવતો ગયો અને બકરી દોઈને દુધની ટબૂડી ભરી લાવ્યો . અને બાને ચા પાયો બા ખુશ ખુશ થઇ ગયાં અને ભાનુમતીને કીધું જો આનુંનામ ચા કહેવાય .
દરગા