આજે પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિને બાળકો અને કિશોરોના શિક્ષણને નવી દિશા પુરી પાડવાની મહેચ્છા સાથે, ‘ઈ -વિદ્યાલય’ શરૂ થાય છે; ત્યારે એ જાણવાની મઝા આવશે કે, ‘ ઈ-વિદ્યાલય’નું મૂળ ક્યાં હતું? ક્યાંથી એની શરૂઆત થઈ?
ઘરે જતા પપ્પાએ કીધેલું કે બેટા, હમણાં ભલે આ બીબાઢાળ પદ્ધતિએ ભણવું પડે છે, પણ આગળ જતા તમે વિદ્યાર્થીઓ જ આમાં બદલાવ લાવી શકશો.
—
આખા વાર્તાલાપની મારાં મન પર બહુ ઉંડી અસર પડેલી. મેં ત્યારે એક સપનું જોયેલું, હા, હું જરૂર આવું કંઈક નવું કરીશ. ટેકનોલોજી ભણીશ અને એનો સમાજમાં વિશાળ પાયે ઉપયોગ થઇ શકે એવું યોગદાન જરૂર આપીશ.
સાકાર બનેલું એ સ્વપ્ન આજના સપ્પરમા દિને ઈ-વિદ્યાલયની ઈમારતમાં જન્મ લઈ રહ્યું છે; ત્યારે…
ઈ-વિદ્યાલય માટે એક દર્શન
‘શિક્ષણ એ વિકાસની ચાવી છે.’ – આ બહુ જાણીતું વાક્ય છે. જો કે, વિકાસને માટે જરૂરી બીજાં પરિમાણો પણ હોય છે જ. શિક્ષણ અને તેમાંથી આકાર લેતાં કુતૂહલ, ઉત્સાહ અને શોધ જ્ઞાન અને જાગૃતિની નવી ક્ષિતિજોને આંબવા માટે, નવા સીમાડા અને તેનાં દરવાજા ખોલી દેતાં હોય છે.
જ્ઞાનના અફાટ મહાસાગરનાં અમાપ ઊંડાણોમાં માનવ મનની ઉર્ધ્વગતિની સાથે સાથે માનવ સમાજોની ઉત્ક્રાન્તિ અનેક વિધ દિશાઓમાં વધારે ને વધારે જટિલ બનતી રહી છે; અને હજુ ઘણી વધારે તીવ્ર વેગથી તે ઉત્ક્રાન્તિ આગળ ધપી રહી છે. આજથી પચાસ કે સો વર્ષ પછી, માનવ સમાજોની ગુણવત્તા અને દિશા કેવાં હશે; એનો અંદાજ લગાવવા જઈએ તો ચકાચોંધ બની જવાય એમ નથી લાગતું? અગણિત દિશાઓમાં માનવ મને પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ નિહાળીને આપણે આશ્ચર્યચકિત બની નથી જતા?
સાથે સાથે એ જ માનવ મને પર્યાવરણ, સજીવ સૃષ્ટિ, પ્રાણી આને વનસ્પતિ જગતને – અરે! માનવ સમાજને પોતાને કરેલ પ્રચંડ હાનિ અને સત્યાનાશ જોઈને આપણને અરેરાટી નથી થઈ જતી?
સંસ્કૃતિના ઉષાકાળથી શાળા શિક્ષણની પ્રક્રિયાઓ માટેનું પ્રારંભિક ધામ રહી છે; અને તેણે માનવ મનના વિકાસના પારણાંની ગરજ સારી છે. એક બાળકને જ્ઞાનના એ મહાસાગરનો એક અંશ માત્ર પણ લઘુત્તમ જરૂરી રીતે આત્મસાત કરવા અને અજાણ્યા સીમાડાઓ ખેડવાની શક્તિ સંપાદન કરવા માટે તૈયાર કરવાનું એક શિક્ષકનું કામ વધારે ને વધારે મુશ્કેલ બનતું જાય છે.
આની સાથે શિક્ષણની પદ્ધતિનું જે ઝડપથી અને કક્ષાથી અવમૂલ્યન થઈ રહ્યું છે- વિદ્યાર્થીઓને માત્ર સમૃદ્ધિ અને બહારી માન્યતા પ્રાપ્ત કરી લેવાની તકો ઝડપી લેવા અને તેની સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી મૂષકદોડ માટે જ તૈયાર કરવાનું તેનું એકમાત્ર ધ્યેય બની ગયું છે – તે જોઈને આપણને શરમ અને વ્યથા પણ ઉપજવા લાગે છે. બૌદ્ધિક મૂલ્યો અને ગુણોને ઉજાગર કરવાની પાયાની જરૂરિયાત કમભાગ્યે સાવ ગૌણ બની ગયેલી જોઈ; આપણને સકારણ ગ્લાનિ થવા લાગે છે.
આ સંદર્ભમાં ઈ-વિદ્યાલયના જુસ્સાને સમજવાનો છે. તરોતાજા વિચાર શક્તિ, સર્જનાત્મકતા, પ્રામાણિક કુતૂહલવૃત્તિ અને સૌથી વધારે અગત્યનાં માનવતા અને નૈતિકતાના મૂલ્યોને ઉજાગર કરવાનું; એને પોષણ આપવાનું, તેનું ધ્યેય છે. નીચેનો વિડિયો આ ઉદાત્ત ધ્યેયને બહુ અસરકારક રીતે સમજાવે છે; એની ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે.
લન્ડનનાં શ્રીમતિ હીરલ શાહે છેલ્લાં બે વર્ષમાં બનાવેલ ૨૬૦ જેટલા શિક્ષણાત્મક વિડિયો એક અત્યંત સરાહનીય પ્રયત્ન તો છે જ. પણ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ કેટલા પ્રમાણમાં શિક્ષણની આ રીતનું અમલીકરણ કરે છે; અને તે કેટલે અંશે અસરકારક બને છે; તેના આધારે જ આ પ્રયત્નોમાં તેને કેટલી સફળતા મળે છે – તેનું મૂલ્યાંકન થઈ શકે. પણ ઘણી વધારે અગત્યની અને નોંધપાત્ર વાત છે – શિક્ષણની પદ્ધતિની એક નવી દિશા ઊભી કરવાનો તેનો ધખારો. એક સાચી દિશા માટેનો આ સન્નિષ્ઠ પ્રયાસ છે.
આજે ઈ-વિદ્યાલયના તખતા આગળનો પડદો સર્જનાત્મક અને તાજગીસભર નર્તનો માટે આતુરતાપૂર્વક ખુલી રહ્યો છે.એમ બને કે, ઈ-વિદ્યાલય તેના ઉપયોગકર્તાઓ વચ્ચે જે સંવાદ ઊભો કરવા માંગે છે; એના સબબે શિક્ષણની પદ્ધતિમાં નવા રાજમાર્ગો બનવા લાગે.
આ તખતો મજા, સર્જનાત્મકતા અને તાજા વિચારોને જન્મ આપે તેવી આપણે અભિપ્સા રાખીએ – હજારો સુંદર અને સુવાસથી મઘમઘતાં પુષ્પો પાંગરે તેવી અભિપ્સા– ‘જીવન શી રીતે જીવાવું જોઈએ?’ તે રાજમાર્ગના બધા દરવાજા ફટાબાર ખુલી જાય એની અભિપ્સા.
———
મિત્રો,
એકલી હીરલ કશું કરી ન શકે, ખભેખભો મીલાવી, ભાવિ વારસોની સેવામાં આપણે સૌએ જોડાઈ જવું પડે. ચાલો આપણામાંનુ દરેક જણ આ યજ્ઞની આહૂતિમાં એક એક દાણો ‘સ્વાહા’ કરતા જઈએ.