Daily Archives: એપ્રિલ 10, 2012

અનરથનો નહિ પાર

અનરથનો   નહિ પાર આ જગનો  કેમ થશે ઉધાર
જગતમાં વધ્યો પાપાચાર જી   ………………………૧
ગાફલ ગેંડો ઘાસ ચરેને કરેન માંસાહાર જી
શીંગડું ચામડું લેવા કાજે  કરી નાખ્યો સંહાર ………..આ જગ માં.  ૨
બાકર બચ્ચાં કાંટા કરડે  ને માનું દૂધ  પીનારજી
કાળી માતા એનો ભોગ ન માંગે તોય માનવી મારે ધરાર ……………આ જગમાં  ૩
ગાયુંને ખીલે બાંધ્યા પછી એના પગ બાંધે ગોવાર જી
વાછરું છોડે ધાવવા કાજે પણ બોઘરે  દૂધ ની ધાર ………………………આ જગમાં ૪
એવા દુધનો પ્રભુની આગળ ભોગધરે નર નારજી
દંભી માનવીને જોયા પછી રોવા માંડ્યા  જુગદાધાર …………………આ જગમાં ૫
બે કર જોડી બોલે “અતાઈ” પ્રભુ રોશોમાં લગાર જી
અમે અપરાધી પામર જીવ તમે પાપીના તારણહાર ………………….આ જગમાં ૬
ભાવાર્થ ==ગેંડાના શીંગડા માંથી એવી દવા બને છે કે જે ખાવાથી મૈથુન શક્તિ વધી જાય છે .એવી માન્યતાના કારણેઅને  ગેંડાના  ચામડામાંથી   ઢાલ બને છે .એવી માન્યતાના કારણે  બાપડા ગેંડાને મારી નાખવામાં આવે છે .
બકરીના બચ્ચાં બાવળ  બોરડી નાં કાંટા વાળી કુણી ડાળખીયો   ખાયને  અને પોતાની માતાનું દૂધ પી ને મોટાં થાય છે એ માણસનાં બચ્ચાંની માફક કોકની માનું દૂધ નથી પી જતાં અને મહા કાળી માતા  આવા બચ્ચાને  મારી નાખીને મને ખવડાવો એવું નથી કેતાં  હવે કોઈ ગણપતિ દાદા ની મૂર્તિ દૂધ પીએ છે .એવી વાત વહેતી થયેલી એમ કાલીમા બકરા ખાવા માંડ્યાં છે  ,એવી વાતો કોઈ વહેતી કરે તો જુદી વાત છે .
હવે મુંબઈ અમદાવાદમાં રહેતા લોકોને બહુ ખબર ના હોય પણ ગામડામાં  ઉછરેલા માણસને તો ખબર હશેજ કે ગાયને દોતી વખતે  તેના પાછળના બંને પગને બાંધી  દ્યે છે કે જેથી કરી  ગાય પાટું ના મારી શકે  ,અને પછી એના બચ્ચાંને ધાવવા માટે છોડે બચ્ચાં ઉપરના પ્રેમને લીધે ગાયના આંચળમાં દૂધ ભરાય એટલે બચ્ચાંને ખસેડીને  ગાયના મુખ આગળ બાંધી દ્યે  ગાય બચ્ચાંને ચાટે એમ દૂધ આવતું જાય અને દૂધનું બોઘરું ભરાય જાય .હવે આવા દુધનો ભગવાનની મૂર્તિ આગળ ભોગ ધરાવે  આવા માણસોને જોયા પછી ભગવાનને એવું લાગેકે  આ મનુષ્ય જાતિને  બનાવીને અને એને બુદ્ધિની  સ્વતંત્રતા આપી  એ મારી મોટી ભૂલ હતી અને એના અફસોસમાં  ભગવાનની આંખો માંથી  આંસુ વહેવા માંડે . ત્યારે અતાઈ ભગવાન ને યાદ અપાવવા જાય કે બાપુ અમે તો પાપી લોકો છીએ અમે તો પાપ કરતા રહેવાના પણ આપ પતિત પાવન છો માટે અમને ક્ષમા કરતા રેજો .