રુઘો મારો પાકો દોસ્તાર અમે સાથે મર મઠ ભણવા જઈએ ઘરે આવીએ ત્યારે વાતો ચિતો કરતા કરતા રખડતા ઘરે આવી એ .રુઘા નું આખું નામ રૂઘનાથ ધનજી માટલીયા .એક વખત રુઘે મને પૂછ્યું ,સત્ય બોલવા બાબત તારું શું કહેવાનું છે .?મેં જવાબ આપ્યો સાચું તો બોલવુંજ જોઈએ .રુઘો કહે ત્યાંજ તારી ભૂલ થાય છે .આ કળજુગ છે સત્ય્ભાશી દુ:ખી થાય છે .એક ફિલમ નું ગીત છે કે” સચ્ચે ફાંસી ચડદે વેખે જુઠે મોજ ઉડાવે ” તું એક વખત નિશાળે મોડો ગયોતો .ત્યારે દેવશંકર સાહેબે તુને પૂછ્યું એલા મોડો કેમ આવ્યો ? તે રાજા હરિશ્ચન્દ્ર નો દીકરો થઈને સાચું કીધું કે સાહેબ હું ધીમે ધીમે ચાલીને આવતો હતો એમાં મને સમયનું ભાન નો રહ્યું . એટલે મોડું થઇ ગયું . સાહેબ બોલ્યા કેમ રખડતો રખડતો આવ્યો એમ કહીને તુને ઉઠ બેસ કરાવી અંગુઠા પકડાવ્યા .અને તારા વાહામાં બે સોટી યુ મારી ,આ તારો સાચું બોલવાનો નતીજો ,હું પણ તારી જેમ રખડુ છું હું એક વખત મોડો ગયો .એટલે ઓલા પશીયા પાસે સોટી મને માર વા માટે મગાવી ,મેં તુર્તજ સાહેબને કીધું .સાહેબ મારી વાત પહેલા તમે સાંભળો હું કેમ મોડો આવ્યો ઈ અને પછી મને મારવો હોય એટલો મારજો .સાહેબ કહે બોલ કેમ મોડું થયું ? મેં જવાબ આપ્યો ,સાહેબ એક ડોશીમા માથે પોટકું મુકીને આવતાં હતાં ,બાપડાં ને ઠેસ વાગી અને પડી ગયા હું તુર્ત એની પાસે ગયો , માજીને બેઠાં કર્યાં ,એનું પોટકું મેં ઉપાડી લીધું અને એનો હાથ પકડી સાચવીને માજીને એમને ઘરે પહોંચાડ્યાં .મારી વાત સાંભળી સાહેબ ખુશ ખુશ થઇ ગયા ,અને છોકરાઓ આગળ મારાં વખાણ કર્યા કે રુઘો કેટલો પરોપકારી કહેવાય કેટલો વૃધ્ધો ઉપર દયા રાખનારો કહેવાય ,છોકરાઓ આમની પાસેથી વડીલોની સેવા કરવાનું શીખવાનું છે . પછી રુઘો મને કહે જો હું ગલ્લાં તલ્લાં કરત અને સાચું બોલત કે સાહેબ માફ કરો હું આવતો હતો ત્યારે મને કંઈ સમયની ભાન નો રહી , તો સાહેબ મને ઉઠ બેસ કરાવત અને મારત પણ ખરા ,અને હું ખોટું બોલ્યો એમાં મને શાબાશી મળી .વળી રુઘો બોલ્યો આદિ અનાદિથી જુઠું બોલનારાજ જીતતા આવ્યા છે .હવે તુને ભગવાન શ્રી કૃષ્ણ નો દાખલો આપું .કૃષ્ણ ગોપીયુંના રેઢા ઘરમાં ઘૂસીને ચોરીને માખણ ખાઈ જતા હતા . એ વાતની તો તુને ખબર છે ,આ બાબતની ગોપીયો જસોદા મા પાસે ફરિયાદ કરતાં કે મા તારો કનૈયો અમારા ઘરમાં ઘૂસીને માખણ ખાય જાય છે .અને માખણની દોણીયુ પણ ફોડી નાખે છે . આને તું કંઈક સમજાવતી જા ,બધીયુ માયુ દીકરાનો બચાવ કરે છે એમ જસોદામા પણ કૃષ્ણનો બચાવ કરતા કહેતાં કે અમારા ઘરમાં માખણની કંઈ ખોટ છે કે તમારા ઘરમાં માખણ ચોરવા આવે ?કૃષ્ણ એવી રીતે માખણ ચોરી કરતો કે બપોરી વેળાએ ગાયોને છાયડે બેસાડી ,એક ગોવાળીયાને ગયુંનું ધ્યાન રાખવાનું કહી , બાકીના ગોવાળિયા સાથે ગોપી ક્યાંક આડા અવળી હોય એ મોકો જોઈ ઘરમાં ઘૂસે .કૃષ્ણ પોતે બધા ગોવાળિયા કરતા ઉમરમાં નાનો ,માખણની દોણી ઉંચે છીંકા ઉપર ટાંગી હોય એટલે બે ગોવાળિયા એકબીજા ના ઉપર ચડે અને સૌથી ઉપર કૃષ્ણ ચડે ,અને પછી દોણીમાં હાથ નાખીને માખણ ખાતો જાય અને ગોવાલીયાઓને માટે ફેંકતો જાય .અને છેલ્લે દોણી નીચે પટકે ,અને થોડુક માખણ ગાયુંનું ધ્યાન રાખવા માટે બેઠો એના માટે લેતા જાય .એક વખત બન્યું એવું કે માખણ કૃષ્ણે ખુબ ખાધું અને બીજા ગોવાળીયાઓને ખવડાવ્યું ,અને જેવી દોણી નીચે ફેંકી એટલે એનો અવાજ થયો .એટલે ગોપી બહાર વાસિંદુ કરતી હતી એ દોડતી આવી ,એટલે બીજા ગોવાળિયાઓ જટ પટ ભાગી ગયા અને કૃષ્ણ પકડાય ગયો .આ વખતે એનું મોઢું માખણથી ખરડા એલુ હતું આવીજ સ્થિતિમાં ગોપી કૃષ્ણને તબ તબાવીને જસોદા માં પાસે લઇ ગઈ અને જસોદા માને કીધું કે તું નથી માન તી ને કે મારો કનૈયો ચોર નથી .લે જો જસોદા માએ કૃષ્ણે પૂછ્યું .એલા તે માખણ ખાધું ?કૃષ્ણ કહે નાં ભાઈ મેં માખણ નથી ખાધું .આ પ્રસંગનું સુરદાસે વર્ણન જે કર્યું છે . એ અદ્ભુત છે .જસોદામાંના પ્રશ્નના જવાબમાં કૃષ્ણ ઉત્તર આપે છે કે મા તું મને સવારના પહોરમાં દહીનાં દહીં થ રા ઘીમાં બનાવેલા ઘેબ્ ર નું શિરામણ કરાવીને મારા હાથમાં લાકડી અને કામળી પકડાવીને ગાયુંને ચારવા ધકેલી દે છે ,કે ઠેઠ દિ આથમે હું ઘેર આવું છું .આ ગોપીયુંનું માખણ ખાવા હું ક્યારે જાઉં .એનો જવાબ સાંભળી જસોદા માં બોલ્યાં અ તારું ડાચું માખણ માખણ ભર્યું છે એનું શું ? કૃષ્ણ કહે મા હમણાથી આ ગોવાળિયા મારે ખેદે પડ્યા છે ,એટલે એ લોકોએ મારા મોઢા ઉપર ધરાર માખણ ચોપડી દીધું છે , તોય જસોદા મા કૃષ્ણ નું માનતા નથી એટલે કનૈયો થોડો ખીજાવાનો ડોળ કર્યો ,અને બોલ્યો મા તુને આ ત્રણ દોક્ડાની ગોપીયુંનો ભરોસો આવ્યો અને મારો તારા દિકરાનો ભરોસો નથી આવતો ,હૂતો જાણે કેમ તારો દિકરો ન હોઉં એવો વર્તાવ તું મારી સાથે રાખે છે . કનૈયો તદ્દન ખોટો છે છતાં પોતે સાચો છે .એવું સાબિત કરવા કેવી કેવી યુક્તિઓ કરે છે, કનૈયાને મનમાં થયું કે દોશી આમ નહિ માને એટલે એણે લાકડી અને કામળી ઘા કરીને ફેંકીને બોલ્યો ,આ લે આ તારી લાકડી અને કામળી કાલથી હું ગાયો ચરાવવા નથી જવાનો , આ જોઈ જસોદા હસી પડી અને કનૈયાની પીખડી પકડી પોતાના ગળે લગાડ્યો . રુઘો કહે જોયુંને આ કનૈયો જુઠું બોલ્યો એટલેજ કનૈયો જસોદાને વહાલો લાગ્યો સાચો લાગ્યો અને ગોપીયું ખોટાડી લાગી .