Daily Archives: નવેમ્બર 15, 2012

જુના સમયનો સોરઠના ગામડાનો લગ્નોત્સવ

જયારે દિકરાનાં લગ્ન થવાનાં હોય, ત્યારે કન્યાના માબાપ તરફથી બ્રાહ્મણ લગ્નના સમાચાર વાળો કાગળ લઈને વરના ઘરે જાય .લગ્નના શુભ સમાચાર વાળા બ્રાહ્મણને જોઈ વર પક્ષનાં માણસો હરખની હેલીએ ચડે .એમાં વરની મા ગાંડીતુર હોય ,એ ગામમાં દરેકને ઘરે જાય ,અને હરખભેર સમાચાર આપેકે અમારા ગગાનું લગન આવ્યું છે .એટલે સાંજે અમારે ઘરે ગીત ગાવા આવજો . ગીત ગાવા વાળિયું બેનો આવે .અને ગીત શરુ કરે ,”પાછલી પછીતે બેઠારે ગણેશ પડભીતે બેઠી પુતળી રે “ગીત ઓછામાં ઓછાં ચાર ગીત ગાવાં જોઈએ ,ગીત પુરાં થાય એટલે દરેક ગીત ગાવા વાળીયુંને ખારેક સાકર અથવાતો અકેકી સોપારી આપે ,
અમારાં મણીભાભી સૌ સાથે રાગમાં તાલ મેળવીને નો ગાય, પણ જરાક પાછળથી શરુ કરે .મેં એક વખત પુછયું ભાભી તમે સૌ સાથે મળીને ગીત ગાતાં હોયતો ?તો તે જવાબ આપેકે જો હું સૌ સાથે મળીને ગાઉં તો હું ગીત ગાઉં છું એની ખબર કેમ પડે ?,
સવારે ઢોલી ઢોલ વગાડવા આવે .અને માંડવો નાખવા વાળા ગામના સેવાભાવી જુવાનીયા આવે .અને ગામમાં જેની નીરણ ઉંચી થઈહોય એના પૂળા ધણીને પુછયા વગર લઈ આવે ,અને એવીજ રીતે કોકની વળિયું ઉપાડી લાવે ,માંડવો નખાય જાય એટલે માંડવો નાખવા વાળા જુવાનું આગળ ખજૂરનું વાડીયું (મોટું પેકેટ )ઘીનું પાળિયું ,થોડાક વાટકા મુકે લગ્ન ઘણે ભાગે મહા મહિનામાં થાય આ વખતે ઠંડી હોય એટલે ઘી જામેલું હોય .ઘીના પાળીયામાંથી હાથેથી ઘી કાઢી કાઢીને વાટકામાં નાખે અને પછી ખજુર અને ઘી જુવાનીયા ઝાપટવા માંડે ,હરખુડી વરની મા જુવાનો પાસે આવે અને કહે એલાવ થોડું થોડું ઘી કેમ ખાઓ છો લોંદા ભરી ભરીને ખાતા જાવ ? પછી જાન જુતે માનીતી માનીતી જાનડીયુ વરના ગાડામાં ખડકાય ,અને ગીત ઉપાડે “ધૂપ પડે ધરતી તપેરે પડે રે પડેરે નગારાની ધોંશ ભમ્મર તારી જાનમારે “અને પછીતો બાપુ વેવાઈના ગામ જાન પુગે .અને વેવાઈ તરફથી ગોળનું પાણી પીવડાવવામાં આવે થોડી વારે જાનનું સામૈયું થાય અને વાજતે ગાજતે જાન ઉતારે પહોંચે
હું ચારેક વરસની ઉમરનો હતો ત્યારે મારા રમણિકભાઈની જાનમાં દેશીંગાથી અર્ધો ગાઉ દૂર મોડદર ગામે ગએલો .વેવાઈને બે દીકરીયુને સાથે પરણાવવાની હતી .એક જાન મૈયારીથી ચુનીલાલની અને એક જાન દેશીંગાથી રમણિકભાઈની ,કન્યાઓએ ઘુંઘટ તાણ્યા હોય ,ગોરબાપાએ હાકલ કરીકે કન્યા પધરાવો સાવધાન “સાવધાન “અને કન્યા પક્ષના માણસોએ ઉતાવળમાં આલિયાની વહુ માલીયા પાસે અને માલિયાની વહુ આલિયા પાસે બેસાડી દેવાઈ .પણ એક ગીતા પટલાણી જેવી હોશિયાર બાઈની નજર પડી ,જોકે હવે ગીતા પટલાણી નથી .રાજેન્દ્રત્રિવેદીને પરણ્યા પછી એ હવે ગીતા ત્રિવેદી છે .ગીતા સાડી ઉપરથી ઓળખી ગઈકે આ આપણા વાળી નથી એટલે પછી યોગ્ય ઠેકાણે કન્યાઓ પધરાવી
હું નાનપણથીજ સખણો બેસી રહું એવા સ્વભાવનો નહિ મારા પગને તળીયે વાગેલું એટલે પગને પાટો બાંધેલો હતો .અને હું ઉઘાડે પગે જાનમાં ગએલો .એક વખત મગજમાં ખબર નહિ શું ધુન આવી કે હું વિવા(લગ્ન ) પડતા મુકી . હું દેશીંગા આવવા રવાના થઈ ગયો .પાછળ મારી મોડદરમાં શોધ ખોળ શરુ થઈ ગઈ હું ક્યાંય દેખાણો નહિ એટલે મારા બાપા મને ગોતવા દેશીંગાને રસ્તે ચડયા . ધૂળાટ રસ્તા ઉપર મારા પાટાવાળા પગના નિશાન દેખાણા એ જોયા પછી ખાત્રી થઈ કે હું દેશીંગા હઇશ પછી મોડદર જઈને સૌ ને મારા કુશળ સમાચાર આપ્યા .અનેબાપા દેશીંગા આવ્યા અને મને ઘર પાસે ધૂળ અને કાંકરાથી રમતો જોયો .બાપાએ મને પુછયું એલા અહી કેમ આવતો રહ્યો મેં જવાબ આપ્યો મને ત્યાં સોરવતું નોતું . ‘. ‘