Daily Archives: જુલાઇ 21, 2015

કોમેન્ટ કે લેખ? !

Pravin_Shastri_2

નેટમિત્ર અને આતાના અનેક  માનસપુત્રોમાંના એક એવા પ્રવીણભાઈ  શાસ્ત્રીએ ‘ આતાવાણી’ પર સરસ મજાની ‘પ્રશા’ – સ્ટાઈલ (!) કોમેન્ટ વાર્તા લખી દીધી. ( આ રહી.)

હવે ત્યાંથી કોપી પેસ્ટ !!!

વાર્તા પ્રેરણા – આપણાં આતા શ્રી હિમ્મતરામ જોષી.

દોસ્ત દોસ્ત ના રહા
@@@@@@@@
આપણાં લોકમાન્ય આતાએ એમના એક મિત્રની મને ઓળખાણ કરાવી.
.
આતાના ભાઈબંધ આતા જેવા જ હોયને? આ દોસ્ત પણ આતા જેવા જ માયાળુ. એમના જેવા જ રંગીન. બધા એને સોરઠીબાપુ કહે. એનું પોતાનું સાચું નામ તો કદાચ બાપુને પણ ખબર ન હોય. અમેરિકામાં એકલા રહે, સાફો બાંધી, કડિયાળી ડાંગ લઈને ફરે. આપણા આતા અને આ સોરઠીબાપુમાં એટલો ફેર કે એ બ્યુટી પાર્લરમાં જઈને ગોરી ગોરી છોકરીઓ પાસે લાંબી દાઢીને મેંદીનો રંગ લગડાવે અને છોકરીઓને જાત જાતના લાડ લડાવે. દિલના ચોખ્ખા અને મનના ભોળીયા. પેટમાં પાપ નહીં. પારકાનું ભલું કરવા થાય તેટલું કરી છૂટે. એમાં મહિલાઓનું તો ખાસ. દંભના ડાધ વગરનું, આતાની દાઢી જેવુ ધવલ મન. પ્રેમ સભર વાતો. હું આતાનો મિત્ર એટલે હું એનો પણ મિત્ર. પ્રેમથી પેટ છૂટી વાતો કરે. એમનો ફોન આવે એટલે નવું નવું જાણવા મળે. કુટુંબથી અલગ પણ સદાના સ્નેહ સંસારી. આતામાં અને આ બાપુમાં થોડા ફેર પણ ખરા. આતા અંગ્રેજી સિવાય અનેક ભાષાના વિદ્વાન. આ સોરઠીબાપુ અંગ્રેજીમાં ગુજરાતી બોલે; અને ગુજરાતીમાં અંગ્રેજી બોલે. આવા સોરઠીબાપુનો ફોન આવ્યો.
.
કશી યે પૂર્વભૂમિકા વગર એમણે તો ફોન પર ગાવા માંડ્યું સંગમનું, ‘દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, જિંદગી હમેં તેરા ઐતબાર ના રહા ઐતબાર ના રહા.” બસ એકની એક લાઈન ચાર ચાર વાર ફટકારી.
.
“બાપુ, બાપુ, આપ ઠીક તો હો ન.” વડીલને એમ તો ના પૂછાય કે બાપુ, તમારું ખસી તો નથી ગયું ને!
“આ પેલા જાદવીયાએ દગો કર્યો. વિશ્વાસભંગ. યાદવાસ્થળીમાંથી બચી ગયેલા આ જાદવીયાએ મારી જન્મ કુંડળી બદલી નાંખી. કનૈયાએ જેમ કુરુક્ષેત્રમાં લુચ્ચાઈથી કૌરવોની બદલેલી તેમ.”
.
મારે કહેવું પડ્યું “બાપુ, આ મુરખ શાસ્ત્રીને જરા સમજ પડે તેવી, સીધી, અને સમજાય તેવી વાત કરોને.”
બાપુએ ઉકળાટ શાંત થતાં વાત માંડી.
.
