Daily Archives: ઓગસ્ટ 16, 2013

“દાજી ડાયરો” – દિનેશ વૈષ્ણવ

શાહ્બુદીનભાઈ કે ભીખુદાનભાઈ ગઢવી “દાજી ડાયરો” શબ્દ ઘણીવાર વાપરે. મને ખબર નથી કે ૫૦-૧૦૦ ની ટીકીટુ આપીને કોક શેહર ના ટાઉન હોલમાં જેને “જાહેર  ડાયરો” જોયો હોય એને “દાજી ડાયરો” શું ઈ ખબર હશે. એટલે મારે મોઢેથીજ સાંભળો ઈ “દાજી ડાયરો” એટલે સુ. મેં મારા બાળપણ, ઘડતર, જીવતર ને સંસ્કાર ના મોલ ઈ ગામડાઓ ના ખેતરોમાં વાવી ને વીયડા ના પાણી એ ઊંચા કર્યા છે. આજે પણ ઈ ગામડાઓ ના સીમ-સેઢે ગોતો તો કદાચ મારા જેવા કોક આવી વાત  માંડવા વાળા મળી પણ જાય.

તો શાહેબ, આ વાત છે આજથી ૫૫-૫૮ વરસ પેલાની. અમે પંખીના માળા જેવા મેંદરડામાં. યાંથી ત્રણેક નાડાવા આથમણીકોર ૧૦૦-૧૨૫ સુખી ખોયડા નું, બીજા ને ખાર-ખેધો થાય એવું મઢુલી જેવું રૂડું ગામડું ઈ માનપુર. ઈ વખતે યાં રાવતવાળા હનુભાબાપુ ગરાસ ખાતા, ને ઈ બીલખાબાપુના ભાયાત પણ ખરા. મારા પિતાશ્રી મેંદરડા માં દાકતર એટલે અમે પણ એની હારે દરબાર ગઢે માંદે-સાજે કોક-કોક વાર જાતા. જો સાંજ હોય ને માનપુર ના પાદરે “શિવ મંદિરે” સંતુરામ શંખ ફુકે, નાગભાઇ નગારે ડાંડી દે, જસમત જાલરે ઘ્ણીયો પાડે, અતાબાપા આરતી કરે ને બાપુ જાજી તાણ કરે તો અમે પણ રોકાઈ જાતા ને દરબારગઢની તાજી ગારે લીપેલી ઓસરી માં “દાજી ડાયરે” બેસતા.

ભાઇ, ભાઇ… ઈ ઓસરીની જાકમજોળ ની સુ વાત કરુ. ચારે બાજુ આભલાના ચાકળા ચોડ્યા હોય, બાયણે-બાયણે લાલ-લીલી-ગુઢી ભુંગળીના તોરણો ટાગ્યા હોય, ને ઑયઙ।ઊના ટોડલે મોર-પોપટ ચીતર્યા હોય. બસ આ ડાયરો હળવે હળવે થીજતો હોય યા ૪-૬ “સાતી” ગા-ભેહ ને સીમેથી વળાવી પાછા આવે, ગમાણે બાંધે. પછી ઢોર-ઢાંખર ને “નીણ” નાખી “મોઢે ખોળ નું ખાણ” દઈ ને ગઢની ગોલ્કીઓ ઢોરો દોવે ને શેડકઢા દુધે બોઘ્યડા ભરે.

થીજતા ડાયરે હનુભા બાપુ સામે શેમળા ના ઊંચા ગાદ્લે મૂછે તાલ દેતા બેઠા હોય. એની ડાબી બાજુ નીચે વજુભાબાપુ, જોરુભા, જેઠવાબાપા, ને રાણીગભા ધાધલ બેસે, અફીણ ઘોળે, કસુંબા કરે ને કરાવે. બાપુની  જમણીકોર થી બાપુ ના “ગોલ્કા” ૫-૭ હોકા ભરે ને ડાયરે ફેરવે. માનપુરનાજ મુળુભાઈ બારોટ બાપુ ને ૧૦-૧૫ મિનીટ બિરદાવે ને પોરસ ચડાવે. પછી જેવો દિવસ ને જેવી તિથી – ઈ પ્રમાણે કનુભાઈ દેવીદાન બારોટ, માધુભગત જેઠવા, ઈબ્રાહીમ ભગત, મુગટલાલ જોશી એમ જુદા જુદા ભજનીકો ભજનો ગાય, મેરૂભા ગઢવી “વાત માંડે,” કે પછી માણભટ્ટ કોકદી “માણ” વગાડે. એમાં એકવાર સૌરાષ્ટ્ર નો અષાઢી અવાજ શ્રી. હેમુભાઈ ગઢવી પણ આવેલા ને “પેલા પેલા જુગમાં રાણી તું હતી પિંગલા…” ઉપાડ્યુંતું, હજી કાને ઈ મધ-જરતા અવાજના  ભણકારા વાગેછ.

જેમ જેમ ગામમાંથી લોકો આવે એમ બાપુ ને “જઈ માં ખોડીયાર” કઈ ને બેસતા જાય ને ધીમે ધીમે ડાયરો બંધાતો જાય, હાકલા-હોકારા વધતા જાય. બાપુ ગામના નવા-જૂની જાણે, ગરીબ-ગુરબા ના ખબર-અંતર પૂછે, ને જરૂરતે “કોઠારી વડારણ” ને કે “ઈ આને ચાર પવાલા બાજરો આપજો… આને પારીયું ઘી દેજો… આને બોઘડું દૂધ દયો…” બસ આ બધું હાલતું હોય યા કાનજી વાળંદ પીતળની  અડાળીમાં આંગળી ઉભી ને અટકે એવો જાડો દરેડ ચા ફેરવે, પીનારા ચા પીવે ને બાકીના કાવા-કસુંબા. ચા પછી થાળીમાં બીડી-બાકસ ને સોપારીના કટકા પણ ફરે. ડાયરે જાતજાતની વાતું થાય, પણ કોઈની ટીકા નહિ. અન્ધારું થાય ઈ પેલા તુલસીક્યારે દીવો મુકાય, ગઢે ફાનસુ લટકાવાય, લાંબી વાટ ના કોડિયા મુકાય.

પછી રસોડે થી “વાળું” નો “”શાદ” પડે. ઉજળા માણસો આગળ ને બાકી પાછળ એમ ગુણીયે રસોડે પંગત પડે, બધા ને ઢીચણીયા દેવાય. વાળુમાં આગલા ચૂલે થી (એને “ઓલો” કેવાય) ઉતરેલી ફોતરાવાળી ને માથે ફોતરા નો ઓઘ્લો વળ્યો હોય એવી મગની દાળ ની ઢીલી ખીચડી, લસણ ની છાટવાળી ખાટી કાઠી-કઢી કે  ખાટિયું, ગાડા ના પયડા જેવા લદોલ્દ ઘી એ નીતરતા લીલછમ રોટલા, તાંસળી ભરી ને શેડકઢું દૂધ, ગોળ-ઘી-માખણ, લીલા ડુંગળી-લસણ, ઘી થી દોડતી લાપસી કે ચુરમું, ને શાક માં ઋતુ પ્રમાણે લસણીયા-છાસિયા રીંગણા કે ભીંડા, ગલકા કે તુરીયા, લસણ ની કોરી ચટણીએ વઘારેલી ભોપાત્રા ની ભાજી, કે ડુંગળી-બટેટા હોય. બોઘડે થી ખીચડીમાં ઘી રેડાય ને “બાપલા, વધારે લ્યો નીકર બાપુનું ભૂંડું લાગે” એમ કહી ઘી લેવાની તાણ પણ થાય. બસ, વાળું કરી અમે બાપુની રજાએ રઢિયાળા બળદ ના “સગરામ” માં માથે માફો નાખી, પસાયતા ની જોટાળી જામગરી ની આડે, રાડા ની પથારીએ બેઠા બેઠા અજવાળી રાતે સિંહ-સાવજ ની ડણાકો સાંભળતા સાંભળતા “મધુવન્તી નદી” ના કાઠે થી ધોખડ ચડી ને મેંદરડા ઘેર પાછા આવીએ. ગાદ્લે પડ્યા-પડ્યા બાપુ નો પેર્મ ને ભજનીકો ભજનોને માણતાં-માણતાં અમારી  આંખના પોપચા ભીડાઈ જાતા.

તો સાહેબ, આને કે “દાજી ડાયરો.” જો બીજી વાર ઈ શબ્દ સાંભળો તો આ યાદ કરજો.