હું જયારે ત્રીજી ચોપડીમાં ભણતો ત્યારે એમાં એક કવિતા આવતી કે
પિતાની કુહાડી લઇ બાળ નાનો ”
એ વાત હું વિસ્તારથી આપ પ્રેમાળ ભાઈઓ બહેનો માટે વાંચવા લખું છું .
પંદરેક વરસનો છોકરો પોતાના બાપની કુવાડી લઈને જંગલમાં જવા રવાના થયો . અને આવડી ઉમરના છોકરાઓમાં અટકચાળા પણું જે સહજ હોય છે એ પ્રમાણે ઝાડ ,પાન કાપતો કાપતો જંગલમાં આઘો નીકળી ગયો . અને એક કુવા પાસે ગયો ,ત્યાં કુવાને કાંઠે એક ઝાડ હતું તેની ડાળખી કાપવા ગયો ,એમાં એની કુવાડી હાથમાંથી છટકી ગઈ અને કુવામાં પડી ગઈ . આ કારણે તે રોવા માંડી ગયો . એના રુદનનો અવાજ સાંભળી વન દેવી પ્રગટ થયાં અને છોકરાને પૂછ્યું દીકરા શા માટે તું રુવે છે? છોકરાએ પોતાની કુવાડી કુવામાં પડી ગઈ છે એટલા માટે હું રોઉં છું .એમ જવાબ આપ્યો ,દેવી માતાએ તુર્ત એક ચાંદીની કુવાડી તેને આપી છોકરો કહે માં મારે આ કુહાડી નથી જોતી મનેતો મારી પોતાનીજ કુહાડી જોઈએ છીએ , માટે મને મારા ઊપર કૃપા કરીને મારી પોતાની કુહાડી કુવામાંથી કાઢી આપો . પછી દેવીમાતાએ એને સોનાની કુવાડી આપી .આ કુવાડી લેવાની પણ છોકરાએ નાં પાડી . અને પોતાની કુવામાં પડી ગએલી કુવાડી કાઢી આપવા માટે દેવી માતાને પોતાના હાથ જોડીને વિનંતી કરી .દેવી માતા બાળકના નીર્લોભી પણા અને દૃઢતા ઉપર ખુશ થયાં અને
દેવીએ કાઢી દીધી બોલી બાળક સાથ
સુખ સંપતિ હોજો તને મેં”ર કરે જગનાથ મેં”ર = મહેર , કૃપા
આ વાતને વર્ષો વીતી ગયાં . હવે છોકરો ભર જુવાન થયો . એને દાઢી મુછ ફૂટવા લાગી . એનો અવાજ પહાડી મર્દાના થવા લાગ્યો , એના બાપે ખુબ સુરત , ગુણવાન . વફાદાર , છોકરી સાથે લગ્ન કરવી આપ્યા ,
એક દિવસ પતિ પત્ની બન્ને જાના લાકડાં કાપવા જંગલમાં ગયાં . અને સસો ખાલ મેલે એવી ગીચ ગીચ ઝાડીમાં પહોંચ્યાં .( સસો ખાલ મેળે એવી એટલે સસલું ઝાડીમાં પ્રવેશ કરેતો એની ચામડી ઉતરડાઈ જાય )અને એકબીજાં પોત પોતાની રીતે જંગલમાં લાકડાં શોધવા માંડ્યા . એમાં એક બીજાં એક બીજાથી વિખુટા પડી ગયાં અંધારું થવા માંડ્યું હતું . જુવાન એની પત્ની ભૂલી પડી જવાને કારણે ઉદાસ થઇ ગયો હતો .અને તે રોવા લાગ્યો . એનું રુદન સાંભળી વનદેવી પ્રગટ થયાં ,અને જુવાનને તેનું રોવાનું કારણ પૂછ્યું જુવાને પોતાની પત્ની જંગલમાં ભૂલી પડી ગઈ છે . એ કારણે હું રોઉં છું .આ કમ્પ્યુટર યુગમાં જેમ અમેરિકામાં બેઠા બેઠા કશુંક લખો અને અર્ધી સેકંડ માં લખાણ ન્યુઝીલેન્ડ પહોંચી જાય . એમ દેવતાઓ પાસે એવી શક્તિ હોય છેકે સ્વર્ગ લોકથી પૃથ્વી લોકમાં એક સેકંડના સોમા ભાગમાં માણસ આવી જાય એરીતે દેવી માતાએ સ્વર્ગ લોકથી એક અપ્સરાને બોલાવી . અને જુવાનને કીધું કે આ અપ્સરા તુને આપું કે તુને તારી મૂળ પત્ની શોધી આપું? જુવાન બોલ્યો આ અપ્સરા મને આપી દ્યો મારે મારી અસલી પત્નીની જરૂર નથી . દેવી બોલ્યા . જો તારી મૂળ પત્ની જંગલ માં રહી જશે તો એને રાતના હિંસક પ્રાણીઓ ફાડી ખાશે . જુવાન બોલ્યો એ મારી જૂની પત્નીનું જે થાવું હોય તે ભલે થાય . મને તમે આ અપ્સરા સોપી દ્યો એટલે હું જલ્દી ઘર ભેગો થઇ જાઉં . આવી નિષ્ઠુર જુવાનની વાણી સાંભળી દેવીમાતા કોપાય મા થયાં અને જુવાનને શ્રાપ આપ્યો ,
દેવીએ શ્રાપ આપીયો બોલી લંપટ સાથ
જા તુને કોઈ દિ નહિ મળે બાયડી નો સંઘાથ
આવો શ્રાપ આપી દેવી માતા વધુમાં બોલ્યાં કે હવે જા તુને તારી છે એ પત્ની પણ તારાથી છુટ્ટી થઇ જશે એવું બોલી દેવીમાં અપ્સરાને લઈને અદૃશ્ય થઇ ગયાં .
થોડી વારે જુવાનની પત્ની થાકી પાકીને લોથ પોથ થએલી જુવાનને મળી અને જુવાનના પગ દબાવવા માંડી અને બોલી તમે બહુ થાકી ગયા છો . ઘરે ગયા પછી હું તમારું આખું શરીર ચોળી દઈશ તમારા માટે ભાવતું ભોજન બનાવી દઇશ . ખાનદાન સ્ત્રી પોતે દુ :ખી થઇ થાકી ગઈ એની વાતજ નથી કરતી . રાત્રે ઘરે ગયા પછી જુવાનને તેલમાલીસ કરી ગરમ પાણીથી નવડાવ્યો . અને સાથે જમ્યાં અને સુઈ ગયાં જુવાન પત્નીની બધી વાત સાંભળિયા કર્યો પણ કશું બોલ્યો નહિ . રાત્રે દેવીમાતા જુવાનની પત્નીના સ્વપ્નમાં આવ્યા અને બધી વાત કરી કે આ સ્ત્રી લંપટ છોકરા પાસે તારી કદર નથી . માટે એને તું જલ્દી છોડી દે હું તુને રામ ચંદ જેવો યુવાન ગોતી આપીશ અને સ્વપ્ન પૂરું થયું અને સવારે યુવતીએ યુવાનને કહી દીધું કે તારે મારે હવે કોઈ સબંધ નથી .