“જો વાત એમ છે કે મારે જાદવ સાથે વાત થઈ હતી કે રઝિયા અને અશરફને અમેરિકા લાવવામાં તને દોસ્તી દાવે મદદ કરું, પણ અશરફને હું મારી સેવા નર્સ તરીકે મારી સાથે રાખીશ. પહેલા તે કબુલ થયો હતો અને હવે તે ફરી ગયો. વગર લગ્ને પણ પણ બબ્બે સાથે મજા કરતો થઈ ગયો અને હું નાહકનો ભેરવાઈ ગયો. લટકતો રહી ગયો.
.
“બાપુ તમે ઉશ્કેરાટમાં હજુ પણ અધ્ધર વાતો કરો છો. તમારી વાત, જાણે કોઈ ડિટેક્ટિવ સ્ટોરી જેવી વાત લાગે છે.બીલકુલ, સીધી માંડીને વાત કરો. ‘એક હતો રાજા અને એને સાત રાણી’ની જેમ.”
.
“મારા કાઠીયાવાડી દોસ્ત જાદવને તો તું ઓળખેને?
,
“ના, બાપુ ના; હું નથી ઓળખતો. હજુ આતાએ કે તમે એ રાજમાન રાજેશ્રી જાદવજી ઓળખાણ નથી કરાવી”
.
“ન ઓળખે એમાં જ તારું હિત છે. એની દોસ્તી કરશે તો તને પણ ચૂનો ચોપડી જશે. આ જાદવ તારા, મારા, રાવલ, વ્યાસ અને જાની જેવો બ્રાહ્મણ છે, પણ એનામાં જરાય સંસ્કાર જેવુ નથી. નસીબનો બળવાન એટલે જબરો માલદાર છે. બુદ્ધિનો બુઠ્ઠો અને ગજવાનો છૂઠ્ઠો છે. એની બાયડી દિવાળી એને છોડીને ચાલી ગઈ, કોઈ બીજા ગોરીયા સાથે લફરુ છે, પણ જાદવને છૂટાછેડા આપીને એને છોડતી નથી. જાદવના પૈસે બીજા સાથે મજા કરે. જાદવ માથું અફાળીને રડે. જાદવને પણ ગુસ્સો આવે અને એને એમ કે હું પણ બેચાર ધોળી સાથે મોજ કરી શકું એમ છું. પણ એ બધી આરસીમાં જોયા વગરની વાત. જાદવ ડોસલાનોનો ચહેરો પાઈનેપલ ફેસ જેવો; એટલે કોઈ અમેરિકન બાયડી એને દાદ ન આપે. આપણા દેશની તો બધી સુંદરીઓ જાણે કે ડોસલો પરણેલો છે. દિવાળી સામે એના જેવા થવાનો કોઈ ચાન્સ નહીં. એના મગજમાં તુક્કો આવ્યો. મને કહે હું ઈરાન જાઉં છું. ત્યાંથી કોઈ પકડી લાઉં.”
.
મેં એને આશીર્વાદ આપ્યા. “વિજયી ભવ”
.
“હા બાપુ હવે તમારી વાતમાં રસ પડવા માંડ્યો. મજાની વાત જામે છેં હોં. પછી જાદવરાયાનું શું થયું?”
“એનું નશીબ જાગ્યું. જાદવને તેહરાનમાં અંગ્રેજી બોલતો ટેક્ષીડ્રાયવર મળી ગયો. તેણે તેની પાસેથી ગજવા ભરી ને ડોલર લીધા અને બે ઈરાનિયન સુંદરી સાથે ઓળખાણ કરાવી. આ સુંદરીઓ તે આ આપણી ફિલમની હિરોઈન જેવીઓ. બાવીશની રઝિયા અને ત્રીસની અશરફ. શાસ્ત્રી, હું વધારે બોલું નહીં સાનમાં સમજી જજે. બગડેલા આ બ્રહ્મપૂત્ર જાદવે એક મહિના સૂધી બન્ને ઈરાનીયનો પાસે સર્વ પ્રકારનો આનંદ મેળવ્યો. કહેવત છેકે ‘જેનો હાથ પોલો ઈનો જગ ગોલો’ એ પ્રમાણે, કુંવારી રજિયા સાથે જાદવે એક મહિનો ઈરાન જેવા દેશમાં જાત જાતના ખેલ ખેલેલા, શારીરિક સબંધ બાંધી જલસા કરેલા.”
.
“રઝિયા પણ સરસ અંગ્રેજી બોલે. કાચી કુંવારી કળી જેવી રજિયાને અમેરિકા આવવું હતું. અસરફ એની
જિગરજાન બહેનપણી.”
.
“જાદવે મને ફોન કર્યો. ‘બાપુ મને બે દિલખૂશ થઈ જાય એવી બે બ્યુટિફુલ સાકી મળી ગઈ છે. એક તમારે માટે અને એક મારે માટે. રઝિયા કુંવારી છે તે હું રાખીશ અને અશરફ નર્સ છે તે તમને કામ લાગશે. અશરફને એના હસબંડે તલ્લાક આપેલા છે. અનુભવી નર્સ છે. તમને કામ લાગે એવી છે. પણ એને અમેરિકા લાવવી કેવી રીતે? કંઈ રસ્તો બતાવો.”
.
મેં એને કહ્યું “તું એને પરણી જા.”
.
તો એણે એનું કપાળ કૂટ્યું. એ જ સ્તો પ્રોબ્લેમ છે ને? મને કહે મારી દિવાળી ડિવોર્સ લે તો જ મારાથી એને પરણાય. અને એ ડિવોર્સ આપતી નથી. એક કામ કરો. મારી રજિયા માટે કોઈ વિશ્વાસુ કુંવારો શોધી આપો નહીં તો તમે એને પરણી જાવ.
.
મેં એને કહ્યું તને ભાન છે કે તું કોની સાથે વાત કરે છે? પાસે હોત તો ભડાકે દેત. બીજું તું તો જાણે છે કે કહેવત છે ખસી કરેલો બળદીયો અને બુઢ્ઢો પરણે બાયડી એ બીજાને કાજ’ તો એ નફ્ફટ કહે ‘એ તો એવું જ છે ને! તમારે તો મારે માટે જ પરણવાનું ને!’
.
પછી એતો મોટે મોટે થી રોવા લાગ્યો. બાપુ કંઈ કરો. મને મદ્દદ કરો. કોઈ શોધી આપો. મેં કહ્યું હું મારા ગ્રાન્ડસન ને વાત કરીશ.
.
મારા ગ્રાન્ડસનનો એક દોસ્તાર લગ્ન વગર એની ગર્લ ફ્રેન્ડ સાથે રહેતો હતો. એને બે છોકરાં પણ હતાં. એને કંઈ કોઈની સાથે લગ્ન કરવા ન હતાં. પણ જાદવે એને પૈસાની લાલચ આપી. મેં અને મારા ગ્રાન્ડસને એને ખૂબ સમજાવ્યો એટલે એ તૈયાર થયો. આ બધી ગોઠવણ મેં અને મારા ગ્રાન્ડસનને જ કરી. આમાં મારો સ્વાર્થ એ જ કે ભાઈબંધને બાયડીનું સુખ મળે અને મને એટલો જ ફાયદો કે મને ચોવીસ કલાકની મારી સાથે રહેવા વાળી રૂપાળી નર્સ મળશે.
.
શાસ્ત્રી તને ખબર ના હોય પણ ટર્કી અને ઈરાન વચ્ચે આવ જાવ કરવા માટે વિસાની કોઈ જરૂર નથી. હવે પ્લાન એવો હતો કે રઝિયા ઈરાનથી ટર્કી જાય. ત્યાં મારા ગ્રાન્ડ સનનો ફ્રેન્ડ જોસેફ પણ ફરવા જાય, રઝિયા સાથે પ્રેમમાં પડી લગ્ન કરે અને પછી સીધી અમેરિકન એમ્બેસીમાં જાય અને અમેરિકન એમ્બસીમાં વિનંતી કરેકે હું અમેરિકન નાગરિકને પરણી છું જો હું હવે ઈરાન જાઉં તો મારે ફાંસીને માચડે ચડવું પડે . એટલે અમેરિકન સરકાર આશરો આપે અને રઝિયા અમેરિકા આવી પહોંચે અને એર પોર્ટ ઉપરથીજ સીધી જાદવ એને પોતાને ઘરે તેડી જાય. રજિયાને ખૂબ સમજાવવી પડી કે આતો તારા લાભને માટે જ જોસેફ સાથેના લગ્ન છે. જોસેફ ભલે પરણેલો નથી પણ પરણેલા કરતાં પણ એની ગર્લ્ફ્રેન્ડને લવ કરે છે. જો જોસેફની ગર્લ ફ્રેન્ડને ખબર પડશે કે જોસેફ રજિયાને પરણ્યો છે તો તારું આવી જ બનશે. સીધ્ધી બુલેટ તારી ભરાઉ છાતીમાંથી થઈને પીઠમાંથી નિકળી જશે. એવું નક્કી કર્યું .આમ વાતો થતી હતી .દરમ્યાનમાં મેં અશરફનો સંપર્ક રજિયાનાં ઈ મેઈલ ઉપર સાધ્યો મને એક ઈરાની યુવક મળ્યો એના મારફત હું ફારસી ભાષામાં અશરફ ઉપર રજિયા નાં ઈ મેઈલ મારફત લખવા માંડ્યો. એને સમજાવ્યું કે તું મારી બાયડી તો નૈ પણ નર્સ બનીને મારી સેવા કરજે. એ પણ બિચારી રાજી રાજી થઈ ગયેલી.
.
રઝિયાને ફરી ફરીને સમજાવવી પડેલી કે ખાલી કાગળ પર જ તું જોસેફની વાઈફ છે. જોસેફ સાથે તારે બીજી કાંઈજ લેવાદેવા નથી. તારે તો જાદવ સાથે જ જવાનું છે. વીસ હજાર ખર્ચી ને રજિયા સાથે અશરફની પણ અમેરિકા આવવાની જોગવાઈ થઈ ગઈ. છેવટે બન્ને અમેરિકા આવી ગઈ.
.
અમે બધા એ બન્નેને લેવા એરપોર્ટ પર લેવા ગયા.
.
“રજિયાએ તોફાન મચાવ્યું. એ કહે હું તો જોસેફને પરણી છું. જોસેફ યંગ અને હેન્ડસમ માટિડો છે. મારે આવા ખરબચડા મોંના જાદવ સાથે નથી જવું. જોસેફ તો બિચારો ગર્લફ્રેન્ડવાળો, બે છોકરાંનો બાપ, એ તો એરપોર્ટ પરથી ઉભી પૂંછડી એ ભાગ્યો. મેં અશરફને કહ્યું ચાલ મારી સેવા કાજે. હું તને રોજ ખજુરવાળું દૂધ પીવડાવીશ. તારું જોબન ઓર ખીલશે. એ તો બિચારી તૈયાર હતી. પણ જાદવીયાએ કહ્યું તને અહીં લાવવા વીસ પચ્ચીસ કાવડીયા તો મેં ખર્ચ્યા છે. તું હવે મારી જ છે. યે બાપુ તો બીલકૂલ કડકા હૈ. મેરી પાસ તો બહોત પૈસા હૈ. હું તને અને રજિયાને બન્નેને તમારા મુસ્લિમોની જેમ મારી સાથે રાખીશ. જો દિવાળી પાછી આવશે તો તેને પણ તમારી સાથે જ રાખીશ. તમને ત્રણને કંપની ઓછી લાગે તો ચોથી કોઈ કાળી કામ કરવા વાળી પણ લઈ આવીશ. આ બાપુ પાસે તો એક કલાક પણ રહેવા ન દઉં.”
.
મારો જ દોસ્ત જાદવીયો ફરી ગયો. એકને બદલે બે લઈને બેઠો. બોલ શાત્રી હું દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના રહા ગાઉં કે નહીં.
.
મારા મનમાં હતું કે બાપુની દાનત પણ ખોરી જ હતી, પણ હું કાઈ ન બોલ્યો.
.
કથાબીજઃ હિમતલાલ જોષી (આતાવાણી)