સંકલન – શ્રીમતિ પૂર્વી મલકાન
( આતાના લખેલા લેખો પરથી સંકલન)
કેશોદ જિલ્લો, જુનાગઢ .
આજે બીજી ઓગસ્ટના દિવસે મારી પ્રેમાળ પત્ની ભાનુમતી સ્વર્ગે સિધાવી. તેના મધુરાં રમુજી સ્મરણો હું યાદ કરું છું અને આપને વાંચવા આપું છું .
એક દિવસ મારા કાકા અમારા એક જ્ઞાતિ બંધુને ઘરે રાત રોકાયા, તે દરમ્યાનમાં તેની કામઢી અને પ્રેમાળ દીકરી ભાનુમતીને જોઈ મારા કાકાને વિચાર આવ્યો કે આ છોકરીનું મારા ભત્રીજા હેમત (તમારો આતો ) સાથે સગપણ થાય તો મારા ભાભી (મારી મા) રાજીની રેડ થઇ જશે ને મનેય ખુબ યશ મળશે. આમ વિચારી મારા કાકાએ ઘરધણી જાદવજી પુરુષોત્તમભાઈ વ્યાસને વાત કરી કે જો આ છોકરીનો વેવિશાળ કરવું હોય તો આપને અનુરૂપ મારો એક ભત્રીજો યોગ્ય છે. મારા કાકાની વાત સાંભળીને જાદવજીભાઈ વ્યાસે કહ્યું કે હું આપને વિચારીને કહીશ.
મારા ગામ દેશીંગામાં રહેતા સુથાર લાલજી લખમણનું સાસરું કેશોદમાં હતું. આ લાલજીભાઈની વાત મેં આતાવાણીમાં “ગોમતી માનો લાલો ગાંડો થયો“ એ શીર્ષક નીચે લખી છે. લાલાભાઈના સસરાને અને આ જાદવજીભાઈ વ્યાસને બહુ ગાઢ સબંધ હતાં. એક વખત લાલાભાઈની સાસુ એક દિવસ ઓચિંતા મારા ઘરે દેશીંગા આવ્યાં ત્યારે સાથે સાથે મારી ભવિષ્યની ઘરવાળી અને તેની નાની બેન પણ આવ્યાં, કેમકે તેમણે ઘર અને વરનું નિરિક્ષણ કરવાનું હતું. આ વખતે હું ત્રણેક શેર જેટલું બકરીનું દૂધ લાવેલો તે ગડગડાટ પી ગયો. આ દૃશ્ય છોકરીઑ એ જોયું એ જોઈ એમને બહુ અચંબો થ્યો. પછી તો ધામેધૂમે મારા લગ્ન ભાનુમતી સાથે થયાં, ને તે સાથે હેમતભાઈ લાડીને લઈને ઘેર આવ્યાં. કેશોદમાં જન્મેલી છોકરી દેશીંગા ગાયો ભેંસો રાખતા સાસરીયામાં આવી. આવીને તેણે મારી મા પાસેથી ફટફટ કામ શીખવા માંડ્યુ. મારી મા એ સીમમાં પશુ માટે ઘાસ લેવા જવું પડે તેથી પશુઓ કેવું ઘાસ ખાઈ શકે એ ઓળખતા શીખવ્યું. ગાયો ભેંસોને દોહતા શીખવ્યું, ને મારા મિત્ર પરબતભાઈની વહુ રાણીબેને કાંપો વાળતાં શીખવ્યું. આમ ભાનુમતી અમારા ઘરની રીતે ઢળવા લાગ્યાં.
વખત જતાં હું પોલીસ ખાતામાં દાખલ થયો. અમે એલીસબ્રીજ પોલીસ લાઈનમાં રહેવા લાગ્યાં. ભાનુમતીને થોડીક માથાભારે કહી શકાય. કારણ કે સવારે ને સાંજે બે કલાક પાણી આવે ત્યારે નળ ઉપર કબજો કરી લ્યે ને પોતાના ઘરનું એકેએક વાસણ ભરાય પછી જ નળનો કબજો છોડે. ભાગલા વખતે સિંધમાંથી સિંધી હિંદુ આવ્યા. સિંધમાં એ જે સરકારી નોકરી કરતા હતા એજ નોકરી અહી એને આપવામાં આવેલી. એ રીતે એક દલપતરામ કરીને માણસ પોલીસ જમાદાર તરીકે નોકરી કરતો હતો . દલપતરામ આગળ એની પત્નીએ ફરિયાદ કરી કે “ભાનુ નલ કે જો કબજો લે તો ઘડીક મે નથી છડે” એક વખત ખીજાયેલા દલપતરામે ભાનુમતીની એ ડોલ નળથી ઉપાડીને દુર ફેંકી દઈને પોતાની ડોલ નળ નીચે મૂકી દીધી. આપને એમ થયું હશે કે આ પ્રસંગ બન્યા પછી ભાનુબેન પોતાની ડોલ લઈને રોતાં રોતાં ઘર ભેગાં થઇ ગયાં હશે , પણ એક કવિતાની કડી લખું છું એમાં સમજી જાશો.
पोलिस लाइनमे पानीका ज़घड़ा होता था मेरे भाई
दलपतरामने भानुमतिकी नलसे डॉल हटाई। …. संतोभाई
रणचंडी बन भानुमतीने अपनी डॉल उठाई
दलपतरामके सरमे ठोकी लहू लुहान होजाइ …. संतोभाई
એક વખત ડી એસ પી એ પોલીસની બાયડીયોની પાણીના ભરેલાં બેડાં માથા ઉપર મુકીને દોડવાની હરીફાઈ રાખેલી. એમાં ભાનુ અમને ખબર વિના નામ નોંધાવી આવી. દીકરાઓએ અને મેં હરીફાઈમાં ન ઉતારવા માટે સમજાવી પણ એ કોઈનું માની નહિ ને વટથી બોલી કે હું હરીફાઈમાં ઉતરીશ અને પહેલો નંબર લાવીશ .
पानी भरकर बर्तन सरपर दोडकी हुई हरीफाई
जवां लड़कियां पीछे रह गई भानु पहली आई। …. संतोभाई
ભાનુમતીએ બહુ ઝઘડા કરેલા છે. કેટલાક લખવા? ભાનુમતીની આ વાતો વાંચીને આપને એમ થશે કે હું એનાથી થરથર ધ્રુજતો હોઈશ, પણ નાના રામનું નામ લ્યો એના માબાપે એને પતિને પરમેશ્વર માનવો એ શીખવ્યું તું ને બીજુ કારણ એ કે એણે મારા મારફાડના ઝઘડા વિષે સાંભળીયુ હોય ને. ભાનુમતીએ બહુ ઝઘડાળું હતાં ઇ વાત સાચી પણ ઇ ખાલી ઝઘડાળું નો’તી સાથે ઇ પ્રેમાળેય હતી.
પછી એ અમેરિકા આવી. અમેરિકન માતાથી જન્મેલો મારો ભત્રીજો વિક્રમ એને બહુજ પ્રેમ કરતો એ ભાનુને “મામ” કહેતો (સામાન્ય રીતે અમેરિકન બાળકો પોતાની મા ને લાડમાં મામ કહેતા હોય છે) અને એની માને “મમ્મી” કહેતો. ભાનુએ મારા મોટા દીકરાની સાથે અમદાવાદમાં ભણતો શરદ પટેલની બેનના બાળકોના બેબી સીટરનું કામ કર્યું ત્યારે એનો દોઢેક વરસનો દીકરો ભાનુમતીનો એટલો બધો હેવાયો થઇ ગએલો કે એની મા કામ ઉપરથી આવીને એને રમાડવા જાય તો એ દોડીને ભાનુમતીના ખોળામાં ઘુસી જાય. દીકરાની મા પ્રફુલ્લાબેન કહે ભાનુબેન એને ખોળામાંથી ઉઠાડી મુકો. ભાનુ કહે મારા ખોળામાં આવેલને હું ધક્કો નો મારું. તારે લઈ જાવો હોય તો તું ખેંચીને લઈ જા. એક દિવસ પ્રફુલ્લાબેનને કહેવું પડ્યું કે ભાનુબેન….હવે તો મારો દીકરાને મારો રહેવા દ્યો.
વખતને જતા વાર નથી લાગતી. ઈ નાનેરો છોકરો મોટો બની ડોક્ટર બની ગયો. જે દિવસે તે પરણ્યો તે વખતે તેના બાપ રમેશભાઈ એ ભાનુને કંકોત્રી મોકલી તી. એમાં લખ્યું હતું “બા તમારો દીકરો પરણે છે .”
આ વાતને પણ વરસો વીતી ગયાં. ભાનુ બીમાર થઇ ગઈ. એ વખતે અમે એરિઝોનામાં રહેતાં હતાં એના ડાયાબીટીશે ખુબ જોર પકડ્યું. એમાં એ બહુ નિર્બળ થઇ ગઈ. જાતે ચાલી શકે નહિ કે જાતે ખાઇ શકે નહિ. અગિયાર મહિના મે સેવા કરી. હું એના કહેવા પ્રમાણે નવડાવું ભગવાનને દીવાબત્તી કરી દઉં. પછી એ બોલે હવે મારી પૂજા કર્યા કરો છો તો હવે સીનીયર સેન્ટરમાં જાઓ ન્યાં ઘણીયે રંડકયું અથડાશે એની પૂજા કરો. પછી તો,
दो हज़ार सात अगस्तकी जब दूसरी तारीख आई
इस फानी दुनिया को छोड़के भानुने लीनी विदाई … संतोभाई
ભાનુમતીના કહેવાથી અમે એનું માન રાખ્યું અને એના મૃત શરીરને દાનમાં આપી દીધું.
“ સિત્તેર વરસનો સાથ ભવમાય ભુલાશે નઈ
સાચો હતો સંઘાથ ઈ હવે માણેક વેર્યે નઈ મળે.”
भानु भानु पुकारू में मनसे पर,
भानु आ नहीं सकती जन्नतसे
भानु के वियोगमे जुरता रहेता
यह भानु का हिम्मत – ‘आता’