Daily Archives: ડિસેમ્બર 6, 2011

આથર

હું પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતો હતો ત્યાં એક આર્થર નાંમનો  માણસ  કામ કરતો હતો.  તેને સૌ ‘આડી’ ના  ટૂંકા   નામે  બોલાવતા   મેં  એને  પુછ્યું , “તારું આખું નામ શું છે ?”

તે કહે “આર્થર”

મેં કહ્યું , ” હું તુને ‘આથર’ કહીને બોલવું  તો મને સહેલું  રહે.”

આર્થર કહે “તું એનો અર્થ મને કહે. “

મેં કહ્યું, “  વિગતથી કે’વું પડશે; એટલે થોડી વાર લાગશે.”

તે કહે, “વાંધો નહિં.”

પછી મેં વાર્તા માંડી.

મેં કહ્યું, “જૂના વખતમાં અમારા ગામ તરફ છોડમાંથી સીધો કપાસ  ન નીકળતો  પણ છોડ ઉપરથી  સીધા સુકા ફળ તોડી લવાતા.  આવાં ફળોને  કાલાં કહેતા. આવાં કાલાંને વેપારીઓ ખરીદે; અને પછી માણસો પાસે  કાલાં ફોલાવી ને કપાસ કઢાવે; અને માણસોને મજુરીના પૈસા આપે.  કાલાંમાં થી કપાસ કાઢી લીધા પછી જે ખાલી  ફોફું  રહે, એને  કોશિયું  કહેવાય.  આવા   કોશિયામાં    થોડો  ઘણો  કપાસ  રહી  જતો  હોય  છે.  બહુ  કાળજી  રાખવા છતાં આવા  કોશિયાઓને  કુંભાર  પોતાના  માટીના  વાસણ   પકવવા  લઇ  આવે. કોશીયામાં જે કપાસ રહી જતો હોય, તે   કુંભાર  સ્ત્રીઓ  કાઢી  લ્યે અને  એમાંથી   દાણા (કપાસિયા ) કાઢી  નાખીને  રૂ  તૈયાર  કરે.  આવા રૂને   કુભાર  સ્ત્રીઓ   રેંટીયા  ઉપર  કાંતીને  દોરા બનાવે. આવા દોરા વણકરને આપે. વણકર  કાપડ  બનાવે  અને  દરજી  પહેરવા માટે  કપડા બનાવી આપે. આવા કપડા   ફાટી  જાય  ત્યારે  એને  થીગડા  મારે  પછી જયારે વધુ ફાટી જાય  થીગડા  મારી  ના  શકાય  એવી  સ્થિતિ  સર્જાય   ત્યારે  આવા  તૂટી ગએલા  કપડાના ગોદડાં બનાવે.  આવા ગોદડાં  ફાટી ફાટી ને  ચૂંથા  થઈ જાય  ત્યારે  એવા  ગોદડાંને  જરૂર  પ્રમાણે  રીપેર  કરીને   ગધેડાની   પીઠ  ઉપર  મુકવાનું  સાધન  બનાવે આવા  સાધનને  આથર કેવાય.”

મારી કથા  સાંભળીને    આથર બોલ્યો, “ આ વસ્તુ તો બહુ એન્ટીક કહેવાય.  આ  નામ મને ગમ્યું છે;  અને એ નામથી મને બોલવતો  જજે.”

—————